12.17.2023

નોટિસ : કોઇપણ બાબત કાયદેસર ધ્યાનમાં લાવવા માટેનો સચોટ માર્ગ

 

નોટિસ આપવા પાછળનો સામાન્ય ઈરાદો સામા પક્ષકારને હકીકત અને કાનુની પરિણામોની જાણ કરવાનો હોય છે

તમારી જમીન,  તમારી મિલકત

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

જમીન-મિલકત તેમજ નાણાંકીય લેવડ- દેવડ અંગેની પક્ષકારો વચ્ચેની કોઈપણ પ્રકારના વાંધા, તકરાર અંગે કોઈપણ પગલાં લેવા અગર પતાવટ કરવા માટેનું પ્રથમ પગલું એટલે લેખિત નોટિસ.
નોટિસ એટલે સામા પક્ષકારને વિગતની જાણકારી અથવા જાહેરાત કે માહિતી આપતી ચેતવણી કહી શકાય. નોટિસ આપનાર પક્ષકાર ભવિષ્યમાં લઈ શકે તેવા સૂચિત પગલાંની માહિતી અથવા જાણ અગર સામા પક્ષકાર વિરુદ્ધ  કાનુની કાર્યવાહી કરતાં પહેલાં તેને ફેરવિચારણા કરવા માટેની તક આપવા માટેની નોટિસ આપવા પાછળનો ઉદ્દેશ છે. નોટિસ હંમેશા માટે યોગ્ય વ્યકિત પક્ષકાર કે અધિકારીને સંબોધીને લખવી જોઈએ તે ઉપરાંત નોટિસમાં વર્ણન ટુંકમાં સચોટ રીતે દર્શાવવું. નોટિસ આપવા પાછળનો સામાન્ય ઈરાદો સામા પક્ષકારને હકીકત અને કાનુની પરિણામોની જાણ કરવાનો છે. નોટિસના ત્રણ પ્રકાર છે.
(૧) કાનુની નોટિસ : જે નોટિસ મોકલવાની જરૂરીયાત કાનુની કાર્યવાહી માટે જરૂરી અગર ફરજિયાત હોય અથવા આવી નોટિસ આપવાનું કાયદા દ્વારા નિયત કરવામાં આવેલ હોય.
(૨) કરાર જન્ય નોટીસઃ જે નોટિસ આપવાની જરૂરીયાત પક્ષકારોની વચ્ચેની કરારની બાબતોના ભંગ માટેની જાણ કરવા માટે કે પક્ષકારો વચ્ચેની કરાર અંગેની જવાબદારી માટે આપવામાં આવે છે.
(૩) કુદરતી ન્યાયના સિધ્ધાંતો માટો નોટીસઃ જે નોટિસથી સંબંધિત પક્ષકારોને નોટિસ આપનાર પક્ષકારના પગલાંને પહોંચી વળવા માટેની અને તેનો નિકાલ કરવાની તક આપવા માટે આપવામાં આવે છે.
નોટિસની બજવણી ટપાલ દ્વારા, રૂબરૂ આપીને અથવા નોટિસ સ્વીકારવા માટે કોઈ પક્ષકાર ઈન્કાર કરે તેવા સંજોગોમાં ઘરનાં બારણાં ઉપર ચોંટાડી બજવણી કરી શકાય. હવે તો ઈલેક્ટ્રોનિક માધ્યમથી પણ નોટિસ આપી શકાય છે.
આ લેખમાં આપણે કેટલીક બાબતો અંગે આપવાની થતી નોટિસના સામાન્ય નમુનાઓ જોઈશું.
મકાન માલિક દ્વારા ભાડુઆતને નોટિસ:
નોટિસ રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા
મોક્લનાર શ્રી
સરનામું
પ્રતિશ્રી,
સરનામું ...............
બાબતઃ- ભાડે આપેલ મકાન ભાડું નહીં ચુકવવાના કારણસર ખાલી કરવા બાબત.
હું નીચે સહી કરનાર તમારો મકાનમાલિક અને તમોને ભાડે આપેલા મકાન અંગે તમોને આ
નોટિસ આપી જણાવું છું કેઃ-
સ્થળે આવેલ મકાન નંબર: .....
