- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
દેવસ્થાન / ધાર્મિક ટ્રસ્ટ હેઠળની જમીનોની તબદિલી માટે ચેરિટી કમિશ્નર / કલેક્ટરની મંજુરી જરૂરી
ગતાંકથી ચાલુ : ગત લેખમાં બિનઅધિકૃત સ્વરૂપે જાહેર જગ્યાઓમાં એટલેકે સરકારી / ગૌચર / મ્યુનિસીપલ કોર્પોરેશન / મ્યુનિસીપાલટીની જમીનોમાં ધાર્મિક સ્થળોના નિર્માણ અંગે વર્ણન કરવામાં આવેલ અને સુપ્રિમકોર્ટના વડોદરા મહાનગરપાલીકાના કિસ્સામાંથી ઉપસ્થિત થયેલ ૨૦૦૯ના શકવર્તી ચુકાદાથી તમામ રાજ્યો / જીલ્લા કલેક્ટર / પોલીસ સતાધિકારીઓને જે દિશાનિર્દેશ આપેલ તે અંગે જણાવવામાં આવેલ. જેમ જણાવ્યુ તેમ આઝાદી પહેલાં રાજાશાહીના સમયગાળામાં જુદા જુદા સતાપ્રકાર જેમાં ઈનામી / દેવસ્થાન હેઠળ અપાયેલ જમીનો / મિલ્કતો અંગે પણ સતાપ્રકાર નાબુદી ધારો (Tenure Abolition Act) લાવી આવી જમીનો / મિલ્કતો પબ્લીક ટ્રસ્ટ એક્ટ હેઠળ એટલેકે સખાવતી / ધાર્મિક સંસ્થાન તરીકે વહિવટ કરવાનો હતો અને નિયમન કરવાનું છે. આવી ધાર્મિક સંસ્થાઓએ ધારણ કરેલ જમીનોને ઘણા કિસ્સાઓમાં ગણોતધારાની કલમ-૮૮બી હેઠળ મુક્તિ પણ આપવામાં આવે છે અને તે મુજબ દેવસ્થાન હેઠળની જમીનોમાં ગણોતીયાના હક્કો પણ ઉપસ્થિત થતા ન હતા. સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં પણ જે ધાર્મિક સ્થળો હતા તેવા ધાર્મિક સ્થાનને ગામ લોકો દ્વારા ગામ સમસ્ત જમીન તરીકે દાનમાં પણ આપવામાં આવતી અને ધાર્મિક સ્થળની પુજા-અર્ચના તેમજ રોજબરોજના વહિવટ માટે દીવેલીયા તરીકે જમીન ઓળખાતી અથવા તો પુજારીનુ નામ દર્શાવવામાં આવતું સૌરાષ્ટ્રમાં આવી દિવેલીયા તરીકે ઓળખાતી જમીનોને બારખલી કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવેલ અને ધાર્મિક સંસ્થાન હેઠળની જમીન સ્થાનિક ગ્રામપંચાયત અથવા ગામ સમિતિએ વહિવટ સંભાળવાનો હતો અથવા જેમ જણાવ્યુ તેમ ટ્રસ્ટ રજીસ્ટર્ડ કરાવી તે હેઠળ આવા ધાર્મિક સ્થળોનો વહિવટ લેવાનો હતો.
પરંતુ દિવેલીયા હેઠળ અથવા તો ધાર્મિક સ્થળોની જમીન પુજારી તરીકે સેવાપુજા કરતી વ્યક્તિઓના નામ દાખલ કરીને આવી જમીનો અગ્રહક્કમાં લઈને કબજેદાર તરીકે તેઓના વારસદારોના નામ પણ દાખલ કરીને ખેડુત તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરી, આવી જમીનો વેચી પણ દેવામાં આવેલ અને ખેડુતના દરજ્જા અન્વયે અન્ય જગ્યાઓએ ખેતીની જમીન ધારણ કરી લીધી છે. આમ દેવસ્થાન / ધાર્મિક સ્થળની જગ્યા સાર્વજનિક હેતુ માટે જાહેર મિલ્કત તરીકે વહિવટ કરવાના બદલે ખાનગી હેસીયતથી જમીન / મિલ્કત અથવા તો ધાર્મિક સ્થાનનો વહિવટ થાય છે. અમો રાજકોટ કલેક્ટર હતા ત્યારે આવી દિવેલીયા હેઠળની જમીનો મંદિર / ધાર્મિક સ્થાનના નામે કરવાના બદલે પુજારીઓના નામ દિવેલીયાની જમીનમાં દાખલ કરાવીને આવી જમીનોના વેચાણ થયેલ તેમજ ખેડુતનો દરજ્જો પ્રાપ્ત કરવાને લીધે અમોએ આવી જમીનોના વ્યવહાર રીવીઝનમાં લઈને નોંધો રદ કરેલ અને રાજ્ય સરકારને આવા પ્રકારનું આચરણ સમગ્ર રાજ્યમાં થતું હશે તેમ જણાવીને ધ્યાન દોરેલ અને મહેસુલ વિભાગે ૨૦૧૦માં પરિપત્ર કરીને સમગ્ર રાજ્યમાં આવી દિવેલીયા / ધાર્મિક સ્થળોની જગ્યાઓના વેચાણ ઉપર પ્રતિબંધ તેમજ પબ્લીક ટ્રસ્ટ હેઠળ આવી જમીનોનો વહિવટ લેવા અને શરતભંગના કિસ્સાઓમાં રાજ્ય સરકાર હસ્તક વહિવટ લેવાની સુચનાઓ આપેલ છે અને તે મુજબ અમલમાં છે.
