8.30.2023

વેચાણ કે હસ્તાંતરમાંથી ઉદ્ભવતા મૂડી-નફાને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્ત ગણાશે

 

  • ગણતરી કેવી રીતે કરાવી જોઈએ તે સંબંધી અનેક કાનૂની વિવાદો ઉપસ્થિત થયા
  • વેચાણ કે હસ્તાંતરમાંથી ઉદ્ભવતા મૂડી-નફાને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્ત ગણાશે
  • આકારણી વર્ષ 2014-15 પૂર્વે મ્યુનિસિપલ હદથી નિયત અંતરની ગણતરીના સંદર્ભમાં
  • આકારણી વર્ષ 2013-14 સુધી અમલી આવકવેરાના કાયદાની કલમ 2(14) હેઠળની જોગવાઈઓ અનુસાર, 'મૂડીરૂપી મિલકત' (Capital Asset)ની વ્યાખ્યામાં, ભારતમાં દસ હજારથી ઓછી વસ્તીવાળા ગામમાં તેમજ શહેરી મર્યાદાથી નિયત કરાયેલ વિસ્તારની બહાર આવેલી ખેતીની જમીનનો સમાવેશ થતો ન હતો. આ કારણોસર આવી ખેતીની જમીનમાંથી ઉદ્ભવતા મૂડી-નફાને કરપાત્ર ગણવામાં આવતો ન હતો. ઉપરોક્ત હેતુસર કેન્દ્ર સરકારના નોટિફિકેશન હેઠળ સમયોસમય જાહેર કરાતા વિવિધ શહેરોની મ્યુનિસિપલ હદથી બે કિલોમીટરથી આઠ કિલોમીટર સુધીના વિસ્તારને શહેરી વિસ્તાર ગણવાની જોગવાઈ હતી. આકારણી વર્ષ 2014-15થી આવકવેરાના કાયદાની કલમ 2(14) હેઠળની ઉપરોક્ત વ્યાખ્યામાં સુધારો કરીને શહેરી વિસ્તારની વ્યાખ્યાને વસ્તી (Population) તેમજ મ્યુનિસિપલ હદથી નિયત અંતરના આધારે નીચેના ધોરણો અનુસાર નક્કી કરવામાં આવી છેઃ

    નિયત વિસ્તારની વસ્તી મ્યુનિ. હદથી નિયત અંતર

    (Population) (Aerial Measurementના આધારે)

    • 10 હજારથી 1 લાખ સુધી 2 કિલોમીટરની અંદર
    • 1 લાખથી 10 લાખ સુધી 6 કિલોમીટરની અંદર
    • 10 લાખથી વધુ 8 કિલોમીટરની અંદર

    ઉપરોક્ત જોગવાઈને ખ્યાલમાં રાખતાં, દસ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામમાં તેમજ મ્યુનિસિપલ હદથી નિયત અંતર બહાર આવેલી ખેતીની જમીનના વેચાણ કે હસ્તાંતરમાંથી ઉદ્ભવતા મૂડી-નફાને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્ત ગણાશે.

    આકારણી વર્ષ 2014-15 પૂર્વે મ્યુનિસિપલ હદથી નિયત અંતરની ગણતરીના સંદર્ભમાં, આવી ગણતરી કેવી રીતે કરાવી જોઈએ તે સંબંધી અનેક કાનૂની વિવાદો ઉપસ્થિત થયા હતા. મુંબઈ હાઈકોર્ટે 'શ્રીમતી માલતીબાઈ આર. કડુ'ના કેસમાં એવું ઠરાવ્યું કે આકારણી વર્ષ 2014-15થી આવું અંતર માપવાના હેતુસર, સીધી લીટીએ હવાઈ માર્ગે અંતર (Aerial Measurement) નક્કી કરાશે, તે સુધારાને Prospectively અમલમાં ગણવો જોઈએ. ઉપરોક્ત ચુકાદાને માન્ય ગણીને આકારણી વર્ષ 2013-14 સુધીની અપીલોના કેસમાં આવકવેરા ખાતા દ્વારા કોઈ વિવાદ ઊભો કરાશે નહીં તેવી સ્પષ્ટતા CBDTના તારીખ 6-10-2015ના સર્ક્યુલર નંબર 17/2015 હેઠળ કરવામાં આવી છે.

    શહેરી વિસ્તારની ખેતીની જમીનના ફરજિયાત સંપાદન ઉપર ઉદ્ભવતો મૂડી-નફો કરમુક્ત ગણાશે!

    આવકવેરાના કાયદાની કલમ 2(14) હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખેતીની જમીનને 'મૂડી- રૂપી મિલકત' (Capital Asset)ની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી હોઈ આવી જમીનોના કાયદા હેઠળ ફરજિયાત સંપાદન (compulsory acquisition under law) ના કેસમાં કલમ 45 હેઠળ મૂડી-નફાની આવક સંબંધી આવકવેરાની કોઈ જવાબદારી ઉપસ્થિત થતી નથી. પરંતુ આકારણી વર્ષ 2004-05 સુધીની જોગવાઈઓ અનુસાર નિયત શહેરી વિસ્તારમાં આવેલી ખેતીની જમીનોના સંદર્ભમાં આવી કોઈ રાહત ઉપલબ્ધ ન હતી.

