(૧) ગણોતધારાની કલમ-૪૩:
ગણોતધારા હેઠળ ગણોતિયાને જે જમીનો પ્રાપ્ત થયેલ છે, તે જમીનો માત્ર ખેતીના હેતુ માટે આપવામાં આવેલ. તેનો ઉપયોગ માત્ર તે વ્યક્તિ તથા તેના વારસદારો ખેતીના હેતુ માટે કરે તે માટે કલમ-૪૩ની કલમ અન્ય તબદીલી પર પ્રતિબંધ આપે છે તથા તે પ્રતિબંધ હટાવવા માટે સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી લેવાની રહે છે. સદર જમીન ગણોતિયાને ગ્રાન્ટ થયેથી સતત ૧૫ વર્ષના કબજા ભોગવટા બાદ ખેતીના હેતુ માટે જુની શરત થઈ શકે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીનાં હેતુ માટે પરવાનગી મામલતદારશ્રી તથા બિનખેતીના હેતુ માટે કલેક્ટરશ્રી આપે છે.
શહેરી વિસ્તારોમાં ખેતી તથા બિનખેતી બંન્ને હેતુ માટે પરવાનગી કલેક્ટરશ્રી આપે છે.
(૨) ગણોતધારા કલમ ૩૨(સી):
ગણોતીયા તથા જમીન માલીક વચ્ચે થયેલ જમીનની ખરીદીનો વ્યહવાર આ કલમ હેઠળ દર્શાવવામાં આવે છે.
આ કલમ હેઠળ મામલતદાર કૃષિપંચ દ્વારા કેસ ચલાવવામાં આવે છે. જેમાં ખરીદકિંમત નક્કી કરવામાં આવે છે.
(૩) ગણોતધારા કલમ ૩૨(એમ):
ગણોતીયા દ્વારા જમીનની ગણોતધારા કલમ ૩૨(સી) હેઠળ નક્કી કરેલ ખરીદ કિંમત ભરપાઇ કર્યેથી મામલતદાર કૃષિપંચ આ કલમ હેઠળ જમીન ખરીદીનું નમૂના નં.૯ હેઠળનું પ્રમાણપત્ર આપે છે.
(૪) કચ્છ વિદર્ભ રીજીયન કલમ-૫૭:
ગણોતધારાની કલમ-૪૩માં મુકેલા પ્રતિબંધો જેવા જ પ્રતિબંધો કચ્છ વિદર્ભ રીજીયનમાં કલમ-૫૭ હેઠળ મુકવામાં આવેલ છે.
(૫) જમીન મહેસુલ અધિનિયમ કલમ-૬૫:
જમીનનો ખેતી સિવાય અન્ય હેતુ માટે (બિનખેતી) ઉપયોગ કરવા માટે આ કલમ હેઠળ કલેક્ટરશ્રીની પરવાનગી માંગવામાં આવે છે.
(૬) ગણોતધારાની કલમ-૬૩, કચ્છ વિદર્ભ રીજીયન કલમ- ૮૯, સૌરાષ્ટ ધરખેડ વટહુકમ કલમ-૫૪:
આ કલમો હેઠળ બિનખેડૂત વ્યક્તિઓને ખેતીની જમીન તબદીલ કરવા / ખરીદ કરવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ કલેક્ટરશ્રી શરતોને આધિન જમીન તબદીલ કરવા પરવાનગી આપી શકે છે.
કલેક્ટરશ્રી જમીન તબદીલ કરવા આ કલમ હેઠળ પરવાનગી આપે પછી બિનખેડુત ખેતીની જમીન ખરીદી શકે છે.
આ પ્રકારની પરવાનગી જમીન ખરીદ કર્યા પહેલા લેવાની હોય છે.
(૭) ગણોતધારાની કલમ-૬૩ (એ.એ), કચ્છ વિદર્ભ રીજીયન કલમ- ૮૯(એ), સૌરાષ્ટ ધરખેડ વટહુકમ કલમ-૫૫:
ઔધોગીક કામગીરીને ઝડપી બનાવવા માટે તથા ઉદ્યોગકારોને ઔધોગીક હેતુ માટે જમીન ઝડપથી મળી રહે તે માટે આ કલમ હેઠળ કંપની / વ્યક્તિ દ્વારા ખેતીની જમીન ખરીદ કર્યા બાદ બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે કલેક્ટરશ્રી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આ હેતુ માટે જમીન ખરીદ કર્યાના દિન-૩૦માં કલેક્ટરશ્રીને જાણ કરવાની રહે છે તેમજ ૧૦ હેક્ટરથી વધુ જમીન ખરીદીના કિસ્સામાં ઉદ્યોગ કમિશનરશ્રીનું પ્રમાણપત્ર પણ મેળવવાનું રહે છે.
આ પરવાનગી માત્ર બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જ આપવામાં આવે છે.
(૮) જમીન મહેસુલ અધિનિયમ કલમ-૬૫(બી):
ગણોતધારાની કલમ-૬૩ (એ.એ), કચ્છ વિદર્ભ રીજીયન કલમ- ૮૯(એ), સૌરાષ્ટ ધરખેડ વટહુકમ કલમ-૫૫ હેઠળ પ્રમાણપત્ર મેળવેલ કંપની / વ્યક્તિને આ કલમ હેઠળ પ્રામાણિક ઔદ્યોગિકે હેતુ માટે બિનખેતીની પરવાનગી આપવામાં આવે છે.
આ પરવાનગી બિનખેતીનો ઉપયોગ શરૂ કર્યા બાદ આપવામાં આવે છે.
(૯) જમીન મહેસુલ અધિનિયમ કલમ-૬૫(અ):
જમીન બિનખેતી થયા બાદ તેનો અન્ય બિનખેતી હેતુ માટે ઉપયોગ કરવા માટે જમીન મહેસૂલ અધિનિયમની કલમ - ૬૫(અ) હેઠળ પ્રથમ કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહે છે.
ઉ.દા કોઇ એક જમીનનો ઉપયોગ રહેણાંકનાં હેતુ માટે કરતા હોય અને તેનો ઉપયોગ વાણિજ્ય હેતુ માટે કરવા માટે આ કલમ હેઠળ કલેક્ટરશ્રી પરવાનગી આપે છે.
(૧૦) જમીન મહેસુલ અધિનિયમ કલમ-૬૬:
ખેતીની જમીનનો ઉપયોગ કલેક્ટરશ્રીની પુર્વ પરવાનગી વિના બિનખેતી માટે કરવામાં આવે ત્યારે આ કલમ હેઠળ દંડની જોગવાઇ છે.
કલેક્ટરશ્રી દ્વારા દંડ વસુલ લીધા બાદ બિનખેતીનાં ઉપયોગ માટે આ કલમ હેઠળ ખેતીની જમીન રેગ્યુલરાઇઝ કરી શકે છે.
(૧૧) જમીન મહેસુલ અધિનિયમ કલમ-૬૭ :
કલેક્ટરશ્રી દ્વારા જે નિર્ધારીત શરતો હેઠળ જમીનનો ઉપયોગ બિનખેતી હેતુ માટે આપવામાં આવેલ હોય તે શરતો મુજબ જમીનનો ઉપયોગ ન થતો હોય ત્યારે લાગુ સર્કલ ઓફિસર દ્વારા આ કલમ હેઠળ શરતભંગનો રીપોર્ટ કરવામાં આવે છે.
કલેક્ટરશ્રી દ્વારા આ કલમ હેઠળ રીપોર્ટ આધારે દંડ વસુલ લેવામાં આવે છે.
પીડીએફ માટે અહિ ક્લિક કરો
No comments:
Post a Comment