વારસાગત વડીલોપાર્જીત ખેતીની જમીનમાં વારસાઈમાં દીકરીઓના સંતાનોને મળવાપાત્ર હક્ક અંગે માહિતી - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

8.07.2022

વારસાગત વડીલોપાર્જીત ખેતીની જમીનમાં વારસાઈમાં દીકરીઓના સંતાનોને મળવાપાત્ર હક્ક અંગે માહિતી

 

વારસાગત વડીલોપાર્જીત ખેતીની જમીનમાં વારસાઈમાં દીકરીઓના સંતાનોને મળવાપાત્ર હક્ક અંગે માહિતી

લોકાભિમુખ માર્ગદર્શન એચ.એસ. પટેલ IAS (નિ.)

વડીલોપાર્જીત ખેતીની જમીનમાં દીકરીના સંતાનો મહેસૂલ વિભાગના નિર્ણયને કારણે ખેડૂતનો દરજાજો પ્રાપ્ત કરશે

જમીન/મિલ્કતને લગતા જમીન મહેસૂલ અધિનિયમ અને તે હેઠળના હક્કપત્રકના નિયમો, જમીન મહેસૂલ વસુલ કરવા અને જમીનને નિયમન કરતા કાયદાઓ છે અને પાયાના સિધ્ધાંત Cardinal Principleની તરીકે વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી - unless contrary proved ત્યાં સુધી હક્કપત્રકની નોંધો માન્ય રાખવાની છે. જ્યારે મિલ્કત અને વારસાહક્ક તેમજ ધર્મ આધારિત મિલ્કતના હક્કો અંગેના Governing Act મિલ્કત તબદીલી અધિનિયમ, ભારતીય વારસાહક્ક અધિનિયમ, રજીસ્ટ્રેશન એક્ટ, હિન્દુ લો વિગેરે આ કાયદાઓમાં મિલ્કતની તબદીલી તેમજ કુટુંમ્બની વ્યાખ્યામાં આવતા કાયદેસરના વારસોના હક્ક, સિવિલ કોર્ટના કાર્યક્ષેત્ર, મિલ્કતની તબદીલીના instrument, માધ્યમ દા.ત. વેચાણ, ભેટ, બક્ષીસ, વસીયતનામું વિગેરે અને આ કાયદા હેઠળ જે સિવિલ કોર્ટ હુકમ કરે તે માલિકીહક્ક કે હિસ્સો નક્કી કરતી બાબત પક્ષકારોને બંધનકર્તા છે અને તેની નોંધ હક્કપત્રકમાં નિયમોનુસાર પાડવામાં આવે છે. આમ તમામ જમીન/મિલ્કત ધારકોએ ધારણ કરેલ જમીન/મિલ્કતને લગતા જમીન મહેસૂલ કાયદાઓ અને ઉપર જણાવેલ અન્ય કાયદાઓ મુજબ નિયમન થાય છે. જમીન મહેસૂલ કાયદા અન્વયે હક્કપત્રકની ફેરફાર નોંધો (Mutation entries) છે તે પક્ષકારોની સંમતિથી પાડવામાં આવે છે અને મંજૂર કરવામાં આવે છે એટલે કે તેનો સરકાર પક્ષે હેતુ એ છે કે મહેસૂલી રેકર્ડ અદ્યતન રહે અને કોની પાસેથી મહેસૂલ ઉઘરાવવું તે મુખ્યત્વે છે. જ્યારે પક્ષકારો માટે કાનુની કોર્ટમાં ગયા વગર સર્વ સંમતિથી હક્ક હિત ધરાવતા પક્ષકારોના નામ હક્કપત્રકના નિયમો હેઠળ વેચાણ / બક્ષીસ / વસીયતનામા આધારે દાખલ કરવા અને તેને મહેસૂલી ટાઈટલ તરીકે ઓળખવામાં આવે છે.

