1.16.2024

જમીન મહેસૂલ કાયદાઓ હેઠળ લેવામાં આવતી ઓનલાઈન પરવાનગીઓમાં પારદર્શીતાનો અભાવ

 



- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈઓ મુજબ 'ખેડૂત ખાતાવહી'નો કાયદેસરનો દસ્તાવેજ આપવો જરૂરી

(ગતાંકથી ચાલુ...)

ગત લેખમાં મહેસૂલ વિભાગ દ્વારા જુદા જુદા કાયદાઓ હેઠળ ઓનલાઈન પરવાનગીઓ દાખલ કરવામાં આવી છે. તેમાં ૧૯૫૧થી મહેસૂલી રેકર્ડથી જમીન ઉપરનું ટાઈટલ વેરીફીકેશન તેમજ જુદા જુદા મુદ્દાઓ ઉપર સમયમર્યાદામાં અરજીઓના નિકાલના ભાગરૂપે અરજીઓ નામંજૂર કરવામાં આવે છે તે અંગે જણાવવામાં આવેલ, જે મુદ્દાઓ ઉપર ઓનલાઈન બિનખેતી, નવીશરતની પરવાનગી, ખેડૂત ખરાઈ પ્રમાણપત્રો વિગેરે મુખ્ય બાબતો આવે છે. તે ઉપરાંત નામંજૂર કરવાના કારણોમાં અગાઉની પ્રમાણિત હક્કપત્રકની નોંધો / હુકમો રીવીઝનમાં લેવાના મુદ્દા ઉપર ક્ષેત્રફળમાં તફાવત, સ્ટેમ્પ ડયુટી ઓછી લેવાના મુદ્દા વેચાણથી રાખનાર બિનખેડૂત અથવા તો હાલના કબજેદાર ખેતીની જમીન ધારણ કરે છે તે સીધી લીટીના વારસદાર વિગેરે Querry પ્રશ્નો ઉપસ્થિત કરી અરજીઓનું Rejection થાય છે. જેથી સરકારનો પારદર્શક વહીવટ અથવા સમયમર્યાદામાં નિકાલ કરવાનો ઉદ્દેશ મોટા ભાગે નિષ્ફળ થાય છે.

ખાસ કરીને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અથવા તો ધારણકર્તા ખેડૂત ખાતેદારના ઉત્તરોત્તર પૂર્વજોને ખેડૂત હતા તે મુદ્દા ઉપર - ૧૯૫૧થી રેકર્ડથી ખાત્રી કરવામાં આવે છે. ખરેખર તો સબંધિત ખાતેદારની નોંધ જે તે સમયના પ્રમાણિત અધિકારી દ્વારા કરવામાં આવી હોય છે એટલે લાંબાગાળા બાદ જ્યારે બિનખેતીની પરવાનગી અથવા તો નવી શરતની પરવાનગી ઉપરાંત ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવાના તબક્કે અગાઉની નોંધોની ચકાસણી કરી, અરજીઓ નામંજૂર કરવામાં આવે છે તે ન્યાયોચિત નથી. Burden of Proof સાબિત કરવાની જવાબદારી એટલે કે જમીનના ધારકની ખેતીની જમીન ધારણ કરવાની પાત્રતા અથવા તો પ્રાપ્ત કરેલ હક્ક નોંધ પ્રમાણિત અધિકારી દ્વારા નોંધ મંજૂર કરવામાં આવે છે તે આધારે થાય છે. જેથી કાયદા વિરૂધ્ધની નોંધ મંજૂર કરી આપનાર અધિકારી (મહેસૂલી અધિકારી) જવાબદાર ગણાય. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન મહેસૂલ અધિનિયમમાં પ્રકરણ-૧૦માં ઉમેરો કરી ખાતેદારને ખેડૂત ખાતાવહીને કાયદેસરનો દરજ્જો આપ્યો છે અને આ ખાતાવહી ખેડૂત ખાતેદારને આપવાની તેમાં ખાતેદાર ધારણ કરેલ જમીનો અદ્યતન નોંધ સહિત આપવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ ખેડૂતવહીને તમામ કાયદાકીય ઉપયોગ માટે માન્ય રાખવામાં આવી છે ત્યારે આજ દસ્તાવેજને ખેડૂત ખરાઈ તરીકે કેમ માન્ય રાખવામાં આવતું નથી. વિશેષમાં તાજેતરમાં સરકારે જાહેર કર્યા મુજબ જમીન જો પ્રણાલીકાગત મોટા ભાઈના નામે ચાલતી હોય તો સીધી લીટીના કાયદેસરના વારસોમાં ભાઈઓ, બહેનો અને તેમના બાળકોનો સમાવેશ થાય છે અને તેઓ દ્વારા ખેતીની જમીન ધારણ કરતા હોય તો તેઓને ખેડૂત ખાતેદાર ગણવા જોઈએ અને આવા કાયદેસરના ખેડૂતોને પણ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી અનુભવાય છે. મહેસૂલ વિભાગે ૨૦૧૬માં વડીલોપાર્જીત ખેતીની જમીનમાં હયાતીમાં કૌટુંમ્બિક વહેંચણી, હક્કકમી, હયાતીમાં નામ દાખલ કરવાની જોગવાઈ કરેલ છે અને આ માટે કોઈ રજીસ્ટર્ડ દસ્તાવેજ કરવાની જરૂર નથી. સરકારે સ્પષ્ટતા કર્યા મુજબ રૂ. ૩૦૦/- સ્ટેમ્પ પેપર ઉપરની એફીડેવીટના આધારે આ કાર્યવાહી કરી હક્કપત્રકમાં નોંધ પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં ભારતીય વારસા અધિનિયમમાં કુટુંમ્બના કર્તા જયેષ્ઠ પુત્ર હોય તો તેમાં તમામ કાયદેસરના વારસોનો Devolution of Rightsના અધિકાર મુજબ હક્ક પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત કલેક્ટરશ્રી દ્વારા ઉક્ત વર્ણવેલ જુદી જુદી કાયદાની જોગવાઈઓના ભંગ બદલ હક્કપત્રકની નોંધો રીવીઝનમાં લેવાનું જણાવી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. તેમાં ગુજરાત હાઈકોર્ટના Evergreen Apartment બરોડા અને લક્ષ્મીનારાયણ સોસાયટીના કિસ્સામાં સ્પષ્ટ જણાવ્યું કે મહેસૂલી કાયદાઓમાં જેમ કે જમીન મહેસૂલ અધિનિયમ, ગણોતધારો, ટોચમર્યાદા ધારો વિગેરે કાયદાઓમાં સબંધિત કાયદામાં જ રીવીઝન / રીવ્યુની જોગવાઈ કરવામાં આવી છે. 

