ભુદાન હેઠળની જમીન કાયમી ધોરણે વેચાણને પાત્ર નથી - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

11.01.2021

ભુદાન હેઠળની જમીન કાયમી ધોરણે વેચાણને પાત્ર નથી


  લોકાભિમુખ માર્ગદર્શન :  એચ.એસ. પટેલ IAS (નિ.)

- ભુદાનની જમીનો અંગે મહેસૂલી રેકર્ડમાં નોંધ રાખવા અને જમીન બિન તબદિલીને પાત્ર  અંગેની જોગવાઈઓ

જમીન એ ખેતવિષયક કે બિનખેતી વિષયક ઉપયોગમાં આથક ઉપાર્જનનું સાધન રહ્યું છે. જમીન વિહોણા તેમજ ખેતમજુરોના ઉત્થાન માટે વિનોબા ભાવે દ્વારા ભુદાન ચળવળના માધ્યમથી ભુમિદાતાઓ પાસેથી જમીન મેળવી સમગ્ર દેશમાં ભુદાન સમિતીઓના માધ્યમથી જમીન વિહોણા ઈસમોને જીવન નિર્વાહના ભાગરૂપે જમીનો આપવામાં આવેલ. હાલના ગુજરાત રાજ્યમાં સમાવિષ્ઠ તત્કાલીન સૌરાષ્ટ્ર રાજ્યમાં ભુદાન અંગેના નિયમો અલગ હતા. તેમાં સ્થાનિક કક્ષાએ જમીનની ફાળવણી ભુદાન સમિતીઓ દ્વારા આવી જમીનો દાનમાં લેવામાં આવતી અને ફાળવણી પણ તેમના દ્વારા કરવામાં આવતી.

ભુદાનમાં ફાળવેલ જમીનનો પાયાનો સિદ્ધાંત સબંધિત કુટુંમ્બના જીવનનિર્વાહનો હતો. સમયાંતરે મુળગ્રાન્ટી વૃદ્ધ / અશક્ત થાય અથવા તો ઘણી જમીનો શહેરી વિસ્તારોમાં આવી જવાથી સબંધિત લાભાર્થીઓએ આવી જમીનો વગર પરવાનગીએ અનઅધિકૃત રીતે આંતરિક રીતે વેચાણ વ્યવહારો પણ થયેલ છે. લોકાભિમુખ માર્ગદર્શનના માધ્યમથી વાંચકો દ્વારા ભુદાનની જમીનો અંગે અને તેના સત્તા પ્રકાર (Tenure) અંગે માર્ગદર્શન આપવાનું જણાવતાં જન સમુદાયને ઉપયોગી થાય તે માટે ભુદાનની જમીનો અંગે અને તે અંગે મહેસૂલી રેકર્ડમાં રાખવાની નોંધ અંગે જરૂરી નિરૂપણ કરૂં છું. ભુદાનની જમીન દાનમાં મેળવનાર વ્યક્તિ, દાન આપનાર વ્યક્તિને પ્રાપ્ત તેવા તમામ અધિકાર તે જમીન ઉપર ધરાવી શકે છે એટલે કે જો દાન આપનાર વ્યક્તિની મુળ નવી અને અવિભાજ્ય શરતની હોય તો દાન મેળવનાર વ્યક્તિ પણ તેજ શરતે ધારણ કરી શકશે અને જૂની શરતની જમીન હશે તો દાન મેળવનાર પણ જમીન જૂની શરતે ધારણ કરશે પણ આ જમીનો બિનતબદીલીને પાત્ર છે.

