- સાચા ખેડૂતોને ખેડૂત ખાતાવહી કાનૂની દસ્તાવેજ તરીકે આપવી જરૂરી
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- આવા કિસ્સાઓમાં જો ૮૪-સી હેઠળ કાર્યવાહી ચાલતી હોય તો તે પણ અવગણીને મૂળ ખેડુત ખાતેદારે આવી જમીન ખરીદવામાં આવી હોય તો નિયમબધ્ધ કરવાની હતી પરંતું Cut-Off વર્ષ ૨૦૧૫ પછીની કોઈ જમીન નિયમ વિરુધ્ધ ખરીદવામાં આવી હોય અને નોંધ મંજુર કરવામાં આવી હોય તો આવી જમીનો નિયમબધ્ધ કરવાની નથી અને કલમ-૬૩ના ભંગ બદલ કાર્યવાહી કરવાની થાય છે.
ગતાંકથી ચાલુ...આ કોલમના શ્રેણીબધ્ધ લેખોથી ગુજરાતમાં બિનખેડુત વ્યક્તિઓ પ્રવર્તમાન ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ-૫૪ની જોગવાઈઓ અનુસાર કાયદેસર રીતે ખેડુતનો દરજ્જો મેળવી ખેતી વિષયક જમીન ધારણ કરી શકતા નથી તેની કાયદાકીય જોગવાઈઓ સાથે સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર Law of Land તરીકે પ્રસ્થાપિત થયું છે. સાથોસાથ આ કાયદાઓ બંધારણની સાતમી અનુસુચિ આર્ટીકલ લીસ્ટ-૨ અને બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોના (Directive Principle of State Policy) આર્ટીકલ -૪૮ની જોગવાઈઓ સાથે સુસંગત છે. સુપ્રિમકોર્ટનો વિનોદચંદ્ર કાપડીયાના કિસ્સામાં જે ચુકાદો છે તે ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેન્ચનો એસ.સીએ-નં.-૨૫૦૫૮/૨૦૦૬ તા. ૧૭-૩-૨૦૦૯ના ચુકાદાથી ગુજરાત હાઈકોર્ટના સીંગલ જડ્જના જુદાજુદા ચુકાદાઓથી જે નિર્ણયો આપવામાં આવેલ તે રદ કરી Over rule કરેલ છે. ગુજરાત હાઇકોર્ટના ડીવીઝન બેન્ચના તા. ૧૭/૩/૨૦૦૯ના ચુકાદામાં ગણોતધારાની “Assignment” તબદીલી અંગેની તમામ કલમો દા.ત. ૪૩, ૩૨એમ. સુધી - ૩૨પી - ૮૪સી - ૧૭એ અને બી અંગે વિસ્તારપુર્વક સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. અને આ ચુકાદામાં કર્ણાટક રાજ્યના જમીન સુધારા અન્વયે સંગપ્થા - બાગીના કિસ્સામાં સુપ્રિમકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. આમ ગુજરાત હાઈકોર્ટના ડીવીઝન બેન્ચના ચુકાદાથી અને તે ચુકાદો સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવેલ તે તમામ ગ્રુપ Matters માં વિનોદચંદ્ર કાપડીયાના કિસ્સામાં આપેલ ચુકાદાથી વીલ યાને વસીયતનામા ઉપરાંત કલમ-૪૩ અને ૬૩ના નિયંત્રણો મુજબ બિનખેડુતની તરફેણમાં ખેતી વિષયક જમીન તબદીલ કરવાનો અને ખેડુતનો દરજ્જો આપવાનું ગેરકાયદેસર ઠરાવ્યું છે.