હિન્દુ લો - ૧૯૫૬ મુજબ વડીલોપાર્જીત પિતાની મિલ્કતમાં દીકરાઓ સમાન દીકરીને પણ જમીન / મિલ્કતમાં હક્ક છે. ૨૦૦૫ના સુધારા કાયદાથી તેને પશ્ચાતવર્તી અસર પણ આપી છે. સામાન્ય રીતે આપણા દેશમાં પુરૂષપ્રધાન સમાજ (Patriarchal Society) હોવાથી દીકરીને પારકા ઘરે એટલે કે પરણાવીને સાસરે જવાનું હોવાથી પ્રણાલીકાગત સ્વરૂપે પિતાજીની ફરજ દીકરીને પરણાવીને, કરિયાવર આપીને તેમજ ત્યારબાદના સારાનરસા પ્રસંગોએ વ્યવહાર કરીને જવાબદારી નિભાવતા હોવાથી દીકરીઓને ૧૯૫૬થી કાયદેસરના મિલ્કતમાં હક્ક આપ્યા હોવા છતાં અગાઉ પિતાજીનું મૃત્યુ થાય ત્યારે વારસદારો તરીકે દીકરીઓને પેઢીનામાં બતાવવામાં આવે, પરંતુ નિવેદન લઈને પોતાનો હક્ક જતો કરે  તેમ કરીને વારસાઈમાં પણ તે મુજબ ફેરફાર કરવામાં આવતા. 

આ પરિસ્થિતિ જે પ્રવર્તતી તે દર્શાવવામાં આવ્યું છે. હવેના હક્કપત્રકના નિયમોમાં પિતાજીના કે વડીલોપાર્જીત જમીન ધારકના મૃત્યુ બાદ વારસાઈ કરવામાં આવે છે તેમાં કાયદેસરના તમામ વારસદારોના નામ દીકરીઓ સહિત દાખલ કરવામાં આવે છે.

ઉપર્યુક્ત પરિપ્રેક્ષ્યમાં જમીન / મિલ્કતધારકનું મૃત્યુ થાય, ત્યારે વારસાઈ કરવાનું ધોરણ મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવાનો એક ભાગ છે અને તે મુજબ તમામ કાયદેસરના વારસદારોનું પેઢીનામું બનાવી વારસાઈ કરવામાં આવે છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં મૃત્યુ થાય ત્યારે વારસાઈ કરાવવામાં આવે પરંતુ તે પહેલાં હયાતીમાં જ સહભાગીદારી /  સામુદાયિકમાં નામ દાખલ કરવાના પ્રસંગો ઉપસ્થિત થતાં તેમજ આવા વ્યવહારોને રજીસ્ટર્ડ કરાવવાના બદલે હિત ધરાવતા તમામ પક્ષકારોની સંમતિથી મહેસૂલ વિભાગના તા.૧૪-૩-૨૦૧૬ના પરિપત્રક્રમાંક ઃ- હકપ-૧૦૨૦૧૬-૧૦૧૭-જ અન્વયે ખેતીની જમીનોમાં વડીલોપાર્જીત, સ્વપાર્જીત, મિલ્કતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવાની કાર્યપધ્ધતિ દાખલ કરવા માટે પરિપત્ર કરવામાં આવેલ છે અને તે મુજબ જુદા જુદા પ્રકારના વ્યવહારો પૈકી મોટાભાગના વારસાઈ, વહેંચણીના કિસ્સામાં રૂ. ૩૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર તમામ પક્ષકારોની સંમતિથી આ ફેરફારો થઈ શકે છે અને આ મુજબ વડીલોપાર્જીત ખેતીની જમીનમાંથી દીકરીઓ પણ તેમની સંમતિથી વારસાઈ બાદ સ્વેચ્છાએ પોતાનો હક્ક ઉઠાવી શકે છે. તેજ રીતે કોઈ કારણોસર પિતાજીના મૃત્યુ બાદ કોઈ કારણોસર વારસાઈમાં દીકરીનું નામ દાખલ કરવાનું રહી ગયું હોય તો તમામ હિત ધરાવતા પક્ષકારોની સંમતિ લઈને નામ દાખલ કરાવી શકે છે. તાજેતરમાં મહેસૂલ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે તેમાં આ પરિપત્રના પરિપ્રેક્ષ્યમાં વડીલોપાર્જીત મિલ્કતના પિતાની દીકરીના સંતાનો પણ અગાઉ હકકમી ના પ્રસંગે જે સ્ટેમ્પ ડયુટી વસુલ લેવાનું ૪.૯% ના ધોરણે હતું તે રદ કરીને રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ પેપર કરાવી શકે છે. તેવો નિર્ણય લેવામાં આવેલ છે.

