1.22.2024

મૂળ માલીક અને એજન્ટના હક્કો, અધિકારો અને જવાબદારીઓ પરસ્પર હોય છે

 

કાયદેસરનાં કૃત્યોના પરિણામો એજન્ટને નુક્સાન થાય તે મૂળધણીએ ભરી આપવું જોઈશે


તમારી જમીન,  તમારી મિલકત > 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ભારતનો કરાર અધિનિયમ ૧૮૭૨ ની ક્લમ ૨૨૧ થી ૨૩૦ માં પ્રિન્સિપાલ અને એજન્ટના મિલકત પરત્વેના હકક અધિકારોની કરેલ જોગવાઈઓ વિષે આ લેખમાં જોઈશું. મૂળધણી (પ્રિન્સીપાલ)ની મિલક્ત ઉપર એજન્ટનો લિયનનો હકકઃ એજન્ટને મૂળધણીના માલ, કાગળો અને બીજી સ્થાવર કે જંગમ મિલકત મળ્યાં હોય તેના અંગેની, કમિશન માટે, ખર્ચ માટે અને કરેલાં કામ માટે પોતાની લેણી રકમ ચૂકવવામાં આવે નહીં અથવા તેનો હિસાબ પોતાને ચૂકવવામાં આવે નહીં ત્યાં સુધી એજન્ટ સદરહુ માલ, કાગળો અને બીજી મિલકત, એથી વિરુદ્ધમાં કરાર થયો ન હોય તો, રોકી રાખવા માટે હક્કદાર છે.

એજન્ટ પરત્વે મૂળધણીની ફરજ શું હોય છે?
કાયદેસરનાં કૃત્યોના પરિણામો એજન્ટને નુક્સાન થાય તે તેને ભરી આપવું જોઈશે. એજન્ટને આપવામાં આવેલા અધિકારનો અમલ કરતાં તેણે કરેલાં તમામ કાયદેસરનાં ફૃત્યોને પરિણામે તેને નુક્સાન થાય તે ભરી આપવા એજન્ટને રોકનાર વ્યકિત બંધાયેલ છે.
દૃષ્ટાંત ઃ (ક) અમદાવાદના રહીશ “ક” ની સૂચના હેઠળ સિંગાપુર મુકામે ”ખ”, ”ગ” ને અમુક માલની ડિલિવરી આપવાનો તેની સાથે કરાર કરે છે. તે માલ મોકલતો નથી અને “ગ”, ”ખ સામે કરારભંગ માટે દાવો કરે છે. દાવા વિશે “ક” ને “ખ” જાણ કરે છે, અને “ક” તે દાવાનો બચાવ કરવાનો તેને અધિકાર આપે છે. “ખ” તે દાવાનો બચાવ કરે છે, અને તેને નુકસાની તેમજ દાવાનો ખર્ચ આપવાની ફરજ પડે છે અને તેને બીજું ખર્ચ પણ થાય છે. એવી નુકસાની, દાવાના ખર્ચ અને બીજા ખર્ચ માટે “ક”, ”ખ”ને જવાબદાર છે.
શુદ્ધબુદ્ધિથી કરેલાં કૃત્યોના પરિણામે એજન્ટને નુક્સાન થાય તે તેને મૂળધણીએ ભરી આપવું જોઈશે.

કોઈ એક વ્યકિત કોઈ કૃત્ય કરવા માટે બીજી વ્યકિતને રોકે અને તે એજન્ટ તે કૃત્ય શુદ્ધબુદ્ધિથી કરે, ત્યારે તે કૃત્યથી ત્રાહિત વ્યકેતઓના હકકને નુક્સાન થયું હોય તો પણ, તે કૃત્યનાં પરિણામે એજન્ટને નુક્સાન થાય તે, તેને ભરી આપવા માટે સદરહુ એજન્ટને રોકનાર વ્યકિત જવાબદાર છે.
દૃષ્ટાંત : (ક) કોર્ટનું હુકમનામું ધરાવનાર “ક”, “ખ” ના માલ ઉપર હુકમનામાની બજવણી કરવા હકકદાર છે. અમુક માલ “ખ” નો છે એવી રજુઆત કરી તે માલ કબજે લેવા માટે કોર્ટના અધિકારી પાસે”ક” માગણી કરે છે. તે અધિકારી તે માલ કબજે કરે છે અને તે માલનો ખરો માલિક ”ગ” તેની સાથે દાવો માંડે છે. તે અધિકારીને “ક” ની સૂચનાનું પાલન કરવાના પરિણામે, ”ગ” ને જે ૨કમ આપવાની ફરજ પાડવામાં આવી હોય તે ૨કમ, તેને ભરી આપવા માટે “ક” જવાબદાર છે.