અમોએ આપને શહેર/ગામ માં તમોને માસિક રૂપિયા ........ અંકે રૂપિયા ... .. માં .. મુદત માટે રહેણાંકના ઉપયોગ પૂરતું ભાડે આપેલ તે તમારી મુદ્ત પુરી થયા પહેલાં ખાલી કરી અમોને શાંત કબજો સોંપવા સદરહું નોટિસથી જણાવીએ છીએ. અમો ભાડે આપનાર તથા તમો ભાડે લેનાર વચ્ચે થયેલ તારીખઃ …… ના રોજના કરારમાં જણાવ્યા મુજબ જો તમો ચડે ચડ્યું સતત બે માસનું ભાડું આપવામાં નિષ્ફળ જશો તો ભાડા કરાર રદ થશે. તે મુજબ આપે છેલ્લા કુલ ત્રણ માસનું ભાડું અમોને ચુકવી આપવા નિષ્ફળ ગયા હોઈ કરારની શરતોનો તમોએ ભંગ કરેલ હોઈ સદરહુ નોટિસ આપને આપવી પડેલ, જેને માટે આપ જ જવાબદાર છો. તમોએ ચઢત થયેલ ભાડાની બાકી રકમ વસુલ લેવા સદરહુ નોટિસથી જણાવીએ છીએ. કારણ કે અમોને આપને અમોનું ઉપરોક્ત વર્ણનવાળું મકાન ભોગવટા માટે સોંપેલ અને આપે સદરહુ મકાનમાં હાલમાં ભોગવટો કરો છો. ભોગવટા સમયથી આજદીન સુધી અમો દ્વારા કરવામાં આવેલ વિનંતીઓને ધ્યાને ન લઈ આપે અમોને ચઢત થયેલા ભાડાની રકમ ચુકવી આપેલ નથી.
તમોને સદરહુ નોટિસ મળ્યાથી અમો અને તમો વચ્ચેનો મકાન માલિક અને ભાડુઆત તરીકેનો સંબંધ પૂર્ણ થયેલ માનવામાં આવશે. સદરહું નોટિસ મળ્યેથી તમોએ ૧૫ દિવસમાં સદરહુ મકાનનો ખાલી અને પ્રત્યક્ષ કબજો અમોને સોંપી દેવો, જો તેમ કરવામાં તમો કસુરવાર ઠરશો તો અમોને અમારી માલીકીના મકાનનો કબજો મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી તમો વિરુદ્ધ કરવાની જરૂર ઉપસ્થિત થશે તેવી તમામ કાર્યવાહીનો ખર્ચ તમારા શિરે રહેશે.
મકાન માલીકની સહી
નોટિસ રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા
મોક્લનાર શ્રી
સરનામું
પ્રતિશ્રી,
સરનામું ...............
બાબતઃ- લેણી રકમ પરત મેળવવા વસુલ લેવા.
શ્રીમાન,
આપને સામાજિક કાર્ય સારું રૂપિયાની જરૂરિયાત ઉપસ્થિત થતા તમોએ અમો પાસેથી રૂપિયા ૪૦,૦૦૦/- અંકે રૂપિયા ચાલીસ હજાર પૂરા રોકડા સેંકડે ૧૨% ના વ્યાજના દરે ૬ મહિનામાં ૫૨ત આપવાનું કબુલ કરીને મેળવેલ. તમોએ લખી આપેલ તારીખઃ ૧૫-૦૧-૨૦૨૩ ના રોજથી પ્રોમિસરી નોટના આધારે ઉછીની આપેલ તે રકમ આજદિન સુધી વ્યાજના રૂપિયા .... અંકે રૂપિયા .... પણ આપની પાસે લેણી નીકળે છે. આમ આપને પ્રોમિસરી નોટના આધારે ઉછીની આપેલ રકમ મુદ્દલ અને વ્યાજ સહિત રૂપિયા અંકે રૂપિયા પૂરાં લેણાં આજદિન સુધીના નીકળે છે તે રકમ સદરહુ નોટિસ મળ્યેથી દિન પંદરમાં અમોને ચુકવી આપી પહોંચ મેળવી લેવી, જો અમારી લેણી રકમ ચુકવી આપવામાં તમો નિષ્ફળ જશો તો અમોએ ન છુટકે આપની સામે કાયદેસરની
કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેનો ખર્ચ આપના શીરે રહેશે જેની સ્પષ્ટપણે નોંધ લેશો.
નોટિસ મોકલનારની સહી અને ફરમાઈશથી તમો ડેવલપર્સ ઠે. ..
ડેવલપર ઓર્ગેનાઈજરને વકીલ દ્વારા નોટિસ
નોટિસ રજિસ્ટર એડી દ્વારા
અમો એડવોકેટ અમારા અસીલ શ્રી .. ... રહેવાસી: ... .. નાની સૂચના
