તમારી જમીન, તમારી મિલકત
> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)
યથાનિર્દિષ્ટ અધિનિયમ-૧૯૬૩ (સ્પેસિફિક રિલીફ એક્ટ-૧૯૬૩) હેઠળ યથાનિર્દિષ્ટ દાદ દિવાની કોર્ટમાં સ્થાવર અને જંગમ મિલકત અંગે દાદ માગી શકાય છે જે પૈકીની કેટલીક વિગતો આ લેખમાં જોઈશું. મિલકતનો કબજો પાછો મેળવવા વિશે: (૧) નિર્દિષ્ટ સ્થાવર મિલકત પાછી મેળવવા બાબત : નિર્દિષ્ટ સ્થાવર મિલકતનો કબજો ધરાવવા માટે હક્કદાર વ્યક્તિ દિવાની કાર્યરીતિ અધિનિયમ-૧૯૦૮ માં ઠરાવેલી રીતે તેનો કબજો પાછો મેળવી શકશે. (૨) સ્થાવર મિલકતના કબજાથી વંચિત કરાયેલી વ્યક્તિનો દાવોઃ (૧) કાયદા અનુસાર હોય તે સિવાય કોઈ વ્યકિત તેની સંમતિ વિના સ્થાવર મિલકતના કબજાથી વંચિત કરવામાં આવી હોય તો, તે વ્યક્તિ અથવા (જેની મારફતે તેનો કબજો રહ્યો હોય તેવી વ્યકિત અથવા ) તેની મારફત હક્ક-દાવો કરનાર વ્યકિત, દાવો માંડીને, એવા દાવામાં બીજો કોઈ હક્ક દાખવવામાં આવે છતાં, તે મિલકતનો કબજો પાછો મેળવી શકશે. (૨) આ કલમ હેઠળનો કોઈપણ દાવોઃ (ક) કબજારહિત થયાની તારીખથી છ મહિના પૂરા થયા પછી અથવા (ખ) સરકાર વિરુદ્ધ લાવી શકાશે નહીં. (૩) આ કલમ હેઠળ માંડેલા દાવામાં થયેલા કોઈ હુકમ અથવા હુકમના સામે અપીલ થઈ શકશે નહીં તેમજ એવા કોઈ હુકમ અથવા હુકમનામાનું પુનર્વિલોકન થઈ શકશે નહીં.
નિર્દિષ્ટ જંગમ મિલકત પાછી મેળવવા બાબતઃ નિર્દિષ્ટ જંગમ મિલકતનો કબજો ધરાવવા માટે હક્કદાર વ્યકિત, ‘દિવાની કાર્યરીતિ અધિનિયમ ૧૯૮૦ માં ઠરાવેલી રીતે તેનો કબજો પાછો મેળવી શકશે. સ્પષ્ટીકરણઃ (૧) કોઈ ટ્રસ્ટી, પોતે જેનો ટ્રસ્ટી હોય તે વ્યક્તિ જે જંગમ મિલકતમાંના ફાયદાકારક હિત માટે હક્કદાર હોય તે મિલકતનો કબજો મેળવવા માટે આ કલમ હેઠળ દાવો માંડી શકશે. સ્પષ્ટીકરણઃ (ર) કોઈ જંગમ મિલકતનો વર્તમાન કબજો ધરાવવાનો ખાસ અથવા હંગામી હક્ક આ કલમ હેઠળના દાવાના સમર્થન માટે પૂરતો છે.
માલિક તરીકે કબજો ધરાવતી ન હોય તે વ્યક્તિની તત્કાળ કબજા માટે હક્કદાર વ્યક્તિને કબજો સોંપી દેવાની ફરજઃ જેનો પોતે માલિક ન હોય એવી અમુક જંગમ વસ્તુનો કબજો ધરાવનારી અથવા તેનું નિયંત્રણ કરનારી વ્યક્તિને તે વસ્તુ, તેનો તત્કાળ કબજો ધરાવવા હક્કદાર વ્યક્તિને નીચેના કોઈપણ દાખલામાં નિર્દિષ્ટ રીતે આપી દેવાની ફરજ પાડી શકાશે. (ક) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુ પ્રતિવાદી, વાદીના એજન્ટ અથવા ટ્રસ્ટી તરીકે ધરાવતો હોય ત્યારે, (ખ) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુ પાછી ન મળવા બદલ નાણાંમાં વળતર આપવાથી વાદીને પૂરતી દાદ મળે નહીં ત્યારે (ગ) તે વસ્તુ પાછી ન મળવાથી થતું ખરેખર નુક્સાન કરવું મુશ્કેલ હોય ત્યારે, (ઘ) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુનો કબજો વાદી પાસેથી ગેરકાયદે મેળવવામાં આવ્યો હોય ત્યારે, સ્પષ્ટીકરણઃ- વિરુદ્ધનું સાબિત ન થાય તો અને ત્યાં સુધી આ કલમના ખંડ(ખ) અથવા ખંડ (ગ) હેઠળ જેના માટે દાવો કરવામાં આવતો હોય તેવી કોઈપણ જંગમ વસ્તુ અંગે કોર્ટ એવું માની લેશે કે યથાપ્રસંગ- (ક) તે વસ્તુ પાછી ન મળવા બદલ નાણાંના વળતર આપવાથી વાદીને પૂરતી દાદ મળે નહીં, અથવા (ખ) તે વસ્તુ પાછી ન મળવાથી થતું ખરેખર નુકસાન નક્કી કરવું અત્યંત મુશ્કેલ થશે.
