8.31.2019

કો-ઓપ. હાઉસિંગ સોસાયટીની જમીન પર કોમર્શિયલ બાંધકામ ન થઇ શકે: હાઇકોર્ટ

કો-ઓપ. હાઉસિંગ સોસાયટીની જમીન પર કોમર્શિયલ બાંધકામ ન થઇ શકે: હાઇકોર્ટ

હાઉસિંગ સોસાયટીનો હેતુ માત્ર રહેણાંકનો છેઃ અવલોકન


- જમીન માલિક ચાર અઠવાડિયામાં બાંધકામ ન તોડી પાડે તો ડિમોલિશન કરવા સુરત મહાનગરપાલિકાને આદેશ






અમદાવાદ, તા.31 ઓગસ્ટ 2019, શુક્રવાર
કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની જમીનનો કોમર્શિયલ બાંધકામમાટે કે કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ ન થઇ શકે તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટે એક પિટિશનના ચુકાદામાં કર્યુ છે. સુરતની એક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કોમર્શિયલ ઓફિસનું બાંધકામ હાથ ધરાતા સોસાયટીના રહેવાસીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો હેતુ રહેણાંક માટેનો હોવાથી ત્યાં કોમર્શિયલ બાંધકામ ન થઇ શકે.
સુરતની માધવનગર કો-ઓપરેટિસ સોસાયટીના રહેવાસીઓની હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા સમક્ષ રજૂઆત હતી કે  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ કરનાવતે સોસાયટીમાં બંગલો નંબર-૪૦ ખરીદ્યો હતો. બંગલો તોડી ત્યાં લો-રાઇઝ બાંધકામની એન.ઓ.સી. સોસાયટી પાસેથી માગી હતી અને સોસાયટીએ એન.ઓ.સી. આપી હતી. જો કે મકાન બાંધવાની જગ્યો ત્યાં કોમર્શિયલ હેતુ માટે મોટી બિલ્ડીંગ બાંધી દીધુ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સોસાયટીની યોગ્ય એન.ઓ.સી. ન હોવા છતાં આ બાંધકામને તમામ મંજૂરીઓ આપી છે.
હાઇકોર્ટે સોસાયટીના રહીશોની તરફેણમાં ચુકાદો આપી નોંધ્યુ છે કે કો-ઓપરેટિવ સોસાયટીનો હેતું રહેણાંકની સુવિધા આપવાનો છે. ત્યાં કોમર્શિયલ બાંધકામ ઉભું કરવાનો કોઇને અધિકાર નથી. સોસયટીના યોગ્ય નો ઓબ્જેક્શ સર્ટિફિકેટ વિના કોર્પોરેશન બી.યુ. સહિતની બાંધકામની કોઇ પરવાનગી આપી શકે નહી.જો સોસાયટી એન.ઓ.સી. આપી પણ દે તો કોર્પોરેશને નોટિસ પાઠવી સોસાયટીવાસીઓને વધુ રજૂઆતની તક આપી તેમનો પક્ષ જાણવો જોઇએ. આવી રીતે યોગ્ય એન.ઓ.સી. વિના કોર્પોરેશન ગેરકાયદે બાંધકામને મંજૂરી આપી શકે નહીં.
હાઇકોર્ટે જમીન માલિકને ચાર સપ્તાહમાં બાંધકામ તોડી પાડવા આદેશ આપ્યો છે. જો આ સમયમર્યાદામાં બાંધકામ ન તૂટે તો ત્યાં ડિમોલિશન કરવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની ઘણી કો-ઓપરેટિસ હાઉસિંગ સોસાયટીઓ પર આ ચુકાદાની ઘણી દુરોગામી અસર થશે.

No comments:

Post a Comment