1.22.2024

ખેતીની જમીનોમાં લાગુ પડતો ટુકડા પ્રતિબંધિત કાયદાની નિરર્થક જોગવાઈઓ

 



- લોકાભિમુખ

- માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)

- 'કૌટુંબિક વહેંચણીમાં ટુકડાધારાની જોગવાઈઓ લાગુ ન કરવાનો સુધારો ખેડૂત હિતમાં જરૂરી'


જમીનોના નિયમન કરતા કાયદાઓના ચોક્કસ હેતુ અને ઉદ્દેશો (Aims and Object) માટે ઘડવામાં આવેલ છે. આઝાદી બાદ જમીન સુધારા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા તે પહેલાં અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન જમીન મહેસુલના ઉદ્દેશ સાથે જમીન મહેસુલ કાયદો ૧૮૭૯ ઘડવામાં આવ્યો તેમ Prevention of Fragmentation and Consolidation Act:” ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રિકરણ કાયદો ઘડવાનો ઉદ્દેશ ખેતીની જમીનના નાના-નાના ટુકડામાં હોય તો જમીનનો પાક ઉત્પાદનની દ્રષ્ટિએ કાર્યસાધક ઉપયોગ (Efficient Use) ન થાય અને જ્યારે ૧૯૫૬માં આ કાયદો ઘડવામાં આવ્યો ત્યારે આપણો દેશ અન્નક્ષેત્રે સ્વાવલંબી (Self-reliant) ન હતો જેથી ખેતીની જમીન એકત્ર સ્વરૂપે હોય તો કાર્યસાધક ઉપયોગની સાથે ખેત ઉત્પાદન વધે તે સારા ઉદ્દેશ સાથે ઘડવામાં આવેલ અને તે મુજબ ખેતીની જમીનનું વર્ગીકરણ જમીનની પ્રત પ્રમાણે કરવામાં આવેલ તેમાં જરાયત જમીનનું ૨ એકરથી ઓછી જમીન અને પિયત બારમાસી જમીનનું ૨૦ ગુઠા (અડધો એકર - ક્યારીની જમીન) થી ઓછી જમીન હોય તો તેને ટુકડાની જમીન ગણવી તેવી કાયદામાં જોગવાઈ કરવામાં આવેલ છે. 

ખેતીની જમીનના ટુકડા થતા અટકાવવા અને જમીનોનું એકત્રિકરણ કરવું તે માટેની બે પ્રક્રિયા છે. એક જ્યારે જમીનોના ઉક્ત ક્ષેત્રફળ આધારે પ્રમાણભુત વિસ્તાર નક્કી કર્યા મુજબ ટુકડા તરીકેની નોંધ કરવાની અને આ માટે કાયદાની જોગવાઈ પ્રમાણે સબંધિત ખાતેદારને નોટીસ આપવાની જોગવાઈ છે પરંતુ તેમ કરવાને બદલે સમગ્ર રાજ્યમાં જ્યારે આ કાયદો ઘડવામાં આવ્યો ત્યારે એક સાથે ટુકડા માટે ગણતરીમાં લેવામાં આવતા ક્ષેત્રફળ મુજબ હક્કપત્રકમાં ગામવાર નોંધ પાડવામાં આવી અને કાયદા મુજબ નોંધ પ્રમાણિત કરવામાં આવી અને તેની અસરો ખાતેદારની જમીનના 7 x 12માં કરવામાં આવી. આ કાયદાના બીજા ભાગમાં એકત્રિકરણ કરવાનું હતું તેમાં રાજ્યના અમુક જીલ્લાના તાલુકાઓમાં એકત્રિકરણ અધિકારી (Consolidation Officer) દ્વારા સબંધિત ગામના ખાતેદારોની Contiguous  લગોલગ જમીન હોયતો અદલાબદલ કરીને એકત્ર કરવાની હતી તેના બદલે સબંધિત ખાતેદારોના ૮અના આધારે જમીનોના સર્વે નંબરને સાચા અર્થમાં એકત્રિકરણ કરવાના બદલે તખ્તો તૈયાર કરી બ્લોક નંબર આપી દેવામાં આવ્યો અને આવા કિસ્સાઓમાં બ્લોક વિભાજનની મંજુરી તેમજ અગાઉ વારસાઈ કરવી હોય તો પણ મંજુરી પ્રાન્ત અધિકારીની લેવી પડતી, જ્યારે આજે પણ પ્રમાણભુત ક્ષેત્રફળ કરતાં વધારે ક્ષેત્રફળ હોય તો બ્લોક વિભાજનની મંજુરી લેવામાં આવે છે અને સર્વે નંબરોના એકત્રિકરણ માટે મામલતદારની મંજુરી લેવાની જોગવાઈ છે.