    આકારણી વર્ષે 2005-06થી કલમ 10 (37) હેઠળ કરાયેલી જોગવાઈ અનુસાર, વ્યક્તિ કે એચ.યુ.એફ.ની માલિકીની શહેરી વિસ્તારમાં આવેલી ખેતીની જમીન (જેનો ઉપયોગ વ્યક્તિ કે તેના માતા-પિતા કે કુટુંબ દ્વારા, અગાઉના બે વર્ષો દરમિયાન ખેતી વિષયક હેતુઓ માટે કરાયો હોય)ના કાયદા હેઠળના ફરજિયાત સંપાદનના કેસમાં મળેલ વળતર કે વધારાના વળતર કે અવેજ (Compensation or enhanced compensation or consideration) સંબંધિત ઉપસ્થિત થતો મૂડી-નફો સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવશે.

    કલમ 54બી હેઠળ ખેતીની જમીનનો મૂડી-નફો, ખેતીની બીજી જમીનની ખરીદ માટે ઉપયોગમાં લેવાય તો કરમુક્તિની જોગવાઈ

    કલમ 54બીની જોગવાઈઓ અનુસાર ખેતીની જમીનના વેચાણ ઉપર ઉદ્ભવતો મૂડી-નફો નીચેની શરતોને આધીન કરમુક્ત ગણવામાં આવે છેઃ

    * સંબંધિત ખેતીની જમીન કરદાતા કે તેના માતા-પિતા દ્વારા, હસ્તાંતર તારીખ પૂર્વેના ઓછામાં ઓછા બે વર્ષના સમય માટે ખેતી વિષયક હેતુઓ માટે ઉપયોગમાં લેવાયેલી હોવી જોઈએ;

    * જો કરદાતા આવી ખેતીની જમીનના વેચાણ કે હસ્તાંતર પર ઉદ્ભવતો મૂડી-નફો, વેચાણ તારીખના બે વર્ષના સમયની અંદર અન્ય કોઈ ખેતીની જમીન ખરીદવા માટે ઉપયોગ કરે, તો તેટલા પ્રમાણમાં મૂડી-નફાની રકમ કરમુક્તિને પાત્ર ગણાશે.

    * જો ખેતીની આવી જમીન ધારણ કર્યાના ત્રણ વર્ષની અંદર તેનું હસ્તાંતર કરવામાં આવે, તો તેના સંદર્ભમાં કરદાતાને કલમ 54બી હેઠળ મળેલ મૂડી-નફાની કરમુક્તિનો લાભ પાછો ખેંચવામાં આવશે અને આવી મૂડી-નફાની કરપાત્ર રકમને ટૂંકા ગાળાના મૂડી-નફા તરીકે આકારવામાં આવશે.

    * કલમ 54બીની કરમુક્તિનો લાભ લેવાના હેતુસર કરદાતા દ્વારા ખેતીની જમીન નિયત સમયમાં ખરીદવામાં આવે તે પૂર્વે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં જે રોકાણ કરવામાં આવે, તેના સંદર્ભમાં પણ કરમુક્તિનો લાભ મળી શકશે, તથા

    * કલમ 54બી હેઠળ કરમુક્તિનો લાભ લેવાના હેતુસર, કરદાતા જે નવી ખેતીની જમીનમાં રોકાણ કરે, તે શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખેતીની જમીન હોઈ શકે.

    * આકારણી વર્ષ 2013-14થી, કલમ 54બીમાં કરાયેલ સુધારા અનુસાર, વ્યક્તિ ઉપરાંત, આ કરમુક્તિનો લાભ એચ.યુ.એફ.ને પણ મળી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

    RFCTLARR Act હેઠળ જમીનના ફરજિયાત સંપાદનનું વળતર આવકવેરામાંથી વિશેષ મુક્તિને પાત્ર !

    Right to Fair Compensation and Transparency in Land AcquisitionRehabilitation and Re-settlement Act, 2013, (RFCTLARR Act)ના કાયદા હેઠળ કરદાતાની માલિકીની જમીનનું ફરજિયાત સંપાદન (Compulsory Acquisition) કરાયું હોય, તેવા સંજોગોમાં કરદાતાને ચૂકવવામાં આવેલ વળતર (Compensation) તે કાયદાની કલમ 96 હેઠળ આવકવેરામાંથી મુક્ત ગણવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આને અનુલક્ષીને નાણામંત્રાલયના2016ના પરિપત્ર નંબર 36 અન્વયે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઉપરોક્ત કાયદા હેઠળ કરાયેલ કરમુક્તિની જોગવાઈને આવકવેરાના કાયદાના હેતુસર માન્ય રાખવામાં આવશે.

No comments:

Post a Comment