વરસાદી પાણીના નિકાલ અને Harvesting અંગેની જોગવાઈઓ
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- ''શહેરો માટે વરસાદી પાણીના નિકાલ માટે માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન સાથે અમલીકરણ જરૂરી''
ગતાંકથી ચાલુ...
ગત આર્ટીકલમાં વરસાદી ઋતુચક્ર અને વરસાદના Pattern વલણ ઉપર આલેખન કરવામાં આવેલ, તેજ રીતે સંસ્થાકીય બાબતોનું વર્ણન કરેલ, પ્રવર્તમાન સમયમાં જે રીતે અસાધારણ સ્વરૂપે વરસાદ પડે છે તેના કારણે જે પ્રણાલીકાગત વરસાદી પાણીના વહનમાં કે Flooding ના તેમજ નિકાલના પ્રશ્નો ઉપસ્થિત થયા છે તેમજ તેના લાંબાગાળાના ઉપાયો શું તે અંગે વિવરણ કરીશું. સૌ પ્રથમ તો સંસ્થાકીય અને માળખાગત વ્યવસ્થા જોઈએ તો સમગ્ર દેશની દ્રષ્ટિએ જોઈએ તો ભારત સરકારના સિંચાઈ વિભાગ અને હવામાન Meteorological Dept. બન્ને વહિવટી વિભાગનું સંકલન અને નિતીવિષયક બાબતો આવે છે. અને સિંચાઈ વિભાગ હસ્તક કેન્દ્રીય જળ આયોગ CWC તરીકે તમામ મોટી નદીઓ મોટાભાગે આંતર રાજ્યમાંથી નીકળતી અથવા પસાર થતી હોય છે. નદીઓને પવિત્ર સ્વરૂપે એટલા માટે જોવામાં આવે છે કે મોટાભાગની સંસ્કૃતિઓ Civilization નદીના તટ ઉપર વસેલ છે. અને માનવીની જરૂરિયાતો ખાસ કરીને પીવાના પાણી અને ખેતીવિષયક પ્રવૃત્તિ નદીના પાણી ઉપર નિર્ભર હોય છે. ખેતી અને પાણી એક બીજા સાથે સંકળાયેલ હોવાથી. બંધારણમાં આ વિષયને સમવર્તી યાદી (Concurrent List)માં સમાવેશ કરવામાં આવેલ છે. જેથી આ બંન્ને વિષયોનું નિયમન મોટાભાગે રાજ્યો દ્વારા થાય છે.
જેમ શહેરીકરણ અને ઔદ્યોગિકરણની અસરો તમામ ક્ષેત્રો ઉપર થઈ છે તેમ અગાઉ વરસાદી પાણીનો નિકાલ ચોમાસાના સમયમાં નદી, નાળાં, કોતર, વાંકડા મારફત કુદરતી સ્વરૂપે થતો હતો અને સરેરાશ વરસાદના આધારે ભૌગોલિક સંરચના પણ તે સ્વરૂપે થયેલ, જેથી કુદરતી ઢોળાવના આધારે પાણીનું વહન થતું અને આ અંગે સામાન્ય રીતે રાજ્યનું સિંચાઈ વિભાગ વરસાદી પાણી ખાસ કરીને નદી અને ડેમોનું મોનીટરીંગ કરે છે. શહેરોમાંથી પસાર થતી નદીઓ અંગેની જવાબદારી પણ સિંચાઈ વિભાગની છે. શહેરોમાં જે વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો ઉપસ્થિત થયા છે તેનું વિગતવાર વિશ્લેષણ કરવાની જરૂર છે. મહાનગરપાલીકા અધિનિયમ તેમજ નગરપાલીકા અધિનિયમ મુજબ મહાનગરપાલીકા અને નગરપાલીકાની પ્રાથમિક જવાબદારી પાણી, રસ્તા અને ગટરની આવશ્યક સુવિધા પુરી પાડવાની છે. જ્યારે શહેરોમાં કુદરતી સ્વરૂપે જે પાણીના વહેણ Water Course કાંસ, ખાડી, તળાવ, વાંકડા, નદી વિગેરેમાં બિનઅધિકૃત બાંધકામ, દબાણ, ઝુંપડપટ્ટી વિગેરેના કારણે અવરોધો પેદા થયા છે. જેથી અગાઉ જે કુદરતી રીતે વરસાદી પાણીનો નિકાલ થતો હતો તે થતો નથી. વધુમાં છેલ્લા ૨૦ વર્ષનું વરસાદી Pattern જોવામાં આવે તો અસાધારણ સ્વરૂપે વરસાદ પડે છે જેથી કુદરતી વહેણ કે નાડાંની વહન શક્તિ પર્યાપ્ત નથી. બીજું કે કોઈપણ શહેર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે આયોજનબધ્ધ સ્વરૂપે વરસાદી ગટર Storm Water Execute કરવામાં આવી નથી. ટુંકાગાળાના ઉપાયો સ્વરૂપે જે વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તેટલા પુરતી વરસાદી ગટર કરવામાં આવી હોય પરંતું તેના પાણીના વહન માટે પર્યાપ્ત ડાયામીટરની પાઈપ હોતી નથી અને જે Catch Pit હોય તેમાં Silting થયેલ હોય નિભાવ Maintenanceના અભાવે જ્યારે અસાધારણ વરસાદની સ્થિતિમાં પાણીનું વહન થતું નથી. અને ઘણીવાર એવું પણ બને છે કે આ વરસાદી ગટરનો ઉપયોગ ડ્રેનેજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ વાસ્તવિક ચિતારથી શહેરી શાસકો વાકેફ છે. પરંતું લાબાગાળાના આયોજનના અભાવે અને નાણાંકીય સંસાધનોના (Financial Resources) અભાવે વરસાદી પાણીના નિકાલ માટે પ્રોજેક્ટ સ્વરૂપે અમલીકરણ થતું નથી.