હવે આ કાયદાના વાસ્તવિક અમલીકરણના મુદ્દા ઉપર વિશ્લેષણ કરીએ તો આ કાયદાની મુળભુત બાબત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રિકરણ કરવાના બદલે ખેતીની જમીનો એક અગત્યના સ્થાવર મિલ્કત અને ખેડુતોના જીવન નિર્વાહનું એકમાત્ર સાધન હોવાથી કૌટુંબિક વ્યવસ્થાના ભાગરૂપે વારસદારો વચ્ચે જમીનોની વહેંચણી, વારસાઈ તેમજ તબદીલીના પ્રસંગોએ જે ટુકડા તરીકે નોંધાયેલ જમીનો છે તેમાં પેઢીનામા મુજબના વારસદારો, ભાઈઓ ભાગની વહેંચણીના આધારે વાસ્તવિક ભૌતિક સ્વરૂપે ટુકડાની જમીનોનું ભાગ હિસ્સા પ્રમાણે ખેતી કરવામાં આવે છે. એટલે કે ટુકડાની જમીનોનું પણ વિભાજન થતું વાસ્તવિક રીતે સ્થળ સ્થિતિએ અટકાવી શકાતું નથી ઉલ્ટાનું ખેતીની જમીનના સહ હિસ્સેદારોને  જમીનના અલગ અસ્તિત્વ તરીકે મુશ્કેલી અનુભવાય છે. દા.ત. પાકધિરાણ, લોન લેવા, વેચાણ, ઈલેક્ટ્રીક (ખેતી વિષયક) કનેક્શન વિગેરે અને એટલા માટે અમો જ્યારે કલેક્ટર રાજકોટ હતા ત્યારે જે રજુઆતો કરવામાં આવેલ તે આધારે સરકારના મહેસુલ વિભાગ દ્વારા ખેતીની વડીલોપાર્જીત / સ્વપાર્જીત મિલ્કતોમાં તા. ૧૪/૩/૨૦૧૬ના પરિપત્ર ક્રમાંક-હકપ/૧૦૨૦૧૬/૧૦૧૭/જ અન્વયે જમીનમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃ વહેચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા વિગેરે બાબતોનો સૌથી મહત્વનો પરિપત્ર કરેલ છે અને આ જોગવાઈઓ હેઠળ કોઈપણ પ્રકારના રજીસ્ટર્ડ દસ્તાવેજ વગર ફક્ત રૂ. ૩૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર એફીડેવીટ કરીને કાર્યવાહી થઈ શકે છે. કમનસીબ બાબત એ છે કે મહેસુલી અધિકારીઓ દ્વારા આ પરિપત્રની જાણકારી વારસાગત ખેડુતોને આપવામાં આવતી નથી આજકાલ જે જમીનના ઝગડાઓ, વારસાહક્કના જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેમાં ખાતેદારના મૃત્યુ સુધી અને ત્યારબાદ વારસાઈ કરવાના તબક્કા સુધી રાહ જોવાની જરૂર નથી. હયાતીમાં સામુદાયિક / સહ હિસ્સેદાર / હક્ક તરીકે નામ દાખલ થઈ શકે છે તે જ રીતે બહેનોને તેઓના હક્ક દાખલ કરી શકાય છે અને સંમતિથી હક્ક ઉઠાવી પણ શકાય છે અને જ્યારે આ પરિપત્ર પેરા-૩માં સંયુક્ત નામે ચાલતી જમીનમાં વહેંચણી અને પુનઃ વહેચણી કરવાની જોગવાઈ છે તો જ્યારે વહેંચણી આધારે હિસ્સો પડેલ હોય ત્યારે સહ હિસ્સેદાર તરીકે 7 x 12 માં દર્શાવવામાં આવે છે અને અલગ 7 x 12 કરવામાં ટુકડાધારાનો ભંગ ગણવામાં આવે છે. આમ આ સરકારના પરિપત્રની અને ટુકડાધારાની જોગવાઈઓનો વિરોધાભાસ છે જેમાં સ્પષ્ટતા કરી સુધારો કરવાની જરૂર છે અને આવી કૌટુંમ્બિક વહેંચણીમાં ટુકડાધારાનો ભંગ ન ગણી નોધો મંજુર કરવી જોઈએ અને સ્થળ સ્થિતિમાં તો અલગ જમીન ધરાવે છે અને ખેડતા હોય છે સરકારે જો આખેઆખા ટુકડાની જમીનનું વેચાણ થાય તો અને ખેડુત ખાતેદારને વેચાણ થાય તો ટુકડાધારાનો પ્રતિબંધ નડતો નથી. તેવી સરકારે કાયદામાં સુધારો કરી જોગવાઈ કરેલ છે.