કરારોનું યથાનિર્દિષ્ટ પાલન અંગેની જોગવાઈ કરારના આધારે દાદ મેળવવા માટેના દાવા અંગે બચાવઃ આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય કોઈ અંગે આ પ્રકરણ હેઠળ દાદ માગવામાં આવે ત્યારે જેની સામે દાદ માગી હોય તે વ્યકિત, કરારો સંબંધી કોઈ કાયદા હેઠળ તેને ઉપલબ્ધ હોય તેવો કોઈપણ આધાર પોતાના બચાવ તરીકે પ્રતિપાદિત કરી શકશે. નિર્દિષ્ટ રીતે અમલ કરાવી શકાય તેવા કરારો: કરારોના યથાનિર્દિષ્ટ પાલન બાબતઃ ન્યાયાલય દ્વારા કોઈ કરારનું યથાનિર્દિષ્ટ પાલન સ્પેસિફિક રિલીફ એકટની કલમ-૧૧ ની પેટા કલમ (૨), કલમ-૧૪ અને કલમ-૧૬ માંની જોગવાઈઓને આધીન રહીને કરવામાં આવશે.)
ટ્રસ્ટ સાથે સંબંધ ધરાવતા કરારોનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી શકાય તેવા દાખલાઓઃ (૧) આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, જે કાર્ય કરવા માટે કબૂલાત થઈ હોય તે કોઈ ટ્રસ્ટના પૂરા અથવા અંશતઃ પાલન માટે કરવાનું હોય, તો (તે કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવશે). (૨) કોઈ ટ્રસ્ટીએ પોતાની સત્તા બહાર થઈને અથવા વિશ્વાસઘાત કરીને કરેલા કરારનો નિર્દિષ્ટ રીતે અમલ કરાવી શકાય નહીં.
કરારના કોઈ એક ભાગનું યથાનિર્દિષ્ટ પાલનઃ (૧) આ કલમમાં હવે પછી અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, કોર્ટથી કરારના કોઈ એક ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો આદેશ કરી શકાશે નહીં. (૨) કરારના કોઈ પક્ષકાર કરારના પોતાના પૂરેપૂરા ભાગનું પાલન કરી શકે તેમ ન હોય પણ પાલન કાર્ય વિના રહેવા દેવો પડે તે ભાગ પૂરા ભાગના પ્રમાણમાં મૂલ્યમાં ઘણો નાનો હોય અને તેનું નાણાંમાં વળતર આપી શકાય તેમ હોય ત્યારે, બેમાંથી કોઈ પક્ષકારના દાવામાં, કોર્ટ, કરારના જે ભાગનું પાલન કરી શકાય, તેમ હોય તે ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો આદેશ કરી શકશે અને બાકીના ભાગ માટે નાણાંમાં વળતર અપાવી શકશે. (ક) નાણાંમાં વળતર આપી શકાતું હોય છતાં, સદરહુ પૂરા ભાગનો તે એક ગણનાપાત્ર અંશ હોય, અથવા (ખ) તેનું નાણાંમાં વળતર આપી શકાય તેમ ન હોય, ત્યારે તે પક્ષકાર યથાનિર્દિષ્ટ પાલન માટેનું હુકમનામું મેળવવા હક્કદાર થશે નહીં, પણ કોર્ટ બીજા પક્ષકારના દાવામાં, જો તે પક્ષકાર- (૧) ખંડ (ક) હેઠળ આવતા દાખલમાં જે ભાગ પાલન કર્યા વિના રહેવા દેવો પડે તે ભાગ પૂરતો અવેજ બાદ કરીને આખા કરાર માટે નકકી થયેલો અવેજ ચૂકવી આપે અથવા તેણે ચૂકવી આપ્યો હોય તો અને ખંડ(ખ) હેઠળ આવતા દાખલામાં કશું ઓછું કર્યા વિના આખા કરાર માટેનો અવેજ ચૂકવી આપે અથવા તેણે ચૂકવી આપ્યો હોય, અને (૨) બેમાંથી કોઈપણ દાખલામાં કરારના બાકીના ભાગનું પાલન કરાવવાના તમામ દાવા અને કરારના અધૂરા પાલન બદલ અથવા પ્રતિવાદીની કસૂરને લીધે તેણે ભોગવેટલી ખોટ અથવા નુકસાન બદલ વળતર મેળવવાના પોતાના તમામ હક્ક જતા કરે, તો કસૂર કરનાર પક્ષકાર પોતે કરી શક્તો હોય તેવું તે કરારના તેના ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો કોર્ટ તેને આદેશ કરી શકશે. (૪) કરારના જે ભાગનું નિર્દિષ્ટ રીતે પાલન કરી શકાય તેમ હોય અને કરવું જોઈએ તે ભાગ, તે જ કરારના બીજા જે ભાગનું નિર્દિષ્ટ રીતે પાલન કરી શકાય તેમ ન હોય કે કરવું પણ ન જોઈએ.
