11.13.2024

નવી જંત્રીનો અમલ અને મીણા સમિતિનો રિપોર્ટ સરકારની વિચારણામાં

 

જંત્રીના સુધારેલા દરને પબ્લિક ડોમેઇનમાં મૂકવાની તૈયારી: નાગરિકો દ્વારા કેટલીક મહેસૂલી સેવાઓ અંગે ભ્રષ્ટાચારની પણ મળતી ફરિયાદો



રાજ્ય સરકાર આગામી સમયમાં જંત્રીના સુધારેલા દર પબ્લિક ડોમેઇનમાં મૂકી જાહેર કરવા તૈયારી કરી રહી છે. તે સાથે જ બિન ખેડૂત રાજ્યમાં ખેતીની જમીન ખરીદી શકે તે માટે સરકારને સુપરત કરાયેલા મીણા સમિતિના અહેવાલની બાબત સરકારની વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવાઇ શકે છે તેમ પણ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું. મહેસૂલ વિભાગ દ્વારા iORA  સંલગ્ન મહેસૂલી 36 જેટલી સેવા અંગે શરૂ કરાયેલા  ફીડબેક સેન્ટરમાં નાગરિકોના પ્રતિભાવ મેળવી તેને વધુ અસરકારક બનાવાશે. મહેસૂલને લગતી કેટલીક સેવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં જંત્રીના નવા સુધારાયેલા દર ક્યારે જાહેર થશે તે અંગે તેની સાથે સંકળાયેલા વર્ગમાં ભારે ઉત્સુકતા છે. આ મુદ્દે મહેસૂલ વિભાગના એસીએસ ડો. રવિએ મીડિયાના પ્રશ્નોનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે તેની કામગીરી ચાલુ છે અને જંત્રીમાં મૂલ્યાંકન થયું છે. હવે સરકાર કક્ષાએ વિચારણામાં છે કે ક્યારે અને કેવી રીતે તેનો અમલ કરવો. તે સાથે જંત્રીના સુધારેલા દરને પબ્લિક ડોમેઇનમાં રાખવાનો પણ વિચાર છે. 

 તે સાથે મીણા સમિતિનો રિપોર્ટ સરકારને મળ્યો હોવાનું અને તેની ભલામણો વિચારણા હેઠળ હોવાનું પણ સરકાર તરફથી પ્રથમ વખત અધિકૃત રીતે સ્વીકારાયું હતું. જેમાં બિન ખેડૂત વ્યક્તિ પણ રાજ્યમાં જમીન ટોચ મર્યાદા સહિતની શરતોનો આધીન ખેતીની જમીન ખરીદી શકે તેવી ભલામણો કરાયેલી છે. આ મુદ્દે ડો. રવિએ કહ્યું હતું કે, આ પ્રોગ્રેસિવ અને સારા સુધારા કરવા સિસ્ટેમેટિક રીતે તે દિશામાં છે. મીણા સમિતિનો અહેવાલ સરકારને મળ્યો છે. વિચારણા હેઠળ છે અને તે અંગે ટૂંક સમયમાં સરકાર નિર્ણય લે તેવી સંભાવના છે.  

મહેસૂલ વિભાગ દ્વારા ફીડબેક સેન્ટર શરૂ કરાયું છે. જેમાં iORA પોર્ટલની કુલ 36 મહેસૂલી સેવાઓ અંગે સામાન્ય નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવીને તેનું વિશ્લેષણ કરાશે તેમ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું. વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, ફીડબેક સેન્ટર ખાતે નિયુક્ત કરાયેલા મહેસૂલ મિત્ર દ્વારા રોજ 200 કોલ સામેથી કરાઇ રહ્યા છે. હાલ iORA પોર્ટલ પરથી અરજી કરી નિકાલ કરાયો હોય તેવી બિન-ખેતીની અરજી, હયાતીમાં હક્ક દાખલ કરવાની અરજી, વારસાઇની અરજી અને ખેડૂત પ્રમાણપત્રની અરજી સહિતની કુલ 36 સેવાઓ અંગે નાગરિકોનો પ્રતિભાવ મેળવાઇ રહ્યો છે.  iORA પોર્ટલ ઉપર અરજી કરતા સમયે અરજદારોને પડેલી મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે આ સેવાઓમાં સુધારો કરી તેમના પ્રતિભાવના આધારે વિશ્લેષણ થકી, સેવાઓને વધુ અસરકારક બનાવાશે. જરૂર લાગે ત્યાં સેવાઓનું સરળીકરણ કરી નાગરિકોને ઝડપથી લાભ મળે તે માટે સેવાઓમાં પારદર્શકતા લવાશે. નાગરિકો સાથે સંવાદ કરી મહેસૂલી પ્રશ્નોની ઓળખ કરીને તેનો હકારાત્મક નિકાલ લાવવા માટેના પણ પ્રયત્નો આ ફીડબેક સેન્ટરના માધ્યમથી કરાશે.

જો કે તેમણે વિવિધ સેવાને લઇને નાગરિકો દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તલાટી અને મામલતદારના કાર્યક્ષેત્રને લગતી મુખ્ય સેવાઓ iORAમાં હોય છે. મહેસૂલ વિભાગમાં સચિવો રાજેશ માંજુ અને પી. સ્વરૂપ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

સરકારી જમીન પરના દબાણો જાણવા સેટેલાઇટ ઇમેજનો નવો પ્રયોગઃ ડો. રવિ

મહેસૂલ વિભાગને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો મળતી રહે છે. તે મામલે કલેકટર સાથે વિભાગ દ્વારા મીટિંગ કરીને તેને દૂર કરવાની સૂચના અપાતી હોય છે. સરકારી જમીનમાં છેલ્લા કેટલાક સમયમાં ખાસ કરીને તીર્થ-ધાર્મિક સ્થળો નજીક મોટાપાયે દબાણો થતા હોવાની માહિતી બહાર આવી છે. ડો. રવિએ આ મુદ્દે જણાવ્યું હતું કે, સરકારી જમીનમાં ગેરકાયદે દબાણની માહિતી માટે સેટેલાઇટ ઇમેજનો પણ ઉપયોગ કરાઇ રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં આ અંગે પ્રાયોગિક ધોરણે અમલ પણ શરૂ કરાયો છે.

No comments:

Post a Comment

*ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪*

 *ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪* મુસદ્દારૂપ જંત્રી-2024 માટે અહીં ક્લિક કરો/ Click here for Draft Jantri - 202...