ગુજરાતમાં શહેરીકરણ / ઔદ્યોગિકરણ વધતાં હવે ઘણા ગામોની જમીનો મહાનગરપાલીકા / નગરપાલીકા કે શહેરી સત્તામંડળ વિસ્તારમાં સમાવેશ થયેલ છે તેમજ વિકસિત વિસ્તારોમાં જ્યારે ખેતીની જમીનોનો ઉપયોગ ખેતી માટે થતો નથી. આમ તો મોટા ભાગે આવી જમીનોનું આંતરિક રીતે વેચાણ થઈ ગયેલું હોય છે. ફક્ત કોઈને જમીનની જાળવણી માટે આપવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં સહ હિસ્સેદારની જમીન અન્ય ખેડુતને વેચાણ કરેલ હોય અને તેના હિસ્સાની જમીનનું વેચાણ કે બિનખેતીમાં ફેરફાર કરવા માટે અરજી કરવામાં આવે ત્યારે અગાઉ મંજુર કરેલ નોંધ ટુકડાધારાનો ભંગ ગણી નોંધ રીવીઝનમાં લેવા કે શતભંગ ગણી કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવે છે અને આ કરવામાં પણ ખેતીની જમીનનો કાર્યસાધક ખેત ઉત્પાદન માટે ઉપયોગનો હેતુ નિષ્ફળ ગયો છે. રાજ્ય સરકારે ટુકડાધારાના ભંગ બદલ મામલતદારને જે સત્તાઓ આપી છે તેમાં ફક્ત દંડની રકમ (૧૦૦૦ સુધીની) વધારી છે પરંતુ છેવટે મુળભુત હેતુ સિધ્ધ થયો નથી, જેથી રાજ્ય સરકારે પ્રવર્તમાન સાપેક્ષ વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લેતાં ટુકડાધારામાં પરિવર્તન લાવી અમુક વિસ્તારોને આ કાયદામાંથી મુક્તિ આપવા સહિતની કાર્યવાહી કરવી જરૂરી છે. અને જ્યારે ટુકડાધારાના મુળ ઉદ્દેશો જળવાયા નથી ત્યારે સમગ્ર હિતમાં આ કાયદો રદ કરવો જરૂરી બન્યો છે. સરકાર વિશાળ હિતમાં આ દિશામાં વિચારણા કરે.

No comments:

Post a Comment