તે ભાગથી કોઈ અલાયદી અને અલગ ભૂમિકા ઉપર હોય ત્યારે, કોર્ટ પહેલાં જણાવેલા ભાગના યથાનિર્દિષ્ટ પાલન માટે આદેશ કરી શકશે. સ્પષ્ટીકરણઃ- કરારના કોઈ પક્ષકારે કરારના જે ભાગનું પાલન કરવાનું હોય તેની વિષયવસ્તુનો કોઈ ભાગ કરારની તારીખે હસ્તીમાં હોય પણ કરારનું પાલન કરાવવાના સમયે હસ્તીમાં ન હોય તો, તે પક્ષકાર આ કલમના હેતુઓ માટે તે કરારનું પોતાના ભાગનું પૂરેપૂરું પાલન કરવા અશક્તિમાન છે એમ ગણાશે. હક વગરની અથવા અધૂરા હકવાળી વ્યક્તિ વિરુદ્ધ ખરીદનારના અથવા પટ્ટેદારના હકકઃ (૧) હક વગરની અથવા ફક્ત અધૂરા હક્કવાળી વ્યકિત કોઈ સ્થાવર મિલકત વેચવાનો અથવા ભાડે આપવાનો કરાર કરે ત્યારે (આ પ્રકરણની બીજી જોગવાઈઓને અધીન રહીને) ખરીદનાર અથવા પટ્ટેદારને નીચેના હક્ક રહે છે. (ક) કરાર કર્યા પછી વેચનારે અથવા પટ્ટે આપનારે તે મિલકતમાં કંઈ હિત સંપાદિત કર્યું હોય તો ખરીદનારના અથવા પટેદાર એવા હિતમાંથી કરાર પૂરો કરવાની તેને ફરજ પાડી શકશે. (ખ) હક્ક કાયદેસરનો બનાવવા માટે બીજી વ્યક્તિઓની સહમતિની જરૂર હોય અને તેઓ વેચનાર અથવા પટ્ટે આપનારની વિનંતી ઉપરથી સહમતિ આપવા માટે બંધાયેલ હોય, ત્યારે ખરીદનાર અથવા પટ્ટેદાર એવી સહમતિ મેળવવા માટે તેને ફરજ પાડી શકશે અને જયારે હક્ક કાયદેસરનો બનાવવા માટે બીજી વ્યક્તિઓએ તે મિલકતની માલિકી ફેર કરી આપવાની જરૂર હોય અને તેઓ વેચનાર અથવા પટ્ટે આપનારની વિનંતી ઉપરથી માલિકીફેર કરી આપવા માટે બંધાયેલ હોય, ત્યારે ખરીદનાર અથવા પટ્ટેદાર તે મિલકતનો માલિકીફેર કરાવી આપવાની તેને ફરજ પાડી શકશે. (ગ) વેચનાર બોજારહિત મિલકત વેચવાનું કહેતો હોય, પણ ખરીદ-કિંમત કરતાં વધુ નહીં એવી રકમ માટે તે મિલકત ગીરો મૂકેલી હોય અને હકીકતમાં વેચનારને કેવળ તે મિલકત છોડાવવાનો હક હોય ત્યારે, ખરીદનાર, ગીરો છોડાવવાની અને બોજામાંથી કાયદેસરની મુકિત મેળવવાની અને જરૂર હોય ત્યારે ગીરોદાર પાસેથી માલિકીફેર ખત પણ મેળવી આપવાની વેચનારને ફરજ પાડી શકશે. (ઘ) વેચનાર અથવા પટ્ટે આપનાર કરારના યથાનિર્દિષ્ટ પાલન માટે દાવો માંડે અને તેને હક્ક ન હોવાને અથવા તેનો હક્ક અધૂરો હોવાને કારણે દાવો કાઢી નાખવામાં આવે ત્યારે પ્રતિવાદીને તેની કંઈ અનામત ૨કમ હોય તો તે વ્યાજ સાથે મેળવવાનો, પોતાનું દાવા ખર્ચ મેળવવાનો, અને એવી અનામત રકમ, વ્યાજ અને ખર્ચને માટે કરારની વિષયવસ્તુમાં વેચનારનું અથવા પટ્ટે આપનારનું કોઈ હિત હોય તેના ઉપર લિયનનો હકક છે. પેટા કલમ-(૧) ની જોગવાઈઓ જંગમ “મિલકતનું વેચાણ કરવાના અથવા તે ભાડે આપવાના કરારને પણ શક્ય હોય ત્યાં સુધી લાગુ પડશે.
નોંધ:-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૃપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)
No comments:
Post a Comment