6.13.2023

ભાગીદારી પેઢી છૂટી થાય એટલે એમની પેઢીનું પણ વિસર્જન થઇ જાય છે

 

તમામ ભાગીદારોની સંમતિથી અથવા ભાગીદારો વચ્ચેના અગાઉના કરાર અનુસાર પેઢીનું વિસર્જન કરી શકાય છે.

.

તમારી જમીન,  તમારી મિલકત

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

thelaw_office@yahoo.com
​​​​​

દરેક ભાગીદારી પેઢીનું સર્જન ભાગીદારો વચ્ચેના વિશ્વાસથી થાય છે અને દરમિયાનમાં સમય જતાં ભાગીદારો વચ્ચેનો વિશ્વાસ તુટે ત્યારે તેવી ભાગીદારીનું વિસર્જન થાય છે. આ લેખમાં ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારી પેઢીના વિસર્જનની જોગવાઈઓ જોઈશું.

પેઢીનું વિસર્જન :  કોઈ પેઢીના તમામ ભાગીદારો વચ્ચે ભાગીદારીનું વિસર્જન “પેઢીનું વિસર્જન” 

કહેવાય છે.

કબૂલાતથી વિસર્જનઃ તમામ ભાગીદારોની સંમતિથી અથવા ભાગીદારો વચ્ચેના કરાર અનુસાર પેઢીનું વિસર્જન કરી શકાશે.

ફરજિયાત વિસર્જનઃ નીચેના સંજોગોમાં પેઢીનું વિસર્જન થાય છે.

(ક) તમામ ભાગીદારો અથવા એક સિવાય બીજા તમામ ભાગીદારોને નાદાર ઠરાવવામાં આવવાથી, અથવા (ખ) પેઢીનો ધંધો કરવાનું અથવા ભાગીદારો માટે ભાગીદારીમાં તે ધંધો કરવાનું ગેરકાયદેસર થાય એવો કોઈ બનાવ બનવાથી:

પરંતુ પેઢી એકથી જુદા જુદા સાહસ અથવા ધંધા કરતી હોય, ત્યારે એક અથવા વધુ સાહસ અથવા ધંધા ગેરકાયદેસર થાય તેથી જ પેઢીના કાયદેસરના સાહસ અથવા ધંધા અંગે પેઢીનું વિસર્જન થશે નહીં.

અમુક ઘટનાઓ બનવાથી વિસર્જનઃ ભાગીદારો વચ્ચેના કરારને આધીન રહીને, નીચેના સંજોગોમાં પેઢીનું વિસર્જન થાય છેઃ

(ક) કોઈ નિયત મુદત માટે રચવામાં આવી હોય તો તે મુદત પૂરી થવાથીઃ (ખ) એક અથવા વધુ સાહસો અથવા ધંધા કરવા માટે રચવામાં આવી હોય તો તે પૂરા થવાથી. (ગ) કોઈ ભાગીદારનું મૃત્યુ થવાથી, અને (ઘ) કોઈ ભાગીદારને નાદાર ઠરાવવામાં આવવાથી.

ઈચ્છાધીન ભાગીદારીનું નોટિસ આપવાથી વિસર્જનઃ (૧) ભાગીદારી ઈચ્છાધીન હોય ત્યારે કોઈપણ ભાગીદારે બીજા તમામ ભાગીદારોને પેઢીનું વિસર્જન કરવાના પોતાના ઈરાદાની લેખિત નોટિસ આપવાથી, પેઢીનું વિસર્જન કરી શકાશે.

(૨) પેઢીના વિસર્જનની તારીખ તરીકે નોટિસમાં જણાવેલી તારીખથી અથવા એ રીતે તારીખ જણાવવામાં ન આવી હોય તો તે નોટિસ પહોંચાડવામાં આવે તે તારીખથી પેઢીનું વિસર્જન થાય છે.

કોર્ટ મારફત વિસર્જનઃ કોઈ ભાગીદારના દાવા ઉપરથી કોર્ટ નીચેના કોઈપણ કારણે પેઢીનું વિસર્જન કરી શકશે, એટલે કે - (ક) કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થઈ ગયો હોય, જેમ કોઈ  બીજો ભાગીદાર દાવો લાવી શકે તેવી જ રીતે અસ્થિર મગજના થઈ ગયેલા ભાગીદારનો ઈષ્ટ મિત્ર પણ દાવો લાવી શકશે. (ખ) દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ ભાગીદાર, ભાગીદાર તરીકે પોતાની ફરજો બજાવવા માટે કોઈ પ્રકારે કાયમને માટે અશકત થઈ ગયો હોય. (ગ) ધંધાનો પ્રકાર જોતાં દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ ભાગીદાર ધંધાને પ્રતિકફળ અસર થવાનો સંભવ હોય એવું વર્તન કરતો હોય. (ઘ) દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ પેઢીના વહીવટ અંગેની અથવા તેના ધંધાના સંચાલન અંગેની કબૂલાતોનો જાણીબૂઝીને અથવા વારવાર ભંગ કરતો હોય અથવા ધંધાને લગતી બાબતમાં અન્યથા તે એવી રીતે વર્તતો હોય કે જેથી તેની સાથે ભાગીદારીમાં ધંધો કરવાનું બીજા ભાગીદારો માટે વાજબી રીતે શક્ય ન હોય.