ભુદાનમાં આપેલ જમીન જાતે ખેતી માટે ઉપયોગ કરવાનો છે. આ જમીન ભાડે કે સાથી અથવા વેચવાની નથી તેમજ પડતર પણ રાખવાની નથી. જો દાન મેળવનાર વ્યક્તિ જાતે ખેતી કરતા ન હોય અને બીજી વ્યક્તિને વેચાણે કે ભાગે આપેલ હોય તો જેમ અન્ય નિયંત્રણ જેમ કે ગણોતધારાની, સીલીંગ હેઠળની કે સરકારે આપેલ જમીનમાં જો શરતભંગ થાય તો સબંધિત કાયદા હેઠળ જેમ કાર્યવાહી થાય તેમ શરતભંગ ગણી કાર્યવાહી કરવાની છે. દા.ત. ગણોતધારાની કલમ-૪૩નો ભંગ થતો હોય તો સરકાર દાખલ કરવાની પ્રક્રિયા અને જો ત્રાહિત વ્યક્તિ ગણોતહક્કથી જમીન ખેડતો હોય તો અને તે સાબિત થાય તો તે જમીન પરત્વે ગણોતીયાને કબજા હક્ક મળી શકે છે. જે લાભાર્થીઓએ ભુદાનની જમીન મેળવી છે તે વ્યક્તિ જમીન છોડીને ચાલ્યા ગયા હોય તો પણ તેવી જમીન ઉપર મૂળ દાન આપનાર જમીન માલીકનો કોઈ હક્ક રહેતો નથી, કારણ કે ભુદાન તરીકે જમીન આપ્યા બાદ પાછી મેળવવાનો કોઈ અધિકાર નથી. પરંતુ આવી જમીનો બિનવારસી ગણી અને સરકાર હસ્તક દાખલ કરી શકાય અને આવી જમીનોને સરકારની નિતી અનુસાર નિકાલ કરી શકાય અથવા જાહેર હેતુ માટે પણ ઉપયોગ થઈ શકે. જો આવી જમીન બીજી વ્યક્તિના કબજામાં અનઅધિકૃત રીતે હોય તો તેની તપાસ કરી, કબજો છોડાવી શકાય અને સરકાર પક્ષે કબજો લઈ શકાય. જેમ જણાવ્યું તેમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે તે સમયે ભુદાન સમિતી દ્વારા જમીન જાતે ખેડીને નિર્વાહ માટે ભુદાન સમિતીએ ભુમિહીન વ્યક્તિઓને જમીન દાનમાં આપી છે. જેથી અન્ય કોઈ વ્યક્તિ તે જમીનનો ઉપયોગ કરી શકે નહી. સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી જમીન પટ્ટે આપવાનું જણાય તો પટ્ટે પ્રતિબંધક કાયદા હેઠળ (Lease Prohibition Act) કાર્યવાહી કરવાની જોગવાઈ છે. જ્યારે રાજ્યના અન્ય વિભાગમાં ગણોતધારાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી શકાય છે.

રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના તા.૬-૧-૨૦૦૪ના પરિપત્રક્રમાંક ઃ ભદન-૧૪૨૦૦૩-૪૨૦ ક અન્વયે સુચનાઓ આપેલ છે કે, ભુદાનમાં મેળવેલ જમીનના નમુના નં.૭માં મથાળે 'ભુદાનથી પ્રાપ્ત થયેલ જમીન' અથવા ભુદાન જમીન તરીકેની નોંધ કરવાની છે. આમ ભુદાનથી મેળવેલ જમીન વેચી શકાતી નથી, નિયંત્રીત સત્તા પ્રકારની હોવાથી નવી અને અવિભાજ્ય સત્તા પ્રકાર રદ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ભુદાનથી મેળવેલ જમીનનું હાર્દ એ છે કે જાતખેતી અને જીવનનિર્વાહ માટે જમીન આપેલ હોવાથી અન્ય હેતુ માટે કે જમીન બિનતબદીલીને પાત્ર છે. ભુદાનની જમીનનો ધારક જો જાતે ખેતી કરવા માટે સક્ષમ ન હોઈ કે જમીન છોડીને ચાલ્યા ગયા હોય અથવા બિનઅધિકૃત રીતે વેચેલ કે તબદીલ કરેલ હોય તો જમીન સરકાર હસ્તક / ખાલસા કરવાપાત્ર થાય છે. જેથી કોઈપણ વ્યક્તિએ ભુદાન હેઠળની જમીન વેચાણ / તબદીલીથી રાખવી નહી. ઉક્ત કાનુની જોગવાઈઓ સૌ કોઈએ ભુદાનની જમીન માટે ધ્યાનમાં લેવાપાત્ર છે.

FOR JUDGMENT CLIK HERE

No comments:

Post a Comment

Featured post

હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ”

 હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ” સરકારે ફાળવેલી જમીનનો રેકોર્ડ ઑનલાઇન મ...