મહેસુલ વિભાગે ૨૦૧૦માં જે પરિપત્ર કરવામાં આવેલ તે અનુસાર રાજ્યના ચેરીટી કમિશ્નરે પણ સમગ્ર રાજ્યમાં ધાર્મિક / દેવસ્થાન હેઠળની જમીનો / મિલ્કતોને ટ્રસ્ટના મિલ્કત રજીસ્ટરે ચઢાવવા અને ચેરીટી કમિશ્નરની મંજુરી સિવાય પબ્લીક ટ્રસ્ટ એક્ટ હેઠળની કલમ-૩૪ અને ૩૫ની જોગવાઈઓ અનુસાર તબદીલ ન કરવાની સુચનાઓ આપેલ છે. આમ સમગ્ર રાજ્યમાં ધાર્મિક/ સખાવતી સંસ્થાઓએ ધારણ કરેલ જમીનોનો સતાપ્રકાર રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર દ્વારા જે E થી F નક્કી કરવામાં આવેલ છે તે લાગુ પડે છે અને આ સતાપ્રકાર લાગુ પાડવાથી ખ્યાલ આવી જાય કે આ જમીન / મિલ્કત ધાર્મિક / સખાવતી સંસ્થાએ ધારણ કરેલ જમીન છે જેથી ચેરીટી કમિશ્નર અને કલેક્ટરની મંજુરી સિવાય આવી જમીનોની તબદીલી થતી નથી. આમ જાહેર જનતાને જાણકારી મળી રહે તે માટે જાહેર ધાર્મિક સ્થળોના વહિવટ અને તે હેઠળ ધારણ કરેલ જમીનોનો વહિવટ દેવસ્થાન નાબુદી કાયદા બાદ તેવી જમીનો પબ્લીક ટ્રસ્ટના કાર્યક્ષેત્રમાં આવે છે. આ લેખનો હેતુ જે કાયદેસર રીતે / પરંપરાગત રીતે ધાર્મિક સ્થળો આવેલ છે તેના વહિવટ અને નિયમનની જાણકારી જાહેર જનતાને મળી રહે તે માટે જાહેર હિતનો છે બીજો હેતુ જાહેર જગ્યાઓ ઉપર બિનઅધિકૃત રીતે ધાર્મિક સ્થળો બાંધી દેવામાં આવેલ છે અને દિન-પ્રતિદિન આવા બિનઅધિકૃત ધાર્મિક સ્થળોના નિર્માણ થતા અટકાવવા માટે સુપ્રિમકોર્ટના ૨૦૦૯ના ચુકાદા પરત્વે ધ્યાન દોરવા અને જ્યારે વહિવટી તંત્રને કાયદા હેઠળ સતાઓ પ્રાપ્ત થઈ છે તે અધિકાર પરત્વે જાહેર જગ્યા ઉપરના ધાર્મિક સ્થળો દુર કરવા માટેનો આશય છે.
નામદાર સુપ્રિમકોર્ટ અંબાલાના કેસમાં દેશના તમામ રાજ્યોને જાહેર જગ્યા / સાર્વજનિક જગ્યામાં દબાણ ન થાય તેની તકેદારી રાખવા અને બિનઅધિકૃત દબાણોને નિયમબધ્ધ ન કરવાની પણ સુચનાઓ આપવામાં આવેલ છે. મહાનગર પાલીકા / મ્યુનિસિપાલિટી વિસ્તારમાં કમિશ્નરને કલમ-૨૩૦/૨૩૧ જી.પી.એમ.સી. એક્ટ હેઠળ રસ્તા / ફુટપાથ ઉપર થતાં દબાણોને નોટીસ વગર દુર કરવાની સત્તાઓ આપેલ છે અને સુપ્રિમકોર્ટે આ કલમ હેઠળ મ્યુનીસીપલ કમિશ્નરની સત્તાઓને માન્ય ઠરાવેલ છે અને જણાવેલ છે કે, Public has right to Pass and Re-pass on Footpath and Road and local authority has right to remove any obstruction. એકબાજુ સરકારી તંત્રને જાહેર હેતુ જેવા કે શિક્ષણ, આરોગ્ય, આંતર માળખાકીય સુવિધા માટે સરકારી જમીન ઉપલબ્ધ થતી નથી જ્યારે બીજી બાજુ સ્થાપિત હિતો દ્વારા ઉભા કરવામાં આવેલ ર્ંૈંધાર્મિક સ્થળોને દુર કરવામાં આવતાં નથી અને આ લેખમાં જાહેર જગ્યા ઉપર સાર્વજનિક હેતુ માટે જમીન ઉપલબ્ધ થતી નથી.
ગત લેખ અને આ લેખમાં જાહેર જગ્યા ઉપરના બિનઅધિકૃત ધાર્મિક સ્થળો દુર કરવા માટે અને નવીન થતા ધાર્મિક સ્થળો જાહેર હિતમાં અટકાવવા માટે કાયદાકીય જોગવાઈઓ અને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓથી અવગત કરવાનો આશય વહિવટી ઈચ્છા શક્તિ દ્વારા પ્રજાહિતમાં કામ કરવા અને જ્યારે રાજ્ય સરકાર ઉપર્યુક્ત કાયદાકીય જોગવાઈઓ ઉપરાંત સરકારે Specific Act ;hefu Land Grabbing Act ઘડવામાં આવેલ છે અને આ કાયદાની જોગવાઈઓ સરકારી / ગૌચર / સ્થાનિક સતામંડળો અને ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનોને પણ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે આશા રાખીએ કે જાહેર જગ્યા ઉપર બિનઅધિકૃત ધાર્મિક સ્થળો ઉભા કરીદેતાં તત્વો સામે ડર અને ભયનું વાતાવરણ કાયદાકીય જોગવાઈઓના માધ્યમથી થાય તેવી અપેક્ષા છે.
No comments:
Post a Comment