જમીન/મિલકતના વેચાણ કરારમાં નક્કી કરાયેલી કિંમત “એક વીઘા દીઠ” કે “એક કનલ દીઠ” તે બાબતે પક્ષકારો વચ્ચે સ્પષ્ટ સમજૂતી હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જમીનની કિંમત એ કરારની મહત્ત્વની શરત હોઇ તેમાં ગેરસમજ અથવા ભૂલ એ હકીકતની ભૂલ બની રહે છે અને આ પ્રકારની ભૂલ કે જે જમીન વેચવાના કરાર માટે મહત્ત્વની છે તે પુરવાર થયેથી કરાર રદબાતલ ઠરે છે.
આવા સંજોગોમાં જમીનના વેચાણ કરારના વિશિષ્ટ પાલનના દાવામાં ખરીદનાર દ્વારા ચૂકવવામાં આવેલ અર્નેસ્ટ મનીની રકમ તેને પરત ચૂકવવાનો આદેશ યોગ્ય ઠરે છે. તેવો સિદ્ધાંત તારસેમ સિંઘ વિરુદ્ધ સુખમિંદર સિંઘના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ઠરાવવામાં આવે છે.નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તુત થયેલ આ કેસમાં અરજદાર પટીયાલા મુકામે ૪૮ કનલ્સ જેટલું ક્ષેત્રફળ ધરાવતી ખેતીની જમીનની માલિકી ધરાવતા હતા. આ જમીન અંગે અરજદારે સામાવાળા સાથે તા.૨૦/૦૫/૧૯૮૮ના રોજ આ જમીન રૂ.૨૪,૦૦૦/- એકર દીઠ ભાવ નક્કી કરી વેચાણ કરાર કરેલો. આ વેચાણ અંગેનો કરાર કરતી વેળા (અમલ સમયે) બાના તરીકે સામાવાળા તરફથી અરજદારને રૂ.૭૭,૦૦૦/- જેટલી રકમ પણ ચૂકવવામાં આવેલી. પરંતુ ત્યારબાદ વેચાણ કરારની શરતો મુજબ અરજદાર દ્વારા સામાવાળાની તરફેણમાં વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવેલો ન હતો, જોકે સામાવાળા પણ કરારની શરતો મુજબ વર્તવા તૈયાર હતા.
ત્યારબાદ સામાવાળાએ અરજદાર વિરુદ્ધ કરારના વિશેષ અમલનો દાવો નામદાર નીચલી સિવિલ કોર્ટ સમક્ષ દાખલ કરેલો. જે કામે નામદાર ટ્રાયલ કોર્ટે હુકમ પણ કરેલો. ત્યારબાદ નામદાર ટ્રાયલ કોર્ટે કરેલ હુકમ સામે ડિસ્ટ્રિકટ કોર્ટ (લોઅર એપેલેટ કોર્ટ) સમક્ષ અપીલ કરવામાં આવેલ. જેમાં લોઅર એપેલેટ કોર્ટ દ્વારા નીચલી કોર્ટના હુકમમાં સુધારાઓ કરવામાં આવેલ. જેમાં લોઅર એપેલેટ કોર્ટ એવા તારણ ઉપર આવેલ કે અરજદાર અને સામાવાળા એમ બંને પક્ષકારો હકીકતની ભૂલ (મીસ્ટેક)નો ભોગ બનેલ છે, પક્ષકારો વચ્ચે વેચાણ આપેલ જમીનની કિંમત વીઘા દીઠ નક્કી કરવામાં આવેલ છે યા કનલ્સ દીઠ નક્કી કરવામાં આવેલ છે તે બાબતે બંને પક્ષકારો વચ્ચે ગેરસમજ છે. વધુમાં સામાવાળા પક્ષકારો વચ્ચે થયેલ કરાર મુજબ અને તેમાં જણાવેલી શરતો મુજબ વર્તવા તૈયાર ન હતા. આથી નામદાર કોર્ટ દ્વારા મજકુર કેસની અંદર કરારના વિશેષ અમલ બાબતે હુકમનામું નહી કરી આપેલ, પરંતુ પક્ષકારો વચ્ચે અપાયેલ બાના પેટેની રકમ રૂ.૭૭,૦૦૦/- રિફંડ આપવા બાબતે અરજદાર સામે હુકમનામુ કરવામાં આવેલું.
મજકુર હુકમની સામે પણ નામદાર હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલી પરંતુ નામદાર હાઇકોર્ટે પણ લોઅર એપેલેટ કોર્ટના તારણો અને લોઅર એપેલેટ કોર્ટના હુકમને સમર્થન આપતો હુકમ કરેલો. ત્યારબાદ નામદાર હાઇકોર્ટના હુકમથી નારાજ થઇને અરજદારે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ હાલની આ અપીલ દાખલ કરેલી.
જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, આ કામના પક્ષકારોએ કબૂલ કરેલ અને આ કેસની ર્નિિવવાદ હકીકત એ છે કે પક્ષકારો વચ્ચે ખેતીની જમીન અંગે વેચાણ કરાર થયેલ, જેમાં જમીનનું ક્ષેત્રફળ ૪૮ કેનલ્સ ૧૧ મારલાસ જેટલું છે આ જમીનની વેચાણ કિંમત રૂ.૨૪,૦૦૦/- વીઘા દીઠ અથવા કેનાલ દીઠ નક્કી થયેલ છે અને તે અંગે રૂ.૭૭,૦૦૦/- બાના પેટે ચૂકવવામાં આવેલ છે અને બાકી વેચાણ અવેજની રકમની ચુકવણી અરજદારને નિયત સમયમાં કરવાની તથા જો સામાવાળા બાકીની રકમ નિયત સમયમાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો બાનાની રકમ જપ્ત થશે તેવી શરત પણ થયેલી.
ડિસ્ટ્રિકટ કોર્ટ (લોઅર એપેલેટ કોર્ટ) સમક્ષ જ્યારે અપીલ પેન્ડિંગ હતી તે દરમ્યાન સામાવાળા દ્વારા દાવા અરજીમાં જમીનના ક્ષેત્રફળમાં તથા અવેજની રકમમાં સુધારા કરવામાં આવેલા, જેને કોર્ટના નિર્ણયમાં સામેલ પણ કરવામાં આવેલા. તે મુજબ જમીનનું ક્ષેત્રફળ ૪૮ કેનલ્સ ૧૧ બીસ્વાસને બદલે ૪૮ વીઘા ૧૧ બીસ્વાસ સુધારવામાં આવેલ. આ ઉપરાંત બીજી કેટલીક લાઇનો, પેરાઓ પણ સુધારવામાં આવેલ. નામદાર સુપ્રીમ કોર્ટે આ કેસમાં ઠરાવેલ કે, એ જરૂરી નથી કે કાયદા મુજબ દરેક કરાર લેખિતમાં જ હોવા જોઇએ.
જ્યાં કોઇ લખાણો કાયદા મુજબ લેખિતમાં હોવા જરૂરી ન હોય ત્યાં પક્ષકારો વચ્ચે મૌખિકમાં થયેલ એગ્રીમેન્ટ પક્ષકારોને એકસમાન બંધનકર્તા રહે છે. કરાર અધિનિયમની કલમ-૧૦ મુજબ કાયદેસર કરાર માટે (૧) પક્ષકારોની મુક્ત સંમતિ (૨) પક્ષકારોની કરાર માટે યોગ્યતા,(૩) કાયદેસરનો અવેજ (૪) કાયદેસરના ઓબ્જેક્ટ જેવા તત્ત્વો ખૂબ જ જરૂરી છે. કાયદાની કલમ-૨૦ મુજબ જે કરાર રદબાતલ હોય તેનો લાભ પક્ષકારો પૈકી કોઇ એક પક્ષકારને મળે. કાયદાની કલમ-૬૫ અંગે કહી શકાય કે કરાર મુજબ સામાવાળા પાસેથી અરજદારે રૂ. ૭૭,૦૦૦/- મેળવેલ કે જે રકમ સામાવાળાને પરત સોંપવા બંધાયેલ છે.
અને નીચલી કોર્ટે પણ બાના પેટેની રકમ સામાવાળાને પરત સોંપવા અરજદાર વિરુદ્ધ હુકમનામું ફરમાવવામાં આવેલ છે. આથી નામદાર સુપ્રીમ કોર્ટે અરજદારની સ્પેશિયલ લીવ પિટિશન રદ કરવા માટેનો હુકમ ફરમાવેલો. કલમ ૨૩ અને ૨૪ મુજબ કરાર કોઇપણ કારણોસર રદબાતલ થઇ શકે છે. જમીન/મિલકતના વેચાણ કરારમાં જમીન/મિલકતની નક્કી કરવામાં આવેલ કિંમત ‘એક વીઘા દીઠ’ કે ‘એક કનલ દીઠ’ છે તે બાબતે પક્ષકારો વચ્ચે સ્પષ્ટ સમજૂતી હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જમીનની કિંમત એ કરારની મહત્ત્વની શરત હોઇ તે અંગેની ગેરસમજ અથવા ભૂલ એ હકીકતની ભૂલ બની રહે છે અને આ પ્રકારની ભૂલ કે જે જમીન વેચવાના કરાર માટે મહત્ત્વની છે તે પુરવાર થયેલી કરાર રદબાતલ ઠરે છે. આવા સંજોગોમાં જમીનના વેચાણ કરારના વિશિષ્ટ પાલનના દાવામાં ખરીદનાર દ્વારા ચૂકવવામાં આવેલ અર્નેસ્ટ મનીની રકમ તેને પરત ચૂકવવાનો આદેશ યોગ્ય ઠરે છે.