હવે ઉક્ત નિર્ણયથી બાબત એ ઉદ્દભવે છે કે પિતાજીની વડીલોપાર્જીત ખેતીની જમીનમાંથી અન્ય કાયદેસરના વારસો સાથે દીકરીઓના હિસ્સો નક્કી કરવો પડે અને દીકરીનો સંતાનો તેના હક્કના જ ભાગીદાર છે. દા.ત. અન્ય ભાઈઓના ભાગના જમીનમાં કે સંયુક્ત હિસ્સેદાર / ભાગીદાર હોય તેમાં દીકરીના સંતાનોને ભાગ ન મળે, કારણ કે ભારતીય વારસા અધિનિયમ અને હિન્દુ લો પ્રમાણે હિન્દુ અવિભક્ત કુટુંમ્બ અને લોહીના સબંધોના વારસદારોને જે સરખે ભાગે ભાઈઓ અને બહેનોને પિતાજીની વડીલોપાર્જીત ખેતીની જમીનમાં કે અન્ય મિલ્કતમાં હિસ્સો મળવાપાત્ર છે અને તે મુજબ દીકરીના હિસ્સામાં તેના સંતાનોને ભાગ મળે અથવા હક્કપત્રકના નિયમો પ્રમાણે તમામ હિત ધરાવતા પક્ષકારોની સંમતિ હોય તો જે નવીન સુધારો દીકરીના સંતાનોને રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર રજીસ્ટર્ડ કરાવ્યા સિવાય નામ દાખલ કરવાની જોગવાઈ કરતો સુધારો મહેસૂલ વિભાગે તાજેતરમાં કર્યો છે તે મુજબ નામ દાખલ થઈ શકે છે. આ નિર્ણયથી એવું પણ બનશે કે જે દીકરીઓના સંતાનો ખેડુત ખાતેદારનો દરજ્જો ધરાવતા નથી તેવી વ્યક્તિઓ પણ દીકરીના વારસાઈ હક્કને કારણે તે સંતાનો ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે. 

છેવટે જેમ જણાવ્યું તેમ મહેસૂલી રેકર્ડની નોંધો 'Fiscal Purpose' માટે છે. જ્યારે જમીન / મિલ્કતના હક્ક / માલિકી હક્ક કે કાયદેસરના હિસ્સા માટે તકરાર થાય તો વારસા અધિનિયમ / હિન્દુ લોની જોગવાઈઓ મુજબ હક્ક / હિસ્સો નક્કી કરી આપવાનું કામ સિવિલ કોર્ટનું છે અને તેનો નિર્ણય માલિકી હક્ક અંગે આખરી ગણાય છે.

No comments:

Post a Comment

Featured post

E-Jamin Gujarat-Stamp Dyuti Calculator and more

 ⚖️📲 વકીલ અને દસ્તાવેજ લખનાર માટે ખાસ DIGITAL TOOLKIT! 🟢 E-Jamin Gujarat App – હવે દરેક દસ્તાવેજ લખતી વખતે કોઈ પણ ગણતરીમાં ભૂલ શક્ય નથી! ...