ગુજરાતમાં જ્યાં જ્યાં ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ-૫૪નો ભંગ કરીને ખેતીની જમીનો તબદીલ કરવામાં આવી છે તેવી જમીનો ગણોતધારાની કલમ-૮૪સી હેઠળ કાર્યવાહી હાથ ધરી જમીન ખાલસા કરવાની જોગવાઈ છે અને આ જ કાયદાની કલમ-૩૨પી હેઠળ ખાલસા થયેલ જમીનનો નિકાલ કરવાની જોગવાઈ છે. ગુજરાતમાં ગણોતધારાની કલમ-૬૩ના ભંગ કરીને બિનખેડુતોની તરફેણમાં જે જમીનો તબદીલ થયેલ અને તેવી જમીનોની ક્રમશઃ તબદીલી બાદ જો આવી જમીનોનું વેચાણ કાયદેસરના ખેડુતના નામે થયેલ હોય તો ગુજરાત સરકારે ખાસ કિસ્સામાં ૨૦૧૫ પહેલાં ખેડુત ખાતેદારે જમીન બિનખેડુતે ખરીદેલ ખેતીની જમીન ખરીદી હોય તો આવા વ્યવહારો અંગે મામલતદાર દ્વારા Summary Enquiry કરીને જંત્રીની રકમ વસુલ લઈ ખેડુત ખાતેદારને નિયમબધ્ધ કરી આપવાનો નિર્ણય કરેલ આ જોગવાઈ થોડા સમય પહેલાં રાજ્ય સરકારે ફરીવાર ૨૦૧૫નું આધાર વર્ષ યથાવત રાખીને જે કિસ્સાઓ નિયમબધ્ધ કરવાના બાકી રહ્યા હોય તો તે અંગે મુદત લંબાવેલ છે અને આવા કિસ્સાઓમાં જો ૮૪-સી હેઠળ કાર્યવાહી ચાલતી હોય તો તે પણ અવગણીને મૂળ ખેડુત ખાતેદારે આવી જમીન ખરીદવામાં આવી હોય તો નિયમબધ્ધ કરવાની હતી પરંતું Cut-Off વર્ષ ૨૦૧૫ પછીની કોઈ જમીન નિયમ વિરુધ્ધ ખરીદવામાં આવી હોય અને નોંધ મંજુર કરવામાં આવી હોય તો આવી જમીનો નિયમબધ્ધ કરવાની નથી અને કલમ-૬૩ના ભંગ બદલ કાર્યવાહી કરવાની થાય છે.
ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા બિનખેડુતોની તરફેણમાં ખેતીની જમીનોની તબદીલી ન થાય અને કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ-૫૪ વિરુધ્ધ વ્યવહારો ન થાય એટલે સરકારે અગાઉ તાલુકા મામલતદારને 'ખેડુત ખરાઈ'ની ખાત્રી કરવાની જોગવાઈઓ ધરાવતો પરિપત્ર કરેલ અને હાલ સબંધિત પેટાવિભાગના પ્રાન્ત અધિકારીને 'ખેડુત ખરાઈ પ્રમાણપત્ર' રજુ થયા બાદ જ નોંધ પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ પ્રમાણપત્ર મેળવવા 'ઓનલાઈન' પધ્ધતિ દાખલ કરવામાં આવી છે અને આ પ્રમાણપત્ર મેળવવામાં અસલ ખેડુત ખાતેદારોને ખુબજ હેરાનગતી છે. સામાન્ય સંજોગોમાં 'ખેડુત ખરાઈ પ્રમાણપત્ર' મળે તેવી સ્થિતિ નથી. ખરેખર આ જોગવાઈ કોઈ કાયદામાં નિયત કરેલ નથી. કોઈપણ ખેતીની જમીન Genuine ખાતેદાર ખરીદતો હોયતો તે અંગેની ખરાઈ / ખાત્રી કરવાની જવાબદારી મહેસુલી તંત્રની છે. અગાઉ જમીન ખરીદ્યાના છ માસ સુધી ખેડુત ખરાઈ કરી લેવાની જવાબદારી સબંધિત મામલતદારની હતી. હવે આ 'ખેડુત ખરાઈ પ્રમાણપત્ર' પ્રાન્ત અધિકારી પાસેથી મેળવવાનું છે. ખરેખર અત્યારે ૨૦૦૪થી તમામ મહેસુલી રેકર્ડ કોમ્પ્યુટરાઈઝ કરી, ઓનલાઈન મુકવામાં આવેલ છે અને સબંધિત મામલતદાર કચેરીના - ઈ.