2.19.2024

જમીન બિનખેતીમાં ફેરવાય તો ગુજ.હાઈકોર્ટ દ્વારા ખેડૂત પ્રમાણપત્ર આપવાના નિર્દેશ

 

જમીન બિનખેતીમાં ફેરવાય તો ગુજ.હાઈકોર્ટ દ્વારા ખેડૂત પ્રમાણપત્ર આપવાના નિર્દેશ


- ખેડૂત ખાતેદારની તમામ 

- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ખેતીની જમીનનો ઠરાવ-બિનખેતીથી થતા બિનખેડૂત માટે પણ લાગુ કરવો જરૂરી

ગુજરાતમાં કાયદેસરનો ખેડુત ખાતેદારનો દરજ્જો ધરાવતો ન હોય તો ખેતીની જમીન ખરીદી શકતો નથી. આ અંગે ગણોતધારાની કલમ-૬૩ હેઠળ નિયંત્રણ છે કે કલેક્ટરની પરવાનગી સિવાય કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન ધરાવી શકે નહિ અને આ અંગે ગણોતધારાની કલમ ૨(૨)માં જાતખેતીની વ્યાખ્યા આપવામાં આવી છે. ૧૯૪૮માં ખેતીની જમીન માટેનો ગણોતધારો ઘડવામાં આવ્યો તે આઝાદી બાદ જમીન સુધારા કાયદાઓ અંતર્ગત અમલમાં છે જ્યારે જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ જમીન મહેસુલ અને ખેડુત ખાતેદારોના જમીન / મિલ્કત ઉપરના હક્કોની જાળવણી માટે હક્કપત્રકના (Record of Rights) નિયમો છે આમ ખેડુત ખાતેદારનો દરજ્જો ગણોતધારાની જોગવાઈઓ હેઠળ નિયમન થાય છે. મોટા ભાગે ખેડુત ખાતેદારના દરજ્જાની ચકાસણી માટે સરકારની માર્ગદર્શક સુચનાઓ પ્રમાણે ૧૯૫૧થી એટલે કે ગુજરાતમાં મહેસુલી રેકર્ડનું પ્રમોલગેશન (પ્રમાણિત) કરવામાં આવ્યું ત્યારથી અને ગણોતધારા હેઠળ ગણોતીઆઓને જે જમીનો આપવામાં આવી, સરકાર દ્વારા ખેતીની જમીનો સાંથણીમાં કે સીલીંગ કાયદા હેઠળ ફાળવવામાં આવી હોય તે અને પરંપરાગત મૂળ ખેડુત અને તેઓના કાયદેસરના વારસો દ્વારા ધારણ કરેલ જમીનોના ખાતેદારોને કાયદેસરના ખેડુત ગણાય છે. વિકાસની પ્રક્રિયામાં ખેતીની જમીનોના ઉપયોગમાં આમુલ પરિવર્તન આવ્યું છે અને જાહેર હેતુ, આંતરમાળખાકીય સુવિધાઓ, શહેરીકરણ, ઔદ્યોગિકરણના કારણે ખેતીની જમીનોનું કદ ઘટતું જાય છે.

આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાતનો ખેડુત જો ખેતીવિષયક જમીન ધરાવતો હોય અને તેના ખાતાની જમીનો વેચાણ કરવાથી બિનખેડુત થતો હોય તો તે અંગે મહેસુલ વિભાગ દ્વારા મૂળ - ૧જુન - ૨૦૨૦, ૨૨ જાન્યુઆરી ૨૦૦૨, ૨૪ જાન્યુઆરી ૨૦૦૩, ૧ જુલાઈ ૨૦૦૯ અને ૩૧ માર્ચ ૨૦૨૦ના ઠરાવોથી ખાતેદાર તેની સંપુર્ણ ખેતીની જમીન વેચી દે ત્યારબાદ સમયમર્યાદામાં જમીન ખરીદી લેવાની સુચનાઓ હતી, અમો કલેક્ટર રાજકોટ હતા ત્યારે ૧ જુલાઈ ૨૦૦૯નો મહેસુલ વિભાગને રજુઆત કરી ઠરાવ કરાવેલ જેમાં ૧૮૦ દિવસમાં ખરીદી લેવાની જોગવાઈ હતી, તે લંબાવવાની અને ખેડુત પ્રમાણપત્ર આપવાની રજુઆતના આધારે ખેડુતલક્ષી નિર્ણય લેવાયલ અને તે મુજબ જ્યારે સબંધિત ખેડુતની પુરેપુરી જમીન વેચાણ થઈ બિનખેડુત થતો હોય તો નોંધ પ્રમાણિત કરવાની સાથે જ ખાતેદારની અરજી વગર Suo-moto  ખેડુત પ્રમાણપત્ર આપવાનું છે અને ખાતેદારે ૨ વર્ષની (બે) સમય મર્યાદામાં ખેતીની જમીન ખરીદી લેવાની છે અને આ રીતે ખેડુતનો દરજ્જે જાળવી શકાય છે. ગુજરાતમાં નર્મદા યોજનાના વિસ્થાપિતોને તેઓની જમીન સંપાદન કે ડુબમાં જવાને કારણે અથવા પુનઃસ્થાપનના કારણે જે ઈસમોને ગુજરાતમાં જમીન ફાળવવામાં આવેલ તે અસરગ્રસ્તોને પણ ખેડુત ખાતેદારનો દરજ્જો મળે છે તેજ રીતે સરકારના સિંચાઈ વિભાગના મોટા ડેમોને કારણે અસરગ્રસ્ત (દા.ત. ઉકાઈ, કડાણા) ખેડુતોને જે જમીનો ફાળવવામાં આવેલ તેઓને પણ ખેડુત તરીકેનો દરજ્જો અને ૧૯૬૫માં ભારત-પાકિસ્તાનના યુધ્ધ બાદ કચ્છમાં જે લોકોને ખાસ કિસ્સા તરીકે જમીન ફાળવેલ તે મૂળ ફાળવણીકારોને અને તેઓના કાયદેસરના વારસદારો પણ ખેડુત ખાતેદાર ગણાય છે.