જેથી કલેક્ટરશ્રી હક્કપત્રકની નોંધો જે અંગે હક્કપત્રકના નિયમો હેઠળ મંજૂર કરી છે. તે નોંધના કારણોસર જુદા જુદા કાયદાની જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી ન થઈ શકે. દા.ત. - કોઈ બિનખેડૂતની નોંધ હક્કપત્રકના નિયમો હેઠળ મંજૂર કરી હોય તો તેના ભંગ બદલની કાર્યવાહી ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ મામલતદાર અને ગણોતધારાની કલમ-૬૩ના ભંગ બદલ મામલતદાર અને કૃષિપંચ દ્વારા - ૮૪સીની કાર્યવાહી કરવાની છે.

ભારત સરકાર દ્વારા જુદા જુદા રાજ્યોમાં જમીન મહેસૂલ કાયદાઓ અને કબજેદારોને જમીન ઉપર હક્ક આપવાની અને મહેસૂલી રેકર્ડ નિભાવવાની અલગ અલગ પધ્ધતિઓ છે એટલે ૨૦૦૮માં “Right to Land Title”ની આપવા માટે Model Act ઘડીને મોકલેલ, રાજસ્થાન જેવા રાજ્યએ આવા પ્રકારનો કાયદો ઘડેલ છે. 

જ્યારે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યએ “Right to Revenue Title” ની જેવો કાયદો ઘડવામાં કોઈક કારણસર ઉદાસીનતા દાખવી છે. હાલ જ્યારે જમીન મહેસૂલને લગતુ તમામ રેકર્ડ કોમ્પ્યુટરાઈઝેશન કરી ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને જ્યારે આ રેકર્ડ પ્રાન્ત અધિકારીઓ દ્વારા પ્રમાણિત જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સાચા ખેડૂત ખાતેદારોના હિતમાં વિના વિલંબે જમીન ઉપરનો હક્ક આપતો (સ્વર્તાપણ) કાયદો ઘડાય અને લાગુ કરવામાં આવે તો Finality સ્વરૂપે કબજેદાર ધારણ કરેલ જમીન “Free Title” તરીકે ગણી શકાય અને ઉપર જણાવેલ કિસ્સાઓમાં બિનખેતીની પરવાનગી કે ખેતીની જમીનોના વેચાણ, તબદીલી પ્રસંગે કે નવી શરતની જમીન જૂની શરતની ફેરવવાના તબક્કે, પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ માટે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ખ કે ગણોતધારાની કલમ-૬૩એએ હેઠળની પરવાનગી પણ સરળતાથી મળી શકે. સરકાર દ્વારા જ્યારે વહીવટમાં સુધારાનો (Reforms) અભિગમ અપનાવવામાં આવેલ છે, તેવું જાહેર કરવામાં આવે છે ત્યારે “Right to Revenue Title” ની ઘડવામાં આવે તો જ સાચા અર્થમાં પારદર્શક અને સરળીકરણનો ઉદ્દેશ સિધ્ધ થશે.

(સંપૂર્ણ)

No comments:

Post a Comment