(ચ) દાવો માંડનાર ભાગીદાર સિવાયના બીજા કોઈ ભાગીદારે પેઢીમાંનું પોતાનું સમગ્ર હિત ત્રાહિત વ્યકિતને કોઈ પ્રકારે તબદીલ કરી આપ્યું હોય અથવા દિવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ની પહેલી અનુસૂચિના ઓર્ડર-૨૧ ના નિયમ-૪૯ની જોગવાઈઓ હેઠળ પોતાના હિસ્સા ઉપર બોજો થવા દીધો હોય અથવા તે ભાગીદાર પાસે લ્હેણી નીકળતી જમીન-મહેસૂલની વસૂલ કરવા માટે અથવા જમીન મહેસૂલની બાકી તરીકે કરી શકાય એવાં લેણાની વસૂલાતમાં પોતાનો હિસ્સો વેચાવા દીધો હોય.

(છ) પેઢીનો ધંધો નુકસાની ભોગવ્યા વગર કરી શકાય તેમ ન હોય, અથવા (જ) પેઢીનું વિસર્જન કરવું વાજબી અને ન્યાયી ગણાય એવા બીજા કોઈ કારણે.

વિસર્જન પછી ભાગીદારોએ કરેલાં કૃત્યો માટેની જવાબદારી : (૧) કોઈ પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું હોય તે છતાં, કોઈ પણ ભાગીદારે કરેલુ કૃત્ય કે જે પેઢીનું વિસર્જન કર્યા પહેલાં કરવામાં આવ્યું હોત અને પેઢીનું કૃત્ય ગણાત તે માટે પેઢીના ભાગીદારો પેઢીના વિસર્જનની જાહેર નોટિસ આપવામાં આવે નહીં ત્યાં સુધી પોતાની એવી હેસિયતથી ત્રાહિત વ્યક્તિઓને જવાબદાર હોવાનું ચાલુ રહેશે. પરંતુ જે ભાગીદાર મૃત્યુ પામે અથવા જેને નાદાર ઠરાવવામાં આવે તેની અથવા જેના ભાગીદાર હોવા વિષે પેઢી સાથે વ્યવહાર કરનાર વ્યકિત જાણતી ન હોય તે ભાગીદાર નિવૃત્ત થાય તે તેની એસ્ટેટ જયારથી, તે ભાગીદાર ન રહે તે તારીખ પછીનાં પેઢીનાં કૃત્યો માટે જવાબદાર નથી.

(૨) કોઈપણ ભાગીદાર નોટિસ આપી શકશે.

વિસર્જન પછી ધંધો આટોપી લેવડાવવાનો ભાગીદારોનો હકકઃ પેઢીનું વિસર્જન થતાં, દરેક ભાગીદાર અથવા તેનો પ્રતિનિધિ બીજા તમામ ભાગીદારોને સંબંધ હોય ત્યાં સુધી પેઢીનાં દેવાં અને જવાબદારીઓ ચૂકવવા માટે પેઢીની મિલકતનો ઉપયોગ કરાવવા અને તેમ કરતાં વધે તે મિલકતની ભાગીદારોનાં હકકો અનુસાર તેઓની અથવા તેઓના પ્રતિનિધિઓ વચ્ચે વહેંચણી કરાવવા માટે હકદાર છે.

આટોપી લેવા માટે ભાગીદારોના ચાલુ અધિકાર : પેઢીના વિસર્જન પછી દરેક ભાગીદારનો પેઢીને બંધનકર્તા થાય એવું કૃત્ય કરવાનો અધિકાર અને ભાગીદારના પરસ્પર બીજા હક્ક અને ફરજો પેઢીનું વિસર્જન થયું હોવા છતાં, પેઢીનું કામકાજ આટોપી લેવા માટે અને પેઢીનું વિસર્જન થયું તે સમયે શરૂ કરેલા પણ અધુરાં રહેલા વ્યવહારો પુરા કરવા માટે જરૂરી હોય તેટલે અંશે ચાલુ રહેશે, પણ અન્યથા ચાલુ રહેશે નહિ. પરંતુ જે ભાગીદારને નાદાર ઠરાવવામાં આવ્યો હોય તેનાં કૃત્યો પેઢીને કોઈપણ સંજોગોમાં બંધનકર્તા નથી, પણ તે નાદાર ઠર્યા પછી કોઈ વ્યકિત પોતાને સદરહુ નાદારના ભાગીદાર તરીકે ઓળખાવે અથવા જાણીજોઈને એ રીતે ઓળખવા દે તે વ્યકિતની જવાબદારીને અસર પહોંચતી નથી.

નોંધ:-(જમીન/મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો  ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...