ઉક્ત પાયાની બાબત જે ૧ જુલાઈ ૨૦૦૯માં મહેસુલ વિભાગે ઠરાવ કરેલ, તે ખેતીની જમીન વેચાણ કરવાથી બિનખેડુત થતો હોય તો તેના માટે ખેડુતનો દરજ્જો જળવાય રહે તે માટે જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ જો ખાતેદારની તમામ જમીન અથવા તેઓના હક્કની જમીન બિનખેતીમાં ફેરવાય અને તે બિનખેડુત થાય તો ઉક્ત સરકારી ઠરાવો લાગુ ન પડવાના અર્થઘટનના કારણે બનાસકાંઠા જીલ્લાના થરાદ / ધાનેરા તાલુકાના ગામ ભોરાડુ અને પેનગીયાના ખેડુતની જમીનો વેચાણ રાખી તે બિનખેતીમાં ફેરવવાથી બિનખેડુત થતાં તેઓએ સબંધિત વિસ્તારના થરાદના નાયબ કલેક્ટર પાસે ખેડુત પ્રમાણપત્ર માંગતાં તેઓની જમીન બિનખેતીમાં ફેરવાઈ જતાં સરકારના મહેસુલ વિભાગના તા. ૧ જુલાઈ ૨૦૦૯ના તેમજ અન્ય પરિપત્રો ખેતીની જમીનને જ લાગુ પડતા હોય તેઓને ખેડુત પ્રમાણપત્ર આપવામાં આવેલ ન હતું અને જણાવવામાં આવેલ કે તમોને સરકારના ઉક્ત પરિપત્રની જોગવાઈઓ લાગુ પડતી નથી.

નાયબ કલેક્ટર, થરાદના આ નિર્ણયથી નારાજ થતાં સબંધિત પક્ષકાર સાઈ હુસેનશાહ રહીમશાહે ગુજરાત હાઈકોર્ટમાં એસ.સી.એ.નં.-૧૩૨૨૭/૨૦૨૩ દાખલ કરતાં તા. ૨૦-૯-૨૦૨૩ ન્યાયમુર્તી નીરલ આર. મહેતાએ મહત્વપુર્ણ ચુકાદો આપી જણાવેલ કે જ્યારે સરકારે કોઈપણ ખેડુત ખાતેદાર તેની તમામ જમીનો વેચી બિનખેડુત થતો હોય તો તેને ખેડુત પ્રમાણપત્ર આપવામાં આવે છે તો કોઈપણ ખેડુત ખાતેદાર તેની જમીન બિનખેતીમાં ફેરવવાથી પણ બિનખેડુત થતો હોય તો તેને પણ ખેડુત પ્રમાણપત્ર ત્રણ મહિનામાં આપી દેવાના દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. આ મહત્વપુર્ણ ચુકાદામાં નામદાર કોર્ટ અગાઉના બાવાજી કાનપુરી બાલાપુરી પ/જ સ્ટેટ ઓફ ગુજરાત એસ.સી.એ.નં.-૧૯૬૨૯/૨૦૧૭ તા. ૧૮ એપ્રિલ ૨૦૧૮નો ચુકાદો ટાંકી વિસ્તાર પુર્વકનો ચુકાદો આપેલ છે. ગુજરાતમાં સંભવતઃ આવા ઘણા કિસ્સાઓ હશે અને મોટાભાગના અજ્ઞાાન ખેડુત ખાતેદારોને જાણકારી ન હશે કે તેઓની જમીન બિનખેતીમાં તમામ જમીન ફેરવવામાં આવે તો ખડુતનો દરજ્જો મટી જાય છે. 

સરકારના મહેસુલ વિભાગે જ્યારે ખેતીની જમીનો વેચાણથી (પુરેપુરી) બિનખેડુત થાય તો ૧ જુલાઈ ૨૦૦૯ના ઠરાવ અને અન્ય પરિપત્રોથી ખેડુત પ્રમાણપત્ર આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે તે જ ધોરણે ઉક્ત ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ ખેતીની જમીનો માટે ખેડુતનો દરજ્જો જાળવવા માટે જે જોગવાઈ કરવામાં આવી છે તે જોગવાઈઓ ખાતેદારની તમામ જમીનો બિનખેતીમાં ફેરવાય ત્યારે પણ સરકારના મહેસુલ વિભાગ દ્વારા લાગુ કરવા માટે ગુજરાત હાઈકોર્ટના ઉક્ત ચુકાદા આધારે ઠરાવ કરવામાં આવે તે જરૂરી છે. 

અને તે માટે સાચા ખેડુત ખાતેદારો ખેતીની જમીન ધારણ કરવાના હક્કો જળવાય તે માટે જરૂરી સુધારો કરતો ઠરાવ બહાર પાડવામાં આવે જેથી સમગ્ર રાજ્યમાં આ અંગે એકસુત્રતા જળવાય ફરીથી સ્પષ્ટતા કરતાં જણાવવાનું કે સુપ્રિમકોર્ટના વિનોદચંદ્ર કાપડીયાના ગભેણી  સુરતના કેસમાં ઠરાવ્યા મુજબ વીલ યાને વસીયતનામા આધારે બિનખેડુત વ્યક્તિ ખેડુત ખાતેદારનો દરજ્જો કાયદેસરનો પ્રાપ્ત કરતો નથી

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...