કોઈ ગુનાઇત કૃત્ય કરવા એજન્ટને રોકનાર વ્યક્તિ તે કૃત્ય માટે તેને જવાબદાર નથી. કોઈ એક વ્યકિત બીજી કોઈ વ્યક્તિને કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે રોકે ત્યારે, રોકનાર વ્યક્તિ તે કૃત્યના પરિણામથી તે એજન્ટને નુક્સાન થાય તે ભરી આપવા માટે, પોતે સ્પષ્ટ કે ગર્ભિત વચન આપ્યું હોય તો પણ, તેને જવાબદાર નથી.
દૃષ્ટાંત : (ક) કોઈ વર્તમાનપત્રનો માલિક “ખ” તરફથી પરંતુ “ક” ની વિનંતીથી તેના વર્તમાનપત્રમાં
ગ” વિરુધ્ધ બદલનક્ષીકારણ લખાણ પ્રસિધ્ધ કરે છે. અને તે પ્રસિધ્ધિના પરિણામે “ખ” ને નુક્સાન
સાથે તે અને તેના અંગે કંઈ પગલાં લેવાય તેનું તમામ ખર્ચ અને નુક્સાન “ખ” ને ભરી આપવાની

“ક” કબૂલાત કરે છે. “ખ” સામે “ક” દાવો માંડે છે. “ખ”ને નુક્સાન આપવું પડે છે અને તેને બીજું ખર્ચ થાય છે. નુક્સાન 
મૂળધણીની બેદરકારીથી એજન્ટને થયેલી હાનિ માટે વળતર :
મૂળધણીની બેદરકારીથી અથવા તેની કુશળતાની ઉણપથી તેના એજન્ટને થયેલી હાનિ અંગે મૂળધણીએ તેને વળતર આપવું જોઈએ.
દૃષ્ટાંત : એક મકાનના ચણતરમાં “ક”, “ખ” ને કડિયા તરીકે રોકડે છે અને પોતે પાલખ બાંધી આપે છે. તે પાલખ કુશળતાપુર્વક બાંધવામાં આવી ન હતી અને પરિણામે “ખ” ને વ્યથા થાય છે. “ક” એ “ખ” ને વળતર આપવું જોઈશે.
ત્રાહિત વ્યક્તિઓ સાથેના કરારો ઉપર એજન્સીનો અસર એજન્ટે કરેલા કરારોનો અમલ અને તેનાં પરિણામોઃ
એજન્ટ મારફતે કરેલા કરારો અને એજન્ટે કરેલા કૃત્યોમાંથી ઉભી થતી જવાબદારીઓ મૂળધણીએ જાતે જ તે કરારો અને તે કૃત્યો કર્યાં હોય એમ ગણીને એ જ પ્રમાણે તેનો અમલ કરાવી શકાશે અને તેનાં અવાં જ કાયદેસર પરિણામો આવશે.
દષ્ટાંત : (ક) “ખ” કોઈ માલ વેચવા માટેનો એજન્ટ છે. એવું જાણવા છતાં, પણ મૂળધણી કોણ છે તેની જાણ વગર, “ક”, “ખ” પાસેથી તે માલ ખરી દે છે. તે માલની કિંમત “ક” પાસેથી માગવા માટે “ખળ” મૂળધણી હકકદાર છે, અને તે મૂળધણીએ માંડેલા દાવામાં, તેણે માંગેલી રકમ સામે “ક” “ખ” પાસે પોતાની લેણી થતી રકમ મજરે માગી શકે નહીં.
