8.21.2022

વરસાદી પાણી તેમજ રસ્તા ઉપરના અવરોધો દૂર કરવાની કાયદાકીય જોગવાઈઓ

 

વરસાદી પાણી તેમજ રસ્તા ઉપરના અવરોધો દૂર કરવાની કાયદાકીય જોગવાઈઓ

- મામલતદાર કોર્ટ અધિનિયમ તેમજ અન્ય સત્તાધિકારીઓને

લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ 

IAS (નિ.)

- જીપીએમસી એક્ટની કલમ- ૨૩૦ /૨૩૧નો અમલ જરૂરી

અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન જે નિયમનકારી કાયદાઓ ઘડાયા તેમાં ફક્ત સામ્રાજ્યવાદ કે સંસ્થાનવાદનો (Imperialism and Colonial) ઉદ્દેશ ન હતો, આમ તો ઘણી બાબતોમાં અંગ્રેજ શાસન વ્યવસ્થાને Police State તરીકે પણ ઓળખાતી કારણ કે તેમાં ઘણા કાયદાઓ દમનકારી હતા. જયારે અમુક કાયદાઓ ભારતીય પરિસ્થિતિને અનુરૂપ તેને નિયમન કરતાં કાયદા પૈકીનો એક કાયદો મામલતદાર કોર્ટ અધિનિયમ - ૧૯૦૮ છે. આ કાયદાની જોગવાઈઓનું સ્મરણ તાજેતરમાં એટલા માટે થાય છે કે તાજેતરમાં જે અસાધારણ સ્વરૂપે વરસાદ પડે છે તે સાથો સાથ સંખ્યાબંધ જગ્યાએ કુદરતી વહેતા પાણીમાં અવરોધો પેદા થવાને કારણે અવરજવરના રસ્તાઓ કે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારની સાથો સાથ શહેરોમાં વધારે હાલત ખરાબ છે અને પાણી ભરાવાના પ્રશ્નને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ મુલવવામાં આવે તો મચ્છરો કે અન્ય જીવજંતુઓના ઉપદ્રવના કારણે મોટાપાયે રોગચાળો, દુષિત પાણીને કારણે પણ પાણી જન્ય રોગો વિગેરે. મને લાગે છે તે પ્રમાણે આ બધી બાબતોની પ્રતિકુળ સ્થિતિનો ભોગ સામાન્ય નાગરિક બને છે અને વહીવટીતંત્ર લાંબાગાળાના ઉપાયોને બદલે ફાયર ફાઈટીંગ સ્વરૂપે કામગીરી થતી હોવાને કારણે વહીવટીતંત્ર તરફ પ્રજાનો રોષ જોવા મળે છે. સાથો સાથ વહીવટીતંત્રે જે કાયદાથી સત્તાઓ સુપ્રત કરી છે તે પ્રજાના હિતમાં કામગીરી કરવી જરૂરી છે અને તે માટે સામાન્ય જનતાને આ અંગે કાયદાકીય જોગવાઈઓની જાણકારી મળે તે માટે વિવરણ કરૂં છું.

મામલતદાર કોર્ટ અધિનિયમની કલમ-૫માં જ્યારે કોઈ જાહેર રસ્તા ઉપરના અવર-જવરના હક્કો ઉપર અવરોધ પેદા કરવામાં આવે અથવા કુદરતી રીતે વહેતા પાણીમાં અંતરાય / અવરોધ પેદા કરવામાં આવે ત્યારે આ કાયદાની જોગવાઈ પ્રમાણે સબંધકર્તાને વચગાળાનો મનાઈહુકમ દ્વારા ગેરકાયદેસર રીતે અંતરાય / અવરોધ દૂર કરવાનો હુકમ કરી શકે છે અને આ અંગે પક્ષકારોને સાંભળી આખરી હુકમ પણ કરાય અને આ કાર્યવાહી કોઈ પક્ષકારની રજૂઆત સિવાય સ્વમેળે (Suo-moto) પણ હાથ ધરી શકાય અને આ કાર્યવાહી ઉપર સિવિલ કોર્ટને હકુમત નથી એટલે કે Bar of Jurisdiction છે અને આની પાછળનો આશય એ છે કે સ્થાનિક રીતે ઉદ્દભવતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય. આજકાલ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરોમાં કુદરતી રીતે વહેતા પાણીમાં (Water Course) અવરોધ પેદા થાય તે રીતે દબાણો અને રૂકાવટ પેદા કરી છે, જે આ જોગવાઈ હેઠળ દાખલારૂપ કાર્યવાહી થઈ શકે.

આજ રીતે ગુજરાત પ્રોવન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (GPMC) જે મહાનગરપાલિકા વિસ્તાર પુરતો લાગુ પડે છે. આ કાયદાની કલમ-૨૩૦/૨૩૧માં જાહેર રસ્તા ઉપરના દબાણો તેમજ પાણીના વહેણ (Water Channel) ઉપરના અવરોધો / દબાણો મ્યુનિસિપલ કમિશ્નર નોટીસ આપ્યા વગર દૂર કરાવી શકે છે અને આ કાયદાની કલમ-૨૩૦/૨૩૧ હેઠળની જે મ્યુનિસિપલ કમિશ્નરની સત્તાઓ છે તે સુપ્રિમ કોર્ટના ચુકાદાઓથી પણ માન્ય રાખવામાં આવી છે. શહેરીકરણના વ્યાપને કારણે આડેધડ બાંધકામો / કુદરતી રીતે વહેતા પ્રવાહો / નદી નાળાં / ખાડી (creek) વિગેરેમાં જે અંતરાયો પેદા થયા છે તેમાં આ કાયદાની જોગવાઈઓ મુજબ અમલ કરવામાં આવે તો જે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છે તે ઉકેલી શકાય. હાલના પરિપ્રેક્ષ્યમાં અસાધારણ વરસાદ પડે છે તેના કારણે સંભવતઃ નદી / નાળાંની ક્ષમતા ન હોઈ શકે, પરંતુ જો સતત પાણીનું વિના વિક્ષેપે વહન થાય તો ટૂંકાગાળામાં પાણી ઉતરી જાય. મારા સુરતના લાંબાગાળાના કાર્યકાળ દરમ્યાન જે પુર / પ્લેગનો સામનો કર્યો છે તે આધારે કહી શકું છું કે સુરતની જે ખાડીઓ (creek) દ્વારા પાણી વહેતુ હતું તેના ઉપર સંખ્યાબંધ દબાણો થયા છે. તાપી નદીમાં silting (સુરત શહેરમાંથી પસાર થતા ભાગમાં) થવાના કારણે તેમજ બેન્કીંગ તુટી જવાથી સામાન્ય વરસાદ કે High tide માં પણ પાણી આવી જાય છે તે ઉપરાંત હજીરા વિસ્તારનો તાપીના કિનારા ઉપરના ભાગમાં ઉદ્યોગોને કારણે તાપીનો જળપ્રવાહ જે વહેતો હતો તેમાં અંતરાય પેદા થયા છે. જેથી પ્રવર્તમાન સમયમાં વરસાદનું જે પેટર્ન બદલાયું છે તે સંજોગોમાં લાંબા ગાળાના ઉપાયો ગ્રામ્ય / શહેરી વિસ્તારો માટે કરવા જરૂરી છે. શહેરોના સુઆયોજિત વિકાસમાં હવે જેમ પાણી, રસ્તા, ગટર અને આવશ્યક સેવા ગણવામાં આવે છે તે રીતે “Storm Water” વરસાદી પાણીના નિકાલ માટે પણ લાંબાગાળાનું આયોજન જરૂરી છે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...