પબ્લિક ટ્રસ્ટ હેઠળની જમીનો/મિલ્કતો, દેવસ્થાનની જમીનો અંગે નિયમનકારી જોગવાઈઓ
- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)
- ટ્રસ્ટો દ્વારા ધારણ કરેલ જમીનોના વેચાણ / તબદીલ પ્રસંગે ચેરિટી કમિશ્નર / કલેક્ટરની પરવાનગી જરૂરી
જમીન માટે 'યાવત ચંદ્ર દિવાકરો' યુક્તિ પ્રચલિત છે. અર્થાત્ સુર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી જમીનનું અસ્તિત્વ છે. વધુમાં માનવ જીવનના કોઈપણ વ્યવહાર માટે જમીન સાથેનો સબંધ રહ્યો છે અને એટલા માટે જમીનની વ્યાખ્યામાં સ્થાવર મિલ્કત તરીકે ઓળખાય છે. જમીન એ ફક્ત ખેતવિષયક પરિભાષા પુરતી સિમિત નથી. જેમ 'માનવીનો ઉત્ક્રાંતીવાદ' Evolution of Species છે તેમ જમીનના ઉપયોગમાં સમયાંતરે બદલાવ આવતો રહે છે. હંમેશા જમીનના નિયમન અંગે ભલે જુદા જુદા શાશકો રાજાશાહી સહિત રહ્યા હોય પરંતુ આ અંગેનો વિષય રાજ્ય હસ્તક રહ્યો છે અને રાજાશાહી દરમ્યાન પ્રગતિશીલ રાજ્યો બરોડા, મૈસુર વિગેરેમાં પણ સખાવતી (Trust) હેતુ માટે કાયદા હતા અને Devasthan and Endowment Act પણ વિદ્યમાન હતા. મુંબઈ રાજ્ય અને ગુજરાતમાં મુંબઈ પબ્લીક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦ સખાવતી સંસ્થાઓના (Charitable Institution) નિયમન માટેનો કાયદો છે આ કાયદા હેઠળ ટ્રસ્ટની નોંધણી અને વહિવટની બાબતો છે પરંતુ સાથોસાથ ટ્રસ્ટની પ્રવૃતિઓના સંચાલન માટે ધારણ કરેલ જમીનો / મિલ્કતો અંગેના નિયમનની જોગવાઈઓ છે અને તે મુજબ ચેરીટી કમિશ્નરના નિયંત્રણ હેઠળ આ અંગેની કાર્યવાહી થાય છે. અને તે અનુસાર સબંધિત ટ્રસ્ટે ધારણ કરેલ જમીન / મિલ્કતની ટ્રસ્ટના મિલ્કત રજીસ્ટરે (પી.ટી.આર.) નોંધાવવાની હોય છે. આઝાદી પહેલાં ગણોત કાયદો અને ખેતીની જમીનના વહિવટ ૧૯૪૮નો કાયદો ન હતો એટલે ટ્રસ્ટોને રાજા તરફથી કે દાન સ્વરૂપે ખેતીની જમીનો આપવામાં આવતી અને આઝાદી બાદ પણ આ ટ્રસ્ટો જમીન ધારણ કરતા પરંતું ૧૯૪૮ના ખેતીની જમીનના વહિવટ અને ગણોત કાયદા હેઠળ ટ્રસ્ટ પણ બિનખેડુત સંસ્થા તરીકે કલેક્ટરની કલમ-૬૩ હેઠળની પરવાનગી સિવાય જમીન ધારણ કરી શકે નહિ અને ગણોતધારાની જોગવાઈઓ પ્રમાણે આવી ટ્રસ્ટની જમીનો ઉપર ગણોતીયા હોયતો કલમ-૮૮બી હેઠળ ગણોતીયાના જમીન ઉપર હક્ક આપવા અંગે મામલતદાર અને કૃષિપંચ દ્વારા મુક્તિ આપવાની જોગવાઈ છે.
ટ્રસ્ટ દ્વારા ધારણ કરેલ જમીન / મિલ્કત સખાવતી હેતુ માટે હોય, જ્યારે આ જમીન / મિલ્કતનું વેચાણ / ગીરો / તબદીલી કરવી હોયતો પબ્લીક ટ્રસ્ટની કલમ-૩૪/૩૫ હેઠળ ચેરીટી કમિશ્નરની મંજુરી મેળવવાની હોય છે અને નિયમોનુસાર ચેરીટી કમીશ્નર દ્વારા જાહેર નોટીસ આપીને હરાજીના માધ્યમથી ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ મિલ્કતોનું વેચાણ તબદીલી થઈ શકે છે. જેમ જણાવ્યું તેમ જાહેર ટ્રસ્ટોને તેના સાર્ર્વજનિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવી હોયતો ગણોતધારાની કલમ-૬૩ હેઠળ પુર્વપરવાનગી લેવાની જોગવાઈ છે. પરંતું રાજ્ય સરકારે ટ્રસ્ટ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, મેડીકલ કોલેજ વિગેરે માટે જેમ 'પ્રમાણિક ઉદ્યોગ હેતુ' માટે “Bonafied Industrial Purpose” ખેતીની જમીન ખરીદીને કલેક્ટરને જાણ કરવાની છે અને કલેક્ટરશ્રીએ ૩૦ દિવસમાં પ્રમાણપત્ર આપવાનું છે તેમ જાહેર ટ્રસ્ટોને શૈક્ષણિક, હોસ્પિટલ, રીસર્ચ સંસ્થાઓ માટે પણ જુની શરતની જમીન સીધેસીધી ખરીદીને પ્રામાણિક હેતુ માટે પ્રમાણપત્ર આપવા કલેક્ટરશ્રીને જાણ કરવાની છે. આજકાલ જુના ટ્રસ્ટો દ્વારા ધારણ કરેલ જમીનો ઉક્ત જણાવેલ ચેરીટી કમીશ્નરની અને કલેક્ટરની પરવાનગી મેળવવાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવા જુના ટ્રસ્ટીઓ તરીકે દાખલ થઈ જમીન / મિલ્કતો તબદીલ કરવામાં આવે છે. આદર્શ દાખલા તરીકે જણાવું તો રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર હાલનું આત્મીય કોલેજ સંકુલ આવેલ છે તે સરકારે / કલેક્ટરશ્રીએ વર્ષો પહેલાં સાયન્સ કોલેજને જમીન આપેલ તે સંસ્થાના ટ્રસ્ટીઓના સ્થાને આત્મીય કોલેજના સોખડા સ્વામીનારાયણ સંસ્થાના ટ્રસ્ટીઓ દાખલ થઈ જમીનનો કબજો લઈ લીધેલ અને આ જમીન ઉપર કલેક્ટરની પરવાનગી સિવાય બેન્કની લોન પણ લીધેલ, આ બાબત અમો કલેક્ટર રાજકોટ હતા ત્યારે અમારા ધ્યાન ઉપર આવતાં, જમીન સરકાર દાખલ કરેલ આજ રીતે કાંગસીયાળી-રાજકોટની ૧૯૫૧માં કેન્સર હોસ્પિટલની જગ્યામાં પણ આજ ટ્રસ્ટે આયુર્વેદ કોલેજ માટે બારોબાર નામો દાખલ કરાવી કબજો લીધેલ, આ જમીન પણ અમોએ સરકાર દાખલ કરી કબજો લઈ સરકારના આરોગ્ય વિભાગને આ જમીન તબદીલ કરેલ, પરંતું છેવટે મારી જાણકારી મુજબ કાયદાની પ્રક્રિયાનો ગેરઉપયોગ કરી (Abuse of Process of Law) આ જમીનનો મુળભુત હેતુ નિષ્ફળ બનાવ્યો છે આજે પણ સમગ્ર રાજ્યમાં ઘણા ગામ / શહેરોમાં દેવસ્થાન / મંદિર ગામ સમસ્ત ચાલતી જમીનોમાં આવા પ્રકારનું આચરણ થાય છે. આજ રીતે દેવસ્થાન / હેઠળની જમીનો કે જેનો વહિવટ ટ્રસ્ટ હેઠળ કરવાનો થાય છે. પરંતું આવી જમીનો દિવેલીયા કે પુજારીને ધાર્મિક સ્થળની પુજા / કે તેઓના ભરણ પોષણ માટે જમીનનો ઉપયોગ કરવાનો હેતુ તેના બદલે આવી જમીનો દેવસ્થાનના સંચાલક / પુજારી તેઓના નામ રેકર્ડ ઉપર ચઢાવી મહેસુલ રેકર્ડમાં 7x12માં બીજા હક્કમાં નોધવાના બદલે અગ્રહક્કમાં કબજેદાર તરીકે આવી જમીનો વેચાય છે અથવા ખેડુતનો દરજ્જો પ્રાપ્ત કરીને, બીજે જમીનો વેચાણ રાખી છે. આવા પ્રસંગો અમારા કલેક્ટર, રાજકોટના કાર્યકાળ દરમ્યાન ધ્યાન ઉપર આવતાં સરકારને ધ્યાન દોરતાં ૨૦૧૦માં સરકારે નિતીવિષયક નિર્ણય લઈને જાણ કરેલ કે, દેવસ્થાન હેઠળ / દિવેલીયા તરીકે ઓળખાતી જમીનો સૌરાષ્ટ્રમાં બારખલી કાયદા હેઠળ ટ્રસ્ટ તરીકે નોંધાવી તેના હેઠળ વહિવટમાં લેવા કે ગામ સમસ્ત ટ્રસ્ટમાં (ગ્રામપંચાયત) લેવા સુચનાઓ અપાયેલ છે અને તે અનુસાર ચેરીટી કમિશ્નરે પણ ટ્રસ્ટ હેઠળની જમીનો / મિલ્કતો ટ્રસ્ટ એક્ટ હેઠળ પરવાનગી સિવાય તબદીલી ન કરવાની સુચનાઓ અપાયેલ છે. પરંતું જેમ જણાવ્યું તેમ સરકારના ગણોત કાયદા હેઠળના અને ટ્રસ્ટ અધિનિયમના નિયંત્રણો નિષ્ફળ બનાવવાના ભાગરૂપે સમાન હેતુ ધરાવતા ટ્રસ્ટો રચીને આવી જમીનો આંતરિક રીતે તબદીલ કરવામાં આવે છે. જાહેર હેતુ કે સાર્વજનિક હેતુ માટે રચાયેલ ટ્રસ્ટો મુળભુત રીતે સારા હેતુ માટે નિષ્ઠાવાન ટ્ર્રસ્ટીઓ દ્વારા રચવામાં આવેલ હોય છે અને સારા હેતુ માટે દાનના માધ્યમથી સારી પ્રવૃતિ કરવામાં આવે છે. પરંતું પાછળથી યોગ્ય વ્યવસ્થાપનના અભાવે આવી જમીનો સ્થાપિત હિતો દ્વારા વાણિજ્યવિષયક કે નફાકીય હેતુ માટે તબદીલ કરવામાં આવે છે. જે અંગે પ્રમાણિક સંસ્થાઓને નુકશાન ન થાય તે રીતે કડક નિયંત્રણો કરવા જરૂરી છે.
No comments:
Post a Comment