એજન્ટ પોતાના અધિકાર બહારનું કંઈ કૃત્ય કરે ત્યારે તે અંશે મૂળધણીને બંધનકર્તા થાય. કોઈ એજન્ટ પોતે જે કરવા અધિકૃત હોય તે કરતાં કંઈ વધુ કરે ત્યારે અને તેણે જે કર્યું હોય તેમાંથી તેને કરવાનો અધિકાર હોય એવો ભાગ, તેને જે કરવાનો અધિકાર ન હોય એવા ભાગથી છૂટો પાડી શકાય ત્યારે, તેણે જે કર્યું હોય તેમાંથી તેને જે કરવાનો અધિકાર હતો એટલો જ ભાગ તેની અને તેના મૂળધણી વચ્ચે બંધનકર્તા છે. એજન્ટે પોતાના અધિકાર બહાર કરેલું કૃત્ય જુદું પાડી શકાય નહિ ત્યારે એવો વ્યવહાર મૂળધણીને બંધનકર્તા નથી. કોઈ એજન્ટ પોતે જે કરવા અધિકૃત હોય તે કરતાં કંઈ વધુ કરે અને તેણે પોતાના અધિકારની મર્યાદા બહાર જે કંઈ કર્યું હોય તે તેણે પોતાના અધિકારની મર્યાદાની અંદર રહીને કર્યું હોય તેનાથી જુદું પાડી શકાય નહિ ત્યારે મૂળધણી તે વ્યવહારને માન્ય રાખવા માટે બંધાયેલ નથી.
દૃષ્ટાંત : “ક”, પોતાને માટે મકાન બાંધવાનો “ખ” ને અધિકાર આપે છે. “ખ” તરફથી નકકી કર્યા મુજની શરતે કેટલુંક ગેરકાયદેસરનું બાંધકામ કરે છે જેથી “ક” તે આખો કરાર ના-કબૂલ રાખી શકે છે પરંતુ તે બાબત કરારની શરતો ઉપર આધાર છે.
એજન્ટને આપેલી નોટિસનું પરિણામ ઃ 
# એજન્ટને આપવામાં આવેલી નોટિસ અથવા તેણે મેળવેલી માહિતી એજન્ટ મૂળધણી વતી જે કાર્ય-ધંધો કરતો હોય તે કાર્ય ધંધાના કમમાં તેને આપવામાં આવી હોય અથવા તેણે મેળવી હોય તો મૂળધણીને આપવામાં આવી હોય અથવા તેવી માહિતી મૃળધણીએ મેળવી હોય અને જે આવે, તેવું જ આવશે.
# એજન્ટથી મૂળધણી વતી કરેલા કરારોનો અમલ વ્યક્તિગત રીતે કરાવી શકાય નહિ તેમજ તે કરારો તેને બંધનકર્તા નથી.
# એ મલતબનો કરાર થયો ન હોય તો એજન્ટે પોતાના મૂળધણી વતી કરેલા કરારોનો અમલ તેનાથી વ્યક્તિગત રીતે કરાવી શકાય નહીં. તેમજ તે કરારોથી તે વ્યકિતગત રીતે બંધાયેલ નથી.
એથી વિરુદ્ધનો કરાર છે એવું માની લેવા બાબતઃ
# એ મલતબનો કરાર કરાર છે એવું નીચેના પ્રસંગોમાં માની લેવું જોઈશે.
# એજન્ટે પરદેશમાં રહેતા કોઈ વેપારી વતી માલ-મિલક્તોની વેચાણ અથવા ખરીદી માટે કરાર કર્યો હોય ત્યારે,
# એજન્ટે તેના મૂળધણીનું નામ પ્રગટ કર્યું હોય ત્યારે,
# મૂળધણી કોણ છે તે પ્રગટ કરવામાં આવ્યું હોય છતાં, જો તેની સામે દાવો માંડી શકાતો ન હોય ત્યારે.
નોંધ:-(જમીન/મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...