જેથી સૌ પ્રથમ તો શહેરી વિસ્તારો, શહેરી સત્તામંડળના વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારોમાં (દા.ત. સુરતનો હજીરા વિસ્તાર) નદી, નાળાં, કોતર તમામ પ્રકારના કુદરતી વહેણ ઉપરના બિનઅધિકૃત દબાણો ઝુંબેશ સ્વરૂપે દુર કરાવી. દબાણ મુક્ત કરવા જોઈએ આ અંગે જીપીએમસી એક્ટ / મ્યુનિસીપાલીટી એક્ટ અને મામલતદાર કોર્ટ અધિનિયમની જોગવાઈઓ અને હાઈકોર્ટ / સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેષ્ઠો છે તે અનુસાર કામગીરી કરવી અનિવાર્ય છે. બીજું કે શહેરોમાં જ્યારે ટાઉનપ્લાનીંગ સ્કીમ બનાવવામાં આવે ત્યારે પાણીના વહેણ હોય તેના ઉપર ટીપી રસ્તા સુચવવામાં આવે છે જે પ્રથા દુર કરવી જોઈએ. બાંધકામ નિયમોમાં સબંધિત સંકુલ / સોસાયટી / ઔદ્યોગિક / કોમર્શીયલ બાંધકામ અનિવાર્ય પણે વરસાદી પાણીના નિકાલ તેમજ ફરજીઆત જળસંગ્રહ (Water Harvesting) ની જોગવાઈઓ સાથે પાલન કરતી જોગવાઈઓ જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જ્યારે Common GDCRનું અમલીકરણ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે કોઈપણ બાંધકામ કુદરતી વહેણને અટકાવતું હોય તેની મંજુરી આપવી ન જોઈએ અને આવા કુદરતી વહેણમાં થતા બાંધકામ ઉપર કડક નિયંત્રણ સાથે ભારે શિક્ષાત્મક જોગવાઈઓ કરવી જરૂરી છે.
હાલ શહેરોમાં કે કોઈપણ વિસ્તારમાં વરસાદી ગટરની જોગવાઈઓ કરવામાં આવે છે તે બિન આયોજન સ્વરૂપે થાય છે. જેથી રાજ્યના સિંચાઈ વિભાગ અને શહેરી વિકાસ વિભાગો છેલ્લા દસ વર્ષના વરસાદી આંકડાના આધારે Hydrological Survey કરાવીને તમામ મોટા અને નાના શહેરો માટે માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની જરૂર છે અને આ માટે સૌથી ઉદાહરણ લેવાપાત્ર કિસ્સો છે. મલેસીયાના કુઆલા-લમ્પુર શહેરમાં જ્યારે ભારે વરસાદ હોય ત્યારે વરસાદી પાણીના નિકાલના પ્રશ્નને આગવી સ્વરૂપે હાથ ધરવામાં આવેલ છે. શહેરની મધ્યમાં એક મોટી સબ-ટનલ બનાવવામાં આવેલ છે. જ્યારે ભારે વરસાદ હોય ત્યારે આ આખી ટનલમાં પાણી વહાવવામાં આવે છે જેથી શહેરમાં પાણી ભરાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહિ અને ત્યારબાદ પાણી વહાવીને વાહન વ્યવહાર માટે સબટનલનો ઉપયોગ કરવામાં આવે છે. આવા પ્રકારનું આયોજન આપણા શહેરો માટે પણ થઈ શકે છે. આપણા શહેરોમાં Storm Waterના માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનના આધારે જ અગ્રતાક્રમ પ્રમાણે વરસાદી ગટર બનાવી જરૂરી છે અને આ અંગે દર વર્ષે શહેરી વિકાસ વિભાગ અને સિંચાઈ વિભાગના બજેટમાં જોગવાઈ કરવી જરૂરી છે.
કારણકે કોઈપણ શહેર પાસે વરસાદી ગટર નાખવા માટે પર્યાપ્ત નાણાંકીય જોગવાઈઓ નથી. સુરત શહેર અવારનવાર પુરનો સામનો કરે છે. અમોએ પણ ૧૯૯૦, ૧૯૯૪, ૧૯૯૮ અને ૨૦૦૬ની પુરની સ્થિતિમાં સુરતમાં કામગીરી કરી છે અને હવે Resilience of City આફતમુક્ત શહેરોના અભિગમના કારણે કાયમી ધોરણે ઉપાયાત્મક પગલાં જરૂરી છે. સુરત શહેરને કાયમી ધોરણે મુક્ત કરવું હોય તો હજીરાના ઉદ્યોગિક ગૃહો પાસેથી નાણાંકીય જોગવાઈ કરાવડાવી - તાપી નદીના કઠોરથી Flood Mitigationના ભાગરૂપે નદીના વહેણને ડાઈવર્ટ કરી તાપીની કેનાલો મારફતે તેના ખાડીમાં પાણીનો નિકાલ થઈ શકે તેમ છે. રાજ્યસરકાર કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલનું આયોજન કરે તે જરૂરી છે.