7.04.2022

સૌરાષ્ટ્ર રાજ્યના જમીન સુધારા કાયદાઓ ખેડૂતોના હિતકારી અને લોકભોગ્ય

 

સૌરાષ્ટ્ર રાજ્યના જમીન સુધારા કાયદાઓ ખેડૂતોના હિતકારી અને લોકભોગ્ય

- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- સૌરાષ્ટ્ર અઘાટ હક્ક અને ઈજારા નાબૂદી અધિનિયમ ૧૯૫૯ અન્વયે મહેસૂલ વિભાગનું સ્પષ્ટીકરણ

ગતાંકથી ચાલુ ...

લોકાભિમુખ કોલમના માધ્યમથી વાંચકોને જુદા જુદા જમીનના સત્તા પ્રકાર અને તે સત્તા પ્રકારો નાબુદ કરવાના જુદા જુદા કાયદાઓ અંગે મહેસૂલ વિભાગે તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવ / પરિપત્રોથી સ્પષ્ટીકરણ કર્યું છે તે વ્યાપક સ્વરૂપે લોકોને ઉપયોગી હોઈ આપણે, શ્રેણી સ્વરૂપે સત્તા પ્રકાર નાબુદી અંગે મહેસૂલી તંત્રમાં અર્થઘટન અંગે તેમજ લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લેતાં મહેસૂલ વિભાગે સ્પષ્ટીકરણ કર્યા છે તે અંતર્ગત જે તે સમયના મુંબઈ રાજ્યના વિસ્તારમાં ૧૯૫૬ થી સૌરાષ્ટ્ર જે અલગ રાજ્ય હતું તે મુંબઈ રાજ્યમાં ભળતાં સૌરાષ્ટ્ર એરીયા માટે અઘાટ ટેન્યોર તેમજ ઈજારા નાબુદી ધારો ૧૯૫૯ ઘડવામાં આવેલ. મારા મહેસૂલી કામગીરીનો પ્રાન્ત અધિકારી પાલનપુર અને સુરતનો કાર્યકાળ તેમજ કલેક્ટર રાજકોટ તરીકેની ફરજ દરમ્યાન એ નોંધપાત્ર બાબત ધ્યાનમાં આવી કે મુંબઈ રાજ્યના ગુજરાત વિસ્તારમાં અને આઝાદી બાદ નવીન રચાયેલ સૌરાષ્ટ્ર રાજ્યના જમીન મહેસૂલને અને ખાસ કરીને જમીન સુધારાને લગતા કાયદા જુદા હતા. મુંબઈ રાજ્યના ગુજરાતના વિસ્તારમાં મુંબઈ ખેતીની જમીનને લગતો ગણોત કાયદો - ૧૯૪૮, ખેતીની જમીનને લગતો ટોચ મર્યાદા કાયદો લાગુ હતો, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ અનુક્રમે ૧૯૫૬ સુધી બી અને સી કેટેગરીના સ્ટેટ હતાં જેમાં સૌરાષ્ટ્રમાં, સૌરાષ્ટ્ર લેન્ડ રી ફોર્મસ એક્ટ, બારખલી નાબુદી અધિનિયમ, સૌરાષ્ટ્ર ઘરખેડ અને એસ્ટેટ એકવીઝન એક્ટ અમલમાં હતા અને આજે પણ છે. જ્યારે કચ્છમાં કચ્છ વિદર્ભ કાયદો અમલમાં છે. સૌરાષ્ટ્રના પ્રગતિશીલ જમીન સુધારા કાયદા ઘડવાનો અને અમલીકરણ કરવાનો યશ તાત્કાલીન મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરને જાય છે અને તેઓની અદ્દભુત કોઠા સુઝ અને જમીનની હકિક્તથી વાકેફ હોવાના કારણે સૌરાષ્ટ્રના ૨૨૨ રજવાડા હતા અને સામાજિક, આર્થિક સ્થિતિ, વિપરીત હોવા છતાં, ખેડુત કબજેદારોને ખૂબ જ ઝડપથી કબજેદાર માલિક બનાવ્યા અને જે તે સમયે સૌરાષ્ટ્રના જમીન સુધારા કાયદાઓની સમગ્ર દેશે નોંધ લીધેલ કારણ કે કાયદાના અર્થઘટનમાં કોઈ વિસંગતતા નહી, ખુબ જ સરળ (Simplified) અને ગુજરાતના પ્રદેશમાં ગણોતીયાના હક્કો અને તેને ઠરાવવા બાબતમાં પ્રક્રિયાને કારણે અમલીકરણમાં વર્ષો ગયા અને અર્થઘટનની બાબતમાં આજે પણ કેસો / પ્રકરણો ચાલે છે. આ પુર્વ ભુમિકા વાંચકોને આપવી એટલા માટે જરૂરી છે કે હાલ સૌરાષ્ટ્ર પણ ગુજરાતનો ભાગ હોવા છતાં - ૧૯૫૬માં મુંબઈ રાજ્યમાં ભળ્યું અને ત્યારબાદ ગુજરાત રાજ્યની ૧૯૬૦માં રચના થઈ પરંતુ આજે પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને કચ્છમાં જે તે સમયે જે કાયદાઓ ઘડવામાં આવેલ તે અમલમાં છે. ફક્ત જમીન મહેસૂલ અધિનિયમ સમાન પ્રકારે લાગુ પડે છે.

હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રવર્તતા અઘાટ ટેન્યોર અને ઈજારા નાબુદીના વિષય ઉપર ચર્ચા કરીએ તો ઘણા સામાન્ય લોકો 'અઘાટ' જે મહેસૂલી તંત્રની પરિભાષાનો શબ્દ છે. તે સમજતા ન હોય તેઓની જાણકારી માટે 'અઘાટ' એટલે કે કોઈપણ પ્રકારના સરકારી નિયંત્રણો વગરની જમીન અને ખાસ કરીને નવી અને અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતો સિવાયની જમીન કે જેમાં કલેક્ટરની પરવાનગી સિવાય જમીન તબદીલ / વેચાણ થઈ શકે તેને 'અઘાટ' જમીન તરીકે ઓળખવામાં આવે છે અને એટલે જ ઉપર જે પુર્વ ભુમિકા આપવામાં આવી તે મુજબ સૌરાષ્ટ્રના કાયદાઓના અમલીકરણમાં સરકારે જમીન આપી હોય કે ખેત જમીન ટોચમર્યાદા, ભુદાન, સિવાયની કોઈપણ કબજેદારને કાયમી હક્ક આપ્યા તે જમીનો ઉપર નિયંત્રણ નથી એટલે બાકીની તમામ જમીનો અઘાટ એટલે કે જૂની શરતની છે એટલે મુંબઈ અઘાટ ટેન્યોર અને ઈજારા એબોલીશન કાયદામાં મોટા ભાગની જમીનો જૂની શરતમાં ગણવામાં આવી છે અને તે મુજબ ૧૯૫૯ના કાયદાની કલમ-૫ મુજબ જે અઘાટ ધારણ કરનારના કબજામાં હશે તો આવા અઘાટ ધારણ કરનારના હક્કો જૂની શરતના ગણાશે એ જ રીતે અઘાટ ધારણ કરનારની જમીનમાં ગણોતીયા સિવાયની કોઈ વ્યક્તિ કબજાહક્ક ધરાવતું હોય તો તે જૂની શરતે ધારણ કરશે અને જો આવી જમીન ગણોતીયાના કબજામાં હશે અને ગણોતીયાએ ઠરાવેલ મુદ્દતમાં નિયત દિવસના (Appointed Day) તુરતના અગાઉના ૧ વર્ષ માટેનું ચુકવેલ અથવા ચુકવવાપાત્ર ભાડાની ૧૨ ગણી કબજા કિંમત અઘાટ હોલ્ડરને ભરીને પ્રાપ્ત કરેલા કબજા જૂની શરતના ગણાશે અને જો આવી નિયત રકમ એક વર્ષમાં વસુલ ન આવે તો ગણોતીયો સરકારી જમીનનો અનઅધિકૃત કબજો ગણીને જમીન ઉપરથી સંક્ષિપ્ત રીતે (Summarily Evicted) દૂર કરવામાં આવશે. આમ જેમ ઉપર દર્શાવ્યું તેમ અઘાટ ટેન્યોર હેઠળની તમામ જમીનો જૂની શરતની ગણાશે.

આજ રીતે ઈજારા જમીનોના કબજાહક્ક બાબતમાં કલમ-૬ પ્રમાણે ઘરખેડમાં ધારણ કરનારા ઈજારદારની ઈજારા જમીનો જૂની શરતની ગણાશે. જો આવી જમીનો ગણોતીયાના કબજામાં હોય તો ઈજારદારને આકારની છ ગણી કબજાહક્કની રકમ ભરીને જમીન જૂની શરતની ગણાશે. આવી રીતે અન્ય કિસ્સાઓમાં પણ આકારની ૩ ગણી જેટલી કબજા કિંમત ઈજારદારને ભરીને મેળવેલા હક્ક જૂની શરતના ગણાશે. ઈજારાની જમીનમાં ગણોતીયો હોય તો તેણે કબજાહક્કની રકમ એક વર્ષમાં કલેક્ટરને ડિપોઝીટ તરીકે ભરપાઈ કરવાની છે અને જો તે ભરપાઈ ન કરે તો જમીન મહેસૂલ બાકી તરીકે વસુલ કરવાની છે અને જો આવી જમીન ઉપર બિન અધિકૃત કબજો ચાલુ હોય તો ગણોતીયાને જમીન ઉપરથી સંક્ષિપ્ત રીતે દૂર કરવાનો થાય છે.

આ કાયદાની કલમ-૮ પ્રમાણે ઈજારા તેમજ અઘાટ હક્ક સિવાયની જમીનમાં જે શરતોએ જમીન આપી હોય તે સિવાય જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈ લાગુ પડે છે અને તે હેઠળ નિકાલ કરેલ જમીનને નવી અને અવિભાજ્ય શરતે ગણવાની છે. આ સિવાય જો જમીનના ૭/૧૨માં ચોક્કસ શરત દર્શાવવામાં ભુલ હોય તો મૂળ જમીન મહેસૂલ રેકર્ડની નોંધો તેમજ અન્ય બાબતો તપાસી કલેક્ટરે કાર્યવાહી કરવાની છે. 

આ ઉપરાંત આ નાબુદી કાયદા અન્વયે જો કોઈ કેસો ચાલતા હોય અથવા આવી જમીનના હેતુ ફેરના કિસ્સામાં મહેસૂલ વિભાગના તા.૨૭-૫-૨૦૨૨ના ઠરાવમાં કરેલ સ્પષ્ટીકરણ મુજબ કાર્યવાહી કરવાની છે. આ કાયદા હેઠળ મહદ્દ અંશે જોયુ તેમ અઘાટ કે ઈજારા હેઠળની જમીનો મોટા ભાગે જૂની શરતની ગણવાની છે એટલે મહેસૂલી અધિકારીઓ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પ્રજાહિતમાં અર્થઘટન કરે તે જરૂરી છે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...