6.11.2024

ખાતેદાર પોતાની જમીનનું બદલો, વેચાણ, ગીરો, બક્ષીસ, ભાડે કે તબદિલી કરી શકે છે

જે હેતુ માટે જમીન મેળવી હોય તે હેતુ માટે જ તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ તે હેતુ વિરુદ્ધ ઉપયોગ કરવાનો હક્ક નથી









તમારી જમીન,તમારી મિલકત | 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

જેવી રીતે સરકારી અધિકારીશ્રીની ફરજો અને અધિકારો છે તેવી જ રીતે રૈયત જમીનના ખાતેદારોના પણ કાયદાથી નિશ્ચિત થયેલ અધિકારો અને ફરજો છે.

જમીનના ખાતેદારના હકકો અને ફરજો નીચે મુજબ છે:

(અ) ખાતેદારના હકકોઃ 

  • મહેસૂલ નિયમિતવાળી જમીનનો કબજો કાયમી રાખવાનો અને ઉત્પન્ન લેવાના હક્કો, પ્રાપ્ત છે.
  • જમીનમાં વધુ ઉત્પાદન થાય તેવા સુધારા વધારા કરવાના હક્ક છે. ખેતી ઉપયોગી મકાન, કુવા તથા ખેતીમાં સારો ઉપયોગ થઈ શકે તેવાં કાર્યો મંજુરી લીધા વિના કરવાનો હક્ક છે.
  • એક એકર કરતાં વધુ જમીન ભાઠાની નીકળે તો આકારના ત્રણ પટ આપી ખરીદ કરવાનો હક્ક છે.
  • નદી નાળા પ્રવાહને કારણે ખાતાની જમીન ધોવાઈ જાય તો અડધા એકર કરતાં વધુ જમીન હોય તો તે પૂરતું મહેસુલ કમી કરવાનો હક્ક છે.
  • સરકારે વૃક્ષો જેવાં કે સાગ, સીસમ અને સુખડની માલિકી રાખેલી હોઈ તે સિવાયના બીજા વૃક્ષો  ખાતાની જમીનમાં આવેલા હોય તો સરકારની / ગ્રામ પંચાયતની પરવાનગી લઈને કાપવાનો હક્ક છે.
  • ખાતેદાર પોતાની જમીનનું બદલો, વેચાણ, ગીરો, બક્ષીસ, ભાડે કે તબદીલી કરી શકે છે. તે માટે કોઈ ખાસ પરવાનગી લેવાની જરૂર રહેતી નથી પરંતુ જમીન નવી શરતની હોય તો પરવાનગી લેવી પડે. તે સિવાય કોઈ લાગુ પડતા કાયદાઓ હેઠળ પૂર્વ પરવાનગીની જરૂર હોય તો તેવી મંજુરીઓ લેવી પડે છે.
  • ખાતાની જમીનનું રાજીનામું (મહાદુરી) આપવાનો ખાતેદારનો હક્ક છે.
  • સેટલમેન્ટ સુધીમાં ખાતાની જમીનના આકારમાં વધારો ના થવા દેવાનો અને રજુઆત કરવાનો હક્ક છે.
  • ગામના માટે નીમ થયેલા ગોચરમાં પોતાના ઢોર-ઢાંખર ચરાવવાનો હક્ક છે.
  • જમીનના ખાતેદારના ક્યા હક્કો ભોગવવાના નથી ?
  • ખાતેદારને પોતાની જમીનમાં ખાણ કે ખનીજ પરનો કોઈ જ હક્ક નથી.
  • જમીનને ખેતી માટે નકામી બનાવી દેવાય કે અન્ય નફા માટે ખોદકામ કરવાનો હક્ક નથી.
  • જ્યાં ખેતીની જમીન નિયંત્રણ નીચે મુકાયેલી હોય ત્યાં મંજુરી વિના ટ્રાન્સફર વેચાણ કરવાનો હક્ક નથી.
  • પોતાના હસ્તકની કોઈપણ જમીન ઉપર મંજુરી વગર મીઠું પકવવાનો હક્ક નથી.
  • સાર્વજનિક હેતુ માટે રાખવામાં આવેલા ખાતાની જમીનના અંદરના ખરાબા ખેડવાનો ખાતેદારને હક્ક નથી.
  • જે હેતુ માટે જમીન મેળવી હોય તે હેતુ માટે જ તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ તે હેતુ વિરુદ્ધ ઉપયોગ કરવાનો હક્ક નથી.
  • કાયદામાં પ્રતિબંધિત હોય તે પ્રકારે જમીનનો ઉપયોગ કરવાનો હક્ક નથી.

(ક) જમીનના ખાતેદારની ફરજો / જવાબદારીઓ:

  • જમીન મહેસૂલ નિયમિત ભરવાની જવાબદારી ખાતેદારની છે.
  • પોતાના ખાતાની જમીનના હદ નિશાનની જાળવણી રાખવાની.
  • જમીનની માપણી વખતે સર્વે ખાતાના અમલદારો હાજર રહેવા ફરમાવે ત્યારે હાજર રહી જરૂરી વિગતો પૂરી પાડવાની.
  • માપણી વખતે વાવટા પકડનાર માણસો પૂરા પાડવાની (હવે તો મશીનોથી માપણી થતી આવેલ છે.) મંત્રી કે બીજા મહેસૂલી અમલદાર બોલાવે કે મદદ માગે તો હાજર રહેવાની, હક્કપત્રક અંગે કે તે અંગેના કોઈ રજિસ્ટર નકશા તેયાર કરતી વખતે હાજર રહેવા બોલાવે ત્યારે હાજર રહેવાની.
  • જમીનમાં થતી ખેતીની ઉપજ અંગે માગણી થયેથી માહિતી આપવાની.
  • કોઈપણ સક્ષમ અધિકારી માહિતી કે દસ્તાવેજ કે અન્ય કાગળો માગે તો રજૃ કરવાની ફરજ છે..
  • સરકારી અધિકારી તરફથી જો ફરજમાં બેદરકારી કરવામાં આવે અગર ભષ્ટાચાર ગેરવર્તણૂક કરવામાં આવે તો તેઓની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં પણ લેવાનું કાયદામાં પ્રાવધાન છે.