ધરા સેન્ટરમાં નોંધ પાડતી વખતે નોંધ પ્રમાણિત કરનાર અધિકારી ઓનલાઈન ખાત્રી કરી શકે છે. ખેડુત ખરાઈ પ્રમાણપત્ર રજુ કરવાની જરૂર નથી. વધુમાં હાલ ઓનલાઈન બિનખેતી કે નવી શરતની જમીન જુના સતા પ્રકારમાં ફેરવવાની પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં પણ ૧૯૫૧થી તમામ વ્યવહારોની ખાત્રી કરવાની જોગવાઈ કરવાની છે. ઘણીવાર એક જ કટુંમ્બના કાયદેસરના વારસદારો / ભાઈઓ ભાગથી હક્ક મેળવતા કબજેદારોના કિસ્સામાં બિનખેડુત હોવાનું જણાવી અથવા તો ક્ષુલ્લક બાબતો ઉપસ્થિત કરી, કેસો Reject કરવામાં આવે છે. આમ કોઈપણ વ્યક્તિ ખેડુત ખાતેદાર છે કે કેમ તેની ખાત્રી કરવાની જવાબદારી મહેસુલી તંત્રની છે.
વધુમાં જમીન મહેસુલ અધિનિયમમાં પ્રકરણ ૧૦બી ઉમેરી અસલ ખેડુત ખાતેદારને 'ખેડુત ખાતાવહી' આપવાનું કાયદાથી ઠરાવ્યું છે. ખેડુત ખાતાવહીને કાયદાનો દરજ્જો આપવાથી ખેડુતનો દાખલો આપ્યાનું પ્રસ્થાપિત થાય છે. આ દસ્તાવેજમાં સબંધિત સર્વેનંબરની જમીનમાં જે વ્યવહારો થાય છે તેની નોંધ કરવાની છે અને આ ખાતાવહીને દારપણાના (Solvency) દાખલા તરીકે માન્ય રાખવાની છે. ગુજરાતમાં આ કાયદાકીય જોગવાઈ કરેલ હોવા છતાં ખેડુત ખાતેદારને ખાતાવહી આપવામાં આવતી નથી જો આપવામાં આવે તો ખેડુતોને તેઓએ ખેડુત ખરાઈ પ્રમાણપત્ર રજુ કરવાનો પ્રશ્ન થાય નહિ. નિયમોનુસાર ખાતેદારે તેની ભુસંપત્તિ - જમીનના ૭ટ૧૨ પણ વિનામુલ્યે આપવાની જોગવાઈ છે.
આમ અગાઉના શ્રેણીબધ્ધ લેખોથી ગુજરાતમાં ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ-૫૪ હેઠળ બિનખેડુતની તરફેણમાં વીલ યાને વસીયતનામા સહિતથી ખેતીની જમીન તબદીલ કરવા ઉપર પ્રતિબંધ છે. આ જે જોગવાઈઓ કરવામાં આવી છે તે બંધારણના જમીન સુધારા કાયદાઓની અનુસુચિ મુજબ અને ખેડુતોના હક્કોની જાળવણી માટે છે જેથી તેમાં કોઈપણ ફેરફાર કરવા કે પ્રયત્નો કરવા તે ખેતીની જમીનના કાર્યસાધક ઉપયોગ અને ખેડુતોના ભરણપોષણ / જીવન નિર્વાહની વિરુધ્ધનું સાબિત થશે. (સંપુર્ણ)