.. સદર નોટિસ આપી જણાવીએ છીએ કે, અમારા અસીલે ગામ મણિપુર, તાલુકા ગાંધીનગરમાં આવેલ આપની સ્કીમ ”સારથી બંગ્લોઝ” માંના પ્લોટ / બંગલા નંબર: ૧૦ ની જમીન ખરીદવા માટે આપની સાથે તારીખઃ
૦૫-૦૧-૨૦૨૩ ના રોજ નોટરાઈઝડ કરાર કરેલ ત્યારથી અમારા અસીલ અને આપ એકમેકથી સારી રીતે પરિચિત છો.
અમારા અસીલે આપની સારથી બંગ્લોઝની સ્કીમમાં પ્લોટ/બંગલો નંબરઃ ૧૦ બુક કરાવેલ જેની બાંધકામ સાથેની કિંમત આશરે ૪૮,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા અડતાલીસ લાખ પુરા)ની નકકી કરવામાં આવી હતી. જે રકમ અમારા અસીલે આપને કરારમાં નકકી કરેલ શરતો મુજબ સમયસર પુરેપુરી ચુકવી આપેલ છે.
અમારા અસીલે ખરીદેલ સદરહુ પ્લોટ નંબર: ૧૦ નો આપે જયારે અમારા અસીલના નામે કરાર કરી આપેલ ત્યારે કરારમાં જણાવવામાં આવેલ શરતો મુજબનું વર્તન અને કાર્યવાહી તમોએ પુર્ણ કરેલ નથી જેથી અમારા અસીલને આઘાત લાગેલ છે. આપે સદર કરારમાં એન. એ. પરમીશન મેળવવા તથા ઓથોરિટી પાસેથી પ્લાન મંજૃર કરાવી આપવાનું તમોએ જણાવેલ છે. પરંતુ 
# મહિનાનો સમયગાળો થઈ ગયા પછી પણ તમોએ તેવી મંજૂરીઓ મેળવેલ નથી અને બહાના બનાવીને ફક્ત સમય પસાર કરો છે.
અમારા અસીલ સાથે તમો પ્લોટની જમીન અને બંગલાના બાંધકામ સાથે વેચાણ કરી આપવાનો કરાર કરો છો અને કોઈ જાતનું બાંધકામ પણ શરુ કરેલ નથી. આપે સદરહુ કરાર મુજબ પ્લોટની જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ પણ અમારા અસીલને કરી આપેલ નથી. અમારા અસીલ આપની પાસે સદરહુ બાબતે વારંવાર માગણી કરવા છતાં આપે માત્ર ઉડાઉ જવાબ આપી અમારા અસીલને ધાકધમકી આપી દબાવવાનો પ્રયત્ન કરેલ છે. તમોએ સરકાર સાથે તેમજ અમારા અસીલ સાથે છેતરપિંડી કરેલ છે.
તમો તથા તમારા મળતીયાઓ કોન્ટાક્ટર એન્જિનિયર, આર્કિટેકટ તથા અન્ય સાથે મળીને વધારે રકમ અમારા અસીલ પાસેથી મેળવવાના ઈરાદે એન.એ. તથા પ્લાન મંજુર કરાવતા નથી જેથી તમો અમારા અસીલ સાથે છેતરપિંડી કરેલ છે.
સદર નોટિસ આપી આપને જણાવવામાં આવે છે કે સદર નોટિસ મળ્યેથી દિન સાતમાં અમારા અસીલ પાસેથી તમોએ મેળવી લીધેલ પૂરેપૂરી રકમ વ્યાજ સાથે પરત કરવી. જો તેમ કરવામાં તમોઅ કસુરવાર ઠરશો તો અમારા અસીલ તમો વિરૃદ્ધ દિવાની તથા ફોજદારી રાહે પગલાં ભરશે, જેની સંપૂર્ણ જવાબદારી ખર્ચ સહિતની આપના શિરે રહેશે. સદર નોટિસ તમારી કસુરના કારણે આપવી પડેલ હોઈ સદર નોટિસ ખર્ચના ર.૩૦૦૦/- અંકે રૂપિયા પાંચ હજાર પૂરા તમારા શિરે છે, જેની નોંધ લેશો.
એડવોકેટ
નોંધઃ-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સુચન કે પ્રશ્નો હોય તો ‹નવગુજરાત સમય› ના સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

No comments:

Post a Comment