(અ) મંત્રી (તલાટી) સામે શિક્ષાત્મક પગલાં :-

(૧) ગુજરાત પંચાયત અધિનિયમ અન્વયે મંત્રીશ્રીને સોંપાયેલાં કાર્યો, ફરજો, અને સત્તાઓ બજાવવામાં ગેરવર્તણૂક કરનાર અથવા શરમજનક વર્તણૂક માટે દોષિત ઠરનાર અથવા સત્તાનો દૂરુપયોગ કરનાર અથવા ફરજો અને કાર્યો બજાવવામાં વારંવાર કસૂર કરનાર અથવા ફરજો બજાવવામાં અસમર્થ થનાર અથવા ફરજો અને કાર્યો બજાવવામાં બેદરકારી, શિથિલતા, ગફલત, ભષ્ટાચાર, દાખવનારી જવાબદારી નક્કી કરી શિક્ષાત્મક પગલાં લેવાં અંગેની જોગવાઈઓ નીચે મુજબ છે.

ઉપર મુજબ દોષિત મંત્રી અથવા પંચાયતનો બીજો કોઈ કર્મચારી હોય તો તેની સામે ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમ-૧૯૯૭ ના નિયમ મુજબ નીચેના પૈકી કોઈ શિક્ષા નિયમ-૭ અને પરિશિષ્ટમાં જણાવેલ શિસ્તપાલન અધિકારી કરી શકશે.

(૧) ઈજાફા - બઢતી અટકાવવી, (૨) બેદરકારી અથવા આદેશ ભંગથી પંચાયતને થયેલ આર્થિક નુકસાન, (૩)પગારમાંથી પૂર્ણતાઃ અથવા અંશતઃ વસૂલ કરવું. (૪) પાયરી ઉતાર. (૫) પગાર ધોરણના નીચેના તબકકામાં ઉતારવા, (૬) ફરજિયાત નિવૃત્તિ, (૭) નોકરીમાંથી રૂખસદ / બરતરફ.

(બ) હોદો છોડતાં પહેલાં પંચાયતનું દફતર, નાણાં, મિલકત વિગેરે સોંપવા બાબત.

ગ્રામ પંચાયતના મંત્રી અથવા કર્મચારી પોતાનો હોદ્દો નિવૃત્તિથી નોકરીમાંથી મોકૂફીથી હોદ્દો ઉપરથી દૂર કર્યાથી છોડે ત્યારે પંચાયતના દફતર, નાણાં અથવા બીજી મિલકત કે જે તેનાં હવાલામાં હોય તે તરત જ સોંપી દેવા જોઈએ, જો સોંપવામાં ન આવે તો જિલ્લા વિકાસ અધિકારી એવા દફતર, મિલકત અથવા નાણાં સોંપવા હુકમ કરી શકે છે અને છતાં ન સોંપે તો ગુજરાત પંચાયત (કાર્યરીતિ) નિયમો ૧૯૯૭ ના િયમ ૬૩ થી નિયત કરેલા નમુના-ફ મુજબનું વોરંટ કાઢી દફતર મિલકત, નાણાં સોંપે નહીં ત્યાં સુધી પરંતુ વધુમાં વધુ એક માસ સુધી દિવાની જેલમાં કેદમાં રાખવા પકડાવી શક્શે. એટલું જ નહીં, વસુલ કરવાની રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવા આદેશ કરી શકે છે તથા આવા કોઈ દફતર અથવા મિલકત પાછા મેળવવા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ના પ્રકરણ-૭ ની જોગવાઈઓ મુજબ જડતીનું વોરંટ કાઢી શકે છે અને તે અંગે મેજિસ્ટ્રેટ વાપરી શકે તેવી બધી સત્તા વાપરી શકે છે. આથી જો કોઈ હોદ્દો છોડનાર ગ્રામ પંચાયતનું દફતર મિલકત અથવા નાણાં ન સોંપે તેવા કોઈ પ્રસંગ ઉપરિથિત થાય કે તરત જ જિલ્લા વિકાસ અધિકારીનું ઘ્યાન દોરવું જોઈએ જેથી તેઓ અધિકારી વિરૂધ્ધ જરૂરી પગલાં લઈ શકે અને કાર્યવાહી કરી શકે.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

No comments:

Post a Comment

મિલકતની બક્ષિસ એટલે આપનાર માટે અને સ્વીકારનાર માટે જરૂરી માહિતી

  તમારી જમીન, તમારી મિલકત | નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ) thelaw_office@yahoo.com મિલકત તબદિલી અધિનિયમ-૧૮૮૨ માં મિલકતની બક્ષિસ અંગેના